Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

ટ્રમ્પનું જગત જમાદારપણુઃ અમે સૌથી શુદ્ધ-સારાઃ બાકીના દેશો ગંદા-ગોબરા

ભારત-ચીન અને રૂસને પ્રદુષણ અને સ્વચ્છતાની કોઈ સમજ નથીઃ ભારતમાં ન તો શુદ્ધ હવા છે કે ન તો શુદ્ધ પાણી છેઃ સફાઈની કોઈ સમજ નથી : સરકાર-લોકોને પોતાની જવાબદારીનો અહેસાસ નથીઃ અમેરિકા સમગ્ર દુનિયામાં જલવાયુના મામલે સૌથી શુદ્ધ અને સારૂ છેઃ બીજા દેશો વિશ્વ પર્યાવરણ પ્રત્યે બેદરકાર

લંડન, તા. ૬ :. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે ભારત-ચીન અને રૂસને પ્રદુષણ અને સ્વચ્છતા અંગે કોઈ સમજ નથી. તેમનુ નિવેદન એવે ટાણે આવ્યુ છે કે જ્યારે ડબલ્યુએચઓના રીપોર્ટમાં આ ત્રણેય દેશોમાં વાયુ પ્રદુષણનું સ્તર અમેરિકાથી વધુ બતાડવામાં આવ્યુ છે. જ્યારે અમેરિકા કાર્બન ડાયોકસાઈના ઉત્સર્જનના મામલે ટોચના દેશોમાં છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ૩ દિવસની રાજકીય યાત્રાએ બ્રિટન ગયા છે તેમણે ત્યાં બ્રિટીશ ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યુ હતુ કે ચીન, ભારત અને રૂસ અને અન્ય અનેક દેશોમાં ન તો સાફ હવા છે કે ન તો શુદ્ધ પાણી છે. આ દેશોમાં સ્વચ્છતા અંગેની સમજ ઘણી ઓછી છે. તેઓને પોતાની જવાબદારીનો અહેસાસ નથી.

ટ્રમ્પે કહ્યુ હતુ કે, બ્રિટનમાં પર્યાવરણ માટેની પ્રતિબદ્ધતાથી હું પ્રભાવિત છું. તેમણે કહ્યુ હતુ કે આપણે એક એવી દુનિયા ઈચ્છીએ છીએ જે આવતી પેઢી માટે સારી હોય. તેમણે ઉમેર્યુ હતુ કે પેરીસ જલવાયુ સમજુતીથી બહાર નીકળનાર ટ્રમ્પે દાવો કર્યો હતો કે દુનિયામાં અમેરિકાનું જળવાયુ સૌથી સાફ છે. તેમણે ઉમેર્યુ હતુ કે મેં આ વાત આંકડાને આધારે કહી છે. અમેરિકાની જલવાયુ રોજેરોજ સુધરી રહી છે.

તેમણે કહ્યુ હતુ કે જો તમે કેટલાક શહેરો જોશો હું આ શહેરોનું નામ નહિ લઉ પણ મને ખબર છે. જો તમે આ શહેરોમાં જાવ તો તમે શ્વાસ પણ ન લઈ શકો. એ દેશ પોતાની જવાબદારી નિભાવતુ નથી.

બ્રિટનની મુલાકાત દરમિયાન ટ્રમ્પે પ્રિન્સ ચાર્લ્સ સાથે પર્યાવરણના મુદ્દે વાતચીત કરી હતી.

(11:29 am IST)