Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

પોલિસી સમીક્ષા દિને ૨૭૬ પોઇન્ટ સુધીનો ઉછાળો રહ્યો

નિફ્ટી ૯૧ પોઇન્ટ ઉછળીને ૧૦૬૮૫ની સપાટીએ : પોલિસી સમીક્ષામાં આરબીઆઈએ આખરે તટસ્થ વલણ જાળવ્યા બાદ સુધારો થયો : બેંકિંગ શેરોમાં જોરદાર તેજી

મુંબઇ,તા. ૬ : શેરબજારમાં આજે આરબીઆઈની પોલિસી સમીક્ષાની સીધી અસર રહી હતી. કારોબારના અંતે સેંસેક્સ ૨૭૬ પોઇન્ટ ઉછળીને ૩૫૧૭૯ની સપાટીએ રહ્યો હતો જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ ૯૧ પોઇન્ટ ઉછળીને ૧૦૬૮૫ની સપાટીએ રહ્યો હતો. આરબીઆઈ દ્વારા તટસ્થ વલણ અપનાવવામાં આવ્યા બાદ આની સીધી અસર જોવા મળી હતી. સાડા ચાર વર્ષના ગાળામાં પ્રથમ વખત આજે રેટમાં વધારો કરાયો હતો. બેંકિંગ શેરોમાં તેજી જામી હતી જેમાં એસબીઆઈ, અલ્હાબાદનો સમાવેશ થાય છે. રિયાલીટીના શેરમાં પણ તેજી જામી હતી. બેંકિંગ, રિયલ એસ્ટેટ, ઓબેરોય રિયાલીટી  તેજી રહી હતી. વ્યક્તિગત શેરની વાત કરવામાં આવે તો એસબીઆઈમાં તીવ્ર તેજી રહી હતી. સેંસેક્સ ગઇકાલે મંગળવારના દિવસે ૧૦૯ પોઇન્ટ ઘટીને ૩૪૯૦૩ની સપાટીએ રહ્યો હતો જ્યારે બ્રોડર નિફ્ટી ૩૫ પોઇન્ટ ઘટીને ૧૦૫૯૩ની નીચી સપાટીએ રહ્યો હતો. નાણાંકીય વર્ષ ૨૦૧૮ના ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ) માટેના દેશના જીડીપી ગ્રોથ રેટના આંકડા ગયા ગુરૂવારના દિવસે જારી કરવામાં આવ્યા હતા. જીડીપી ગ્રોથ રેટ ૭.૭ ટકા રહ્યો છે જે નોટબંધી બાદથી સૌથી ઉંચો દર છે. સરકારને આનાથી મોટી રાહત થઇ છે. ભારતે આ મામલામાં ચીનને પણ પછડાટ આપી દીધી છે.ચીનનો ગ્રોથ રેટ ૬.૮ ટકાનો રહ્યો છે. સંપર્ણ નાણાંકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે ગ્રોથરેટ ૬.૭ ટકાનો રહ્યો છે. છેલ્લા ત્રિમાસિક ગાળા (ઓક્ટોબર-ડિસેમ્બર) માટે ગ્રોથરેટ ૭.૨ ટકાથી સુધારીને ૭ ટકા કરવામાં આવ્યો હતો જે ફેબ્રુઆરી મહિનામાં જાહેર કરાયો હતો.વૈશ્વિક પરિબળોની વાત કરવામાં આવે તો યુએસ જોબ ડેટાનો સમાવેશ થાય છે. અમેરિકી અર્થતંત્રમાં મે મહિનામાં મજબૂત ગતિથી નવા જોબ ઉમેરવામાં આવ્યા છે. નોન ફાર્મ પેરોલમાં ૨૨૩૦૦૦નો વધારો થયો છે. બેરોજગારીનો દર ઘટીને ૩.૮ ટકા થયો છે જે ૧૮ વર્ષની નીચી સપાટી છે. મૂડીરોકાણકારો જી-૭ની બેઠક ઉપર પણ નજર રાખી રહ્યા છે જેમાં કેનેડા અને ફ્રાંસનીમિટિંગ થનાર છે. આ બેઠકમાં આયાત ટેરિફને લઇને ચર્ચા વિચારણા કરવામાં આવનાર છે.

 

(7:16 pm IST)