Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

કૌભાંડી નિરવ મોદી પહોંચ્યો બ્રિટનઃ માગ્યુ રાજકીય શરણુ

ભારતની બીજી સૌથી મોટી એવી પંજાબ નેશનલ બેંકને રૂ. ૧૩૪૦૦ કરોડનું બુચ મારી ફેબ્રુઆરીથી લાપત્તા બની જનાર નિરવ બ્રિટનમાં હોવાની પુષ્ઠી : નિરવ મોદીએ રાજકીય સતામણીનો મુકયો આરોપઃ ભારત હવે કાનૂની અભ્યાસ કરી પ્રત્યાર્પણની વિધિ શરૂ કરશેઃ વિજય માલ્યા પણ બ્રિટનમાં જ છુપાયો છે

નવી દિલ્હી, તા. ૧૧ :. પંજાબ નેશનલ બેંક કૌભાંડના ૧૩૪૦૦ કરોડના મુખ્ય આરોપી અને હીરાના વેપારી નિરવ મોદી બ્રિટનમાં રાજકીય શરણુ ઈચ્છે છે. તેવો એક દાવો બ્રિટનના એક પ્રતિષ્ઠીત અખબારે પોતાના રીપોર્ટમાં કર્યો છે. અખબારના જણાવ્યા પ્રમાણે ભારત અને બ્રીટનના અધિકારીઓએ નિરવ મોદી બ્રિટનમાં હોવાની પુષ્ઠી કરી છે. પંજાબ નેશનલ બેન્કને કરોડો રૂપિયાનું બુચ મારી નિરવ મોદી ફેબ્રુઆરીથી લાપત્તા છે. ભારતીય એજન્સીઓ તેની શોધખોળ કરી રહી છે. રીપોર્ટ અનુસાર નિરવ મોદીએ રાજકીય સતામણીનો હવાલો આપી બ્રિટન પાસે રાજકીય શરણુ માગ્યુ છે. ભારત સરકાર પર નિરવ ઉપરાંત વિજય માલ્યાને પણ પરત લાવવાનું દબાણ છે તે પણ લંડનમાં છૂપાયો છે.

નિરવ મોદી ભારત છોડી ગયા બાદ સરકારે તેનો પાસપોર્ટ રદ કર્યો હતો અને તેની સામે લુકઆઉટ નોટીસ પણ જારી કરી હતી. પોલીસે મે મહિનામાં ૨૫ લોકો વિરૂદ્ધ ચાર્જ ફાઈલ કર્યા હતા. જેમા નિરવ મોદી, મેહુલ ચોકસી, પીએનબીના પૂર્વ વડા ઉષા અનંત સુબ્રમણ્યમ, બેન્કના બે ડાયરેકટરો અને નિરવ મોદીની કંપનીના ૩ લોકો સામેલ હતા.

જો કે નિરવ મોદી અંગે ત્યાના ગૃહ વિભાગે કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો છે. નિરવ મોદીના પ્રત્યાર્પણ માટે બ્રિટને વિધિવત વિનંતી કરતા પહેલા ભારત સરકાર કાયદાકીય એજન્સીઓ તરફથી રીપોર્ટ મળવાની રાહ જોઈ રહેલ છે.(૨-૧)

(11:13 am IST)