Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

હવે એર ઇન્ડિયા દ્વારા ૨૦૦૦ કરોડના વધારાના ફંડની માંગ

એર ઇન્ડિયાની આર્થિક હાલત વધુ ખરાબ થઇ : મોનસુન સત્ર પહેલા સરકારની તરફથી મંજુરી મળી જાય તેવી વકી : વર્તમાન સંકટમાંથી નિકળવા જંગી રકમ જરૂરી

નવી દિલ્હી,તા. ૧૦ : આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલા એરઇન્ડિયાએ સરકાર પાસેથી ૨૦૦૦ કરોડ રૂપિયાના વધારાના ફંડની માંગ કરી છે. આ માહિતી કંપનીના એક વરિષ્ઠ અધિકારી દ્વારા આપવામાં આવી છે. એરલાઈન્સને આશા છે કે, મોનસુન સત્રમાં સરકાર તરફથી આને મંજુરી આપી દેવામાં આવશે. યુપીએ સરકારે ૨૦૧૨માં એર ઇન્ડિયા માટે ૩૦૨૩૧ કરોડ રૂપિયાના બેલઆઉટ પેકેજની જાહેરાત કરી હતી. કંપનીને હજુ સુધી ૨૬૦૦૦ કરોડ રૂપિયા મળી ચુક્યા છે. એક અધિકારીએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, અમે સરકાર સમક્ષ ઇક્વિટી નાણા ઠાલવવાની રજૂઆત ફરી એકવાર કરી ચુક્યા છે. વર્તમાન સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર પાસેથી વધારાના ૨૦૦૦ કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૩-૧૪થી એર ઇન્ડિયાને દર વર્ષે સરેરાશ ત્રણથી ચાર હજાર કરોડ રૂપિયાની રકમ મળે છે. હવે આ રકમ ઘટી રહી છે. ૨૦૧૮-૧૯માં આ રકમને ઘટાડીને ૬૫૦ કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કારણ કે તેના ખાનગીકરણની યોજના બનાવવામાં આવી હતી. વર્ષ ૨૦૧૩-૧૪થી એર ઇન્ડિયાને જંગી નાણા મળી રહ્યા હતા. જો કે, આ યોજના હવે સંપૂર્ણપણે ફ્લોપ રહી છે. એરલાઈનની ૭૬ ટકા હિસ્સેદારી વેચવા માટેની તૈયારી કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવી હોવા છતાં એર ઇન્ડિયાને ખરીદવા માટે કોઇ કંપની તૈયાર થઇ ન હતી. આર્થિક તકલીફના પરિણામ સ્વરુપે એર ઇન્ડિયાના કર્મીઓના પગાર પણ અટવાઈ પડ્યા છે. સપ્ટેમ્બરથી જાન્યુઆરી સુધી કંપની જુદી જુદી બેંકો પાસેથી ૬૨૫૦ કરોડ રૂપિયા લઇ ચુકી છે. એર ઇન્ડિયાએ અનેક સંસ્થાઓમાં ૧૦૦૦ કરોડ રૂપિયાના વર્કિંગ કેપિટલ લોન માટે પણ રજૂઆત કરી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું છે કે, એર ઇન્ડિયાના મૂડીરોકાણના સંદર્ભમાં પ્રધાનોના ગ્રુપ દ્વારા નિર્ણય કરવામાં આવશે. સુરેશ પ્રભુનું કહેવું છે કે, નાણામંત્રી અરુણ જેટલીના નેતૃત્વમાં મળનાર બેઠકમાં અંતિમ નિર્ણય કરવામાં આવશે. એર ઇન્ડિયાના ૭૬ ટકા હિસ્સાને વેચવાના સરકારના નિર્ણય બાદથી કેટલીક કંપનીઓએ આમા રસ દર્શાવ્યો હતો પરંતુ સરકાર દ્વારા અતિ કઠોર ધારાધોરણોને અમલી કરવામાં આવ્યા બાદ કંપનીઓ પીછેહઠ કરી ગઈ હતી. કેટલીક વિદેશી એરલાઈનો દ્વારા પણ રસ દર્શાવવામાં આવ્યો હતો. જો કે, આ તમામ કંપનીઓ છેલ્લીઘડીએ પીછેહઠ કરી ગઈ હતી. સરકારને કોઇ ખરીદદાર ન મળતા હવે એર ઇન્ડિયા તરફથી ૨૦૦૦ કરોડ રૂપિયાના વધારાના ફંડની માંગ કરવામાં આવી છે.

પગારમાં વિલંબ થતાં હડતાળ માટે ચેતવણી

એર ઇન્ડિયાના પાયલોટો નાખુશ

        નવીદિલ્હી, તા. ૧૦ : એર ઇન્ડિયાને વધુ એક ફટકો પડ્યો છે. કંપનીની રિઝનલ પાયલોટ યુનિટે ધમકી આપી છે કે, જો પગારમાં વિલંબ થતો રહેશે તો મેનેજમેન્ટની સાથે સહકાર બંધ કરી દેવામાં આવશે. એરલાઈને કંપનીના ૧૧૦૦૦ કર્મચારીઓના પગારમાં ફરીવાર વિલંબ કર્યો છે. સતત ત્રીજા મહિનામાં વિલંબ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ એક્ઝીક્યુટીવ કમિટિ ઓફ ઇન્ડિયન કોમર્શિયલ પાયલોટ એસોસિએશનને લખવામાં આવેલા પત્રમાં રિઝનલ એક્ઝીક્યુટીવ કમિટિ (આરઇસી)નું કહેવું છે કે જ્યાં સુધી સમયસર પગાર મળશે ત્યાં સુધી કામગીરી યથાવતરીતે જારી રાખવામાં આવશે પરંતુ પગારમાં વિલંબ થવાની સ્થિતિમાં કર્મચારીઓ સહકાર આપશે નહીં. કંપનીઓ મુશ્કેલીનો સામનો કરી શકે છે. પાયલોટો ઘણા સમયથી નાખુશ દેખાઈ રહ્યા છે. દિલ્હીમાં આરઈસીની છઠ્ઠી જૂનના દિવસે મિટિંગ મળી હતી. સરકારી વિમાન કંપનીના ડિસઇન્વેસ્ટમેન્ટને લઇને હાલમાં હિલચાલ હાથ ધરવામાં આવી હતી. જે લોકોએ લોન લીધેલી છે તે લોકોને ભારે તકલીફ પડી રહી છે. જ્યાં સુધી પગાર નિયમિત કરાશે નહીં ત્યાં સુધી આરઈસીને મેનેજમેન્ટની સાથે સહકાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

(12:00 am IST)