Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

હમણાં જ પિતા બનેલા કોન્‍સ્‍ટેબલને બચાવવા PSIએ ખાધી ગોળી

અન્‍ય એક SIને ગોળી વાગવા છતાં અન્‍ય ઘાયલોને હોસ્‍પિટલ પહોંચાડયા

નવી દિલ્‍હી તા. ૧૧ : એક તરફ દેશભરમાં જયાં દિલ્‍હી પોલીસના વખાણ અને ગેંગસ્‍ટર રાજેશ ભારતી તેમજ તેના ત્રણ સાથીદારોને એન્‍કાઉન્‍ટર અંગે ચર્ચા ચાલી રહી છે ત્‍યારે એક એવી માહિતી સામે આવી છે જેને સાંભળીને તમને પણ આ પોલીસ અધિકારીઓ પર ગર્વ થશે. રવિવારે જયારે વહેલી સવારે એન્‍કાઉન્‍ટ ચાલી રહ્યું હતું ત્‍યારે સબ-ઇન્‍સપેક્‍ટર બીજેન્‍દ્રસિંહ દેશવાલે પોતાની ટીમના સાથી અને હાલમાં જ પિતા બનેલા ૨૫ વર્ષના કોન્‍સ્‍ટેબલ ગુરુદીપ સિંહના બચાવ માટે પોતાની છાતીએ ગોળી ખાધી હતી. આ માહિતી દેશવાલના પુત્ર આશિષે આપી હતી.

આશિષના જણાવ્‍યા મુજબ એન્‍કાઉન્‍ટર દરમિયાન દેશવાલને છાતી નજીક ગોળી મારવામાં આવી હતી. જયારે આ દરમિયાન અન્‍ય એક લ્‍ત્‍ રાજ સિંહને પણ જમણા હાથમાં ગોળી વાગી હતી. તેમ છતા તમેણે નજીકની હોસ્‍પિટલ સુધી પોલીસ જીપ ચલાવીને પોતાને તેમજ એન્‍કાઉન્‍ટરમાં ઘાયલ અન્‍ય ૬ પોલીસકર્મીઓને હોસ્‍પિટલ પહોંચાડ્‍યા હતા.

દેશવાલ અને રાજના પુત્રો ક્રમશઃ આશિષ અને અક્ષયને તેમના પિતાના આ હીરોઇઝમની માહિતી બીજા દ્વારા મળી હતી. જયારે ક્રિષ્‍ણ કાદાયન સ્‍પેશિયલ સેલ ટીમના અન્‍ય એક સભ્‍યની દીકરી કોમલ કાદાયને કહ્યું કે ‘શનિવારે રાત્રે તેના પિતાએ કહ્યું હતું કે સવારે ઓફિસના કામે બહાર જવાનું હોવાથી હું વહેલો સુઈ જાઉં છું અને તેઓ વહેલા સુઈ ગયા હતા તેમજ સવારે ૪-૩૦ વાગ્‍યામાં ઘરની બહાર નીકળી ગયા હતા.'

સફદરગંજ હોસ્‍પિટલમાં MBBSના અંતિમ વર્ષમાં અભ્‍યાસ કરતી કોમલે કહ્યું કે, ‘પછી અચાનક જ મને તેમનો ફોન આવ્‍યો કે તેમને કંઈક ઈજા થઈ છે માટે હોસ્‍પિટલ આવી રહ્યા છે.' જોકે જયાંથી તેમને AIIMSના ટ્રોમા સેન્‍ટરમાં લઈ જવામાં આવ્‍યા હતા. જયાં તેમની દીકરી કોમલે પણ ડોક્‍ટર્સની ટીમમાં જોડાઈ ગઈ હતી. તેણે કહ્યું કે, ‘મને જેવી ખબર પડી કે ખરેખર શું થયું હતું ત્‍યારે બે પ્રકારની લાગણીથી હું ઘેરાયેલ હતી. એકબાજુ તેમણે જે કર્યું તેના માટે મને ગર્વ અનુભવાતો હતો જયારે તે મારા પિતા છે અને તેમને બે ગોળી વાગી છે તેથી પરિસ્‍થિતિની ગંભીરતાને જોતા હું ખૂબ જ ચિંતાતૂર હતી.'

આ એન્‍કાઉન્‍ટમાં દિલ્‍હી સ્‍પેશિયલ સેલના ૮ પોલીસકર્મીઓ ઘવાયા હતા. જે પૈકી ઉચ્‍ચ અધિકારીઓના જણાવ્‍યા અનુસાર કોન્‍સ્‍ટેબલ ગિરધરને પ્રાઇવેટ હોસ્‍પિટલમાં શિફટ કરવામાં આવ્‍યા છે. જયારે અન્‍ય ૪ જવાન એમ્‍સના ટ્રોમા સેન્‍ટર ખાતે સારવાર લઈ રહ્યા છે. તો બાકીના ૩ જવાનને હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરી દેવાયા છે.

(11:47 am IST)