Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

કચ્છી ગાયિકા ગીતા રબારીએ નરેન્દ્રભાઇને સંભળાવ્યું તેની ફરમાઇશનું ગીત

વડાપ્રધાને યાદ કર્યુ ''કચ્છની કોયલ''નું બાળપણઃ મુખ્યમંત્રી તરીકે પ્રથમ વખત ''બાળ ગાયિકા'' તરીકે પ્રોત્સાહિત કર્યા હતા

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાથે કચ્છના ગાયિકા ગીતા રબારી તથા કચ્છના આગેવાનો નજરે પડે છે.

ભુજ તા.૯: જાણીતા ગુજરાતી લોકગાયિકા ગીતા રબારીએ દિલ્હી મધ્ય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને મળીને કચ્છી માડુઓ વતી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી જોકે, પોતાની આ મુલાકાત વિશે ગીતા રબારીએ શું કહ્યું એ જાણીએ તે પહેલા એ વાત કરી લઇએ કે ખુદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગીતા રબારી માટે શું કહ્યું? વડાપ્રધાન નરેન્દ્રભાઇએ ગીતા રબારીને ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા ગણાવીને આ મુલાકાતને યાદગાર ગણાવી હતી.

ટ્વીટર ઉપર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નરેન્દ્રભાઇ મોદીએ ગીતા રબારી સાથેની મુલાકાત વિશે ટ્વીટ કરતા કહ્યું કે, મે તેને નાની વયે ગાતા સાંભળ્યા બાદ તેણે ખૂબ જ પ્રગતિ કરી છે. મેં તેમને બાળ ગાયિકા તરીકે પ્રોત્સાહિત કર્યા હતા પણ આજે ગુજરાતની પ્રસિદ્ધ લોકગાયિકા તરીકે તેમને મળતા આનંદ થયો છે. ગીત રબારી જેવા વ્યકિતએ આપણા સમાજ માટે પ્રેરણા રૂપ છે. એક સામાન્ય પરિવારની દિકરીએ લોકસંગીત ક્ષેત્રે પોતાના સમર્પણ દ્વારા જે સિદ્ધિ મેળવી છે, એ આજની યુવા પેઢીને રાહ ચીંધે છે. ગીતા રબારીએ પોતાની વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથેની મુલાકાત વિશે જાણીતી ન્યૂઝ એજન્સી એએનઆઇને પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આ મુલાકાત તેમના માટે યાદગાર રહી, પોતે ૨૦૧૭માં મોદી સાહેબ માટે લખેલું ગીત તેમને સમર્પિત કરી રૂબરૂ મુલાકાત દરમ્યાન ગાઇ સંભળાવ્યું હતું. ગીતાબેને એ વાત યાદ કરી હતી કે, બાળ ગાયિકા તરીકે તેમનો અવાજ સાંભળ્યા બાદ તે સમયે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કાર્યરત નરેન્દ્રભાઇએ અઢીસો રૂપિયાનું ઇનામ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

જોકે, ગીતા રબારીના પિતા કાનાભાઇ રબારીએ પોતાની લાગણી વ્યકત કરતા જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઇ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે કન્યા કેળવણી માટે દરેકને પોસ્ટકાર્ડ લખ્યા હતા. મોદી સાહેબનું પોસ્ટકાર્ડ તેમને પોતાના ગામ ટપ્પર મધ્યે મળ્યું હતું. જેને પગલે કાનાભાઇએ એ સમયે બાલિકા એવા ગીતાબેનને ભણવા માટે પ્રાથમિક શાળામાં મુકયા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ સાથેની મુલાકાત પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, ભાજપના આગેવાન જેમલ રબારી અને ગીતાબેન રબારીના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઇનું રબારી પાઘડી પહેરાવીને સન્માન કરાયું હતું.

(11:35 am IST)