Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ચીનના દબાણને કારણે નેપાળે દલાઈ લામાનો જન્મ દિવસ ઉજવવા મંજૂરી ન આપી

કાઠમંડુઃ  નેપાળ સરકાર દ્વારા અનુમતિ ન મળવાને કારણે રવિવારે દલાઈ લામાના જન્મ દિવસની ઉજવણીનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને નેપાળમાં પાડોશી દેશ ચીનના વધી રહેલા પ્રભાવના વધુ એક સંકેત સમાન જોવામાં આવી રહી છે. અંદાજે ૨૦ હજાર જેટલા તિબેટીયનોએ નેપાળમાં શરણ મેળવેલું છે પરંતુ બેઈજિંગના દબાણને પગલે નેપાળની વર્તમાન સામ્યવાદી સરકારે શરણાર્થીઓની ગતિવિધિઓ પ્રત્યે આકરૃં વલણ અપનાવેલું છે.

કાઠમંડુના સહાયક મુખ્ય જિલ્લા અધિકારી કૃષ્ણ બહાદુર કટુવાલના જણાવ્યા મુજબ શાંતિ અને સુરક્ષાને લઈ સમસ્યા સર્જાઈ શકવાના ડરને પગલે જન્મ દિવસની ઉજવણી માટે અનુમતિ નહોતી આપવામાં આવી. સાથે જ તેમણે અનુચિત ગતિવિધિઓ અને આત્મદાહની સંભાવનાને લઈ સરકારે સજાગ રહેવું જરૂરી હોવાનું કારણ આપ્યું હતું.

અગાઉ શનિવારે તિબેટિયનો રહે છે તે વિસ્તારોમાં ભારે મોટું સુરક્ષા દળ તૈનાત કરવામાં આવ્યું હતું. દલાઈ લામાના ૮૪મા જન્મ દિવસની ઉજવણી કરવાની હતી તે બૌદ્ઘ મઠ પાસે પણ ભારે સુરક્ષા વ્યવસ્થા તૈનાત કરવામાં આવી હતી. આયોજન સમિતિના એક સદસ્યે સરકાર તરફથી વધુને વધુ કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે તે અંગે ચિંતા વ્યકત કરી હતી.

તિબેટીયન પરિવારજનોએ પોતાના આધ્યાત્મિક નેતાના જન્મ દિવસની ઉજવણી ઘરે જ ખાનગીમાં કરીને સંતોષ માનવો પડયો હતો. ઉલ્લેખનીય છે કે, ૧૦ માર્ચ, ૧૯૫૯ના રોજ ચીની શાસન વિરૂદ્ઘ વિદ્રોહ બાદ હજારો તિબેટી શરણાર્થીઓ સરહદ પાર કરીને નેપાળમાં આવ્યા હતા જેથી દલાઈ લામાએ શરણ માંગવું પડયું હતું.

(3:10 pm IST)