Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

ઓટો ઇન્ડસ્ટ્રીની મંદી દૂર કરવા માટે GST ઘટાડવા સહિતના પગલા લેવાશે

માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીની ખાતરી

નવી દિલ્હી, તા. ૬ : હાલ જયારે ઓટો ઇન્ડસ્ટ્રી આર્થિક સંકટમાંથી પસાર થઇ રહી છે ત્યારે કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ ઓટો ઇન્ડસ્ટ્રીને બૂસ્ટ આપવા માટે કેટલાક મહત્ત્વપૂર્ણ સંકેતો આપ્યા છે. ગડકરીએ જણાવ્યું હતું કે, ઓટો ઇન્ડસ્ટ્રીની માંગ છે કે પેટ્રોલ અને ડીઝલ વાહનો પર જીએસટી ઘટવો જોઇએ. હું આ બાબત ટૂંક સમયમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમન સાથે હાથ ધરીશ અને ઓટો ઇન્ડસ્ટ્રીઝના આ સૂચનને તેમના સુધી પહોંચાડીશ. તેમણે જણાવ્યું હતું કે જો થોડા સમય માટે પણ જીએસટી ઘટાડાય તો ઓટો ઇન્ડસ્ટ્રીને ઘણી રાહત મળે તેમ છે. હું ચોક્કસપણે આ વાત નાણાપ્રધાન સમક્ષ રજૂ કરીશ.

વેચાણ વધારવા માટે હાલ ઓટો ઇન્ડસ્ટ્રીને ઘણી મદદની જરૂર છે, સાથે સાથે નીતિન ગડકરીએ એવી પણ ખાતરી આપી છે કે પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનો બંધ કરવાનો સરકારનો હાલ કોઇ ઇરાદો નથી. પ્રદુષણ ઘટાડવું એ અમારી પ્રાથમિકતા છે અને દિલ્હીમાં ર૦ ટકા પ્રદુષણ ઓછું થયું છે, અમે ઓટો સેકટરને એન્જિન બીએસ-૪થી બીએસ-૬માં લાવવા જણાવ્યું છે.

ઓટો સેકટરને શકય તમામ મદદ કરવાની ખાતરી આપતા ગડકરીએ જણાવ્યું હતું કે, તેમનું મંત્રાલય કોમર્શિયલ વાહનોની ડીમાન્ડ વધારવા આગામી ત્રણ મહિનામાં રૂ. પાંચ લાખ કરોડ સુધીની ૬૮ સડક યોજનાઓ શરૂ કરશે. ગડકરીએ એવું પણ જણાવ્યું છે કે ઇલેકટ્રીક વાહનો પર જીએસટી ૧ર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરાયો છે તેનો લાભ હાઇબ્રીડ વાહનોને આપવા પણ સૂચન કરવામાં આવશે.

જીએસટી કાઉન્સિલની ર૦ સપ્ટેમ્બરે ગોવામાં બેઠક યોજાઇ રહી છે ત્યારે આ અંગે ચર્ચા થશે એવા નિર્દેશ મળી રહ્યા છે. ગડકરીએ જણાવ્યું હતું કે ભારત ઓટો સેકટરનું હબ બનવા જઇ રહ્યું છે અને તેથી સરકાર તેને તમામ મદદ કરશે.

(3:35 pm IST)