Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કર્ણાટકની સ્થિતિ અંગે લોકસભા અને રાજ્યસભામાં ભારે હોબાળો

કર્ણાટક સ્થિતિ અંગે લોકસભા-રાજ્યસભા સ્થગિત કરવાની ફરજ પડી : ગૃહમાં ભાજપ પર કોંગ્રેસી ધારાસભ્યોને તોડવાનો આક્ષેપ કરવામાં આવ્યો પ્રધાનમંત્રી અને અમિત શાહ ઉપર પણ પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના આક્ષેપ

નવીદિલ્હી, તા. ૯ : કર્ણાટક કટોકટી મુદ્દે સંસદમાં જોરદાર હોબાળો જારી રહ્યો હતો. સોમવાર બાદ મંગળવારે પણ લોકસભાથી કોંગ્રેસને કર્ણાટક મુદ્દે વોકઆઉટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજ્યસભામાં પણ કોંગ્રેસ સાંસદોના હોબાળા બાદ બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસે સદનમાં આરોગ્ય લગાવ્યો કે, કર્ણાટકમાં ભાજપ તેમના ધારાસભ્યોને તોડવાના પ્રયાસ કરી રહી છે. આ મુદ્દે જવાબ આપતા કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, આમાં ભાજપનો કોઇ હાથ નથી. સોમવારે પણ રાજનાથે કોંગ્રેસના આરોપ પર જવાબ આપતા સીધા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે, રાજીનામુ આપવાની પરંપરા તો રાહુલ ગાંધીએ જ શરૂ કરી હતી. રાજનાથે આરોપોને ફગાવતા કહ્યું હતું કે, કર્ણાટકમાં જે કંઇપણ થઇ રહ્યું છે તે કોંગ્રેસનો આંતરિક મામલો છે. તેઓ પોતાના ઘરને સંભાળી સકતા નથી અને અહીં લોકસભામાં કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવાના પ્રયાસ કરી રહ્યા છે. ગૃહમાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, શિકારી રાજનીતિ હમેશા માટે પૂર્ણ થવી જોઇએ. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, સરકારોને અસ્થિર કરવાની તેમની આદત છે જે લોકતંત્રની વિરુદ્ધ છે. પ્રજાએ ભાજપને સરકાર બનાવવાનો જનાદેશ આપ્યો નથી અમને લોકોએ વધુ વોટ આપ્યા છે. કોંગ્રેસ અને જેડીએસના ખાતામાં ૫૭ ટકા વોટ પડ્યા છે. એટલું જ નહીં સિદ્ધારમૈયાએ કહ્યું કે, આ વખતે રાજ્યમાં સરકારને અસ્થિર કરવામાં રાજ્ય યુનિટ જ નહીં પરંતુ અમિત શાહ અને નરેન્દ્ર મોદી પણ જોડાયા છે.

આ તમામ બાબતો વચ્ચે કોંગ્રેસ વધુ એક મોટો ફટકો પડ્યો હતો અને લાંબા સમયથી અસંતુષ્ટ દેખાઈ રહેલા ધારાસભ્ય રોશન બેગે પણ રાજીનામુ આપી દીધું હતું. આની સાથે જ કોંગ્રેસ-જેડીએસમાં રાજીનામુ આપનાર વિધાયકોની સંખ્યા ૧૪ થઇ ગઈ છે અને અન્ય અપક્ષ સાંસદો સાથે ૧૬ ધારાસભ્યોએ સરકારથી સમર્થન પરત ખેંચી લીધું છે.

(7:39 pm IST)