Gujarati News

Gujarati News

News of Wednesday, 6th June 2018

અમિત શાહ મુંબઇમાં : માધુરી, રતન ટાટા, લતા મંગેશકર, ઉધ્ધવને મળશે

પેટા ચૂંટણી હાર્યા એટલે અમે યાદ આવ્યા : શિવસેનાનો ટોણોઃ દેશભરમાંથી સમર્થન મેળવવા માટે એમણે 'સમર્થન માટે સંપર્ક' ઝુંબેશ શરૂ કરી છે

મુંબઈ તા.  ૬ : કેન્દ્ર તેમજ મહારાષ્ટ્ર સહિત અનેક રાજયોમાં શાસક ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અમિત શાહ આજે મુંબઈની મુલાકાતે આવી રહ્યા છે. એમનો આજનો દિવસ અનેક મુલાકાતોને કારણે વ્યસ્ત રહેશે. એમની મુંબઈ મુલાકાત ખાસ કરીને શિવસેનાનાં પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે સાથે આજે સાંજે નિર્ધારિત બેઠકને કારણે મહત્વની બની છે.

અમિત શાહની મુંબઈ મુલાકાતનો બીજો હેતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ચાર વર્ષના શાસનના દેખાવ અંગે શહેરની નામાંકિત વ્યકિતઓને મળીને એમનું સમર્થન મેળવવાનો છે. સરકાર માટે દેશભરમાંથી સમર્થન મેળવવા માટે એમણે 'સમર્થન માટે સંપર્ક' ઝુંબેશ શરૂ કરી છે.

આ ઝુંબેશ અંતર્ગત શાહ આજે બપોરે ૩.૩૦ વાગ્યે બોલીવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતને મળશે. ત્યારબાદ ૪.૩૦ વાગ્યે સ્વરસામ્રાજ્ઞી 'ભારત રત્ન' લતા મંગેશકરને અને ૫.૩૦ વાગ્યે ઉદ્યોગપતિ રતન ટાટાને મળશે. માધુરીને તેઓ જુહૂ વિસ્તાર સ્થિત એમના નિવાસસ્થાને, લતાને પેડર રોડ સ્થિત નિવાસસ્થાને અને ટાટાને કોલાબા સ્થિત એમના નિવાસસ્થાને જઈને મળશે.

સાંજે ૭.૩૦ વાગ્યે શાહ શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેને બાન્દ્રા (ઈસ્ટ) સ્થિત એમના નિવાસસ્થાન 'માતોશ્રી' ખાતે જઈને મળશે.

રાતે ૯ વાગ્યે શાહ સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ ખાતે ભાજપ રાજય ચૂંટણી પ્રચાર સમિતિની લોકસભા ચૂંટણી માટેની તૈયારીની બેઠકમાં ભાગ લેશે.

૧૦.૩૦ વાગ્યે એમની મુલાકાત મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે એમના સત્તાવાર નિવાસસ્થાન 'વર્ષા' ખાતે થશે. ૧૨ વાગ્યે મુંબઈ એરપોર્ટ પર આગમન કર્યા બાદ શાહ સૌથી પહેલાં ભાજપના મુંબઈ એકમના પ્રમુખ આશિષ શેલારના બાન્દ્રિાસ્થત નિવાસે જશે. શેલારના માતાનું હાલમાં જ નિધન થયું છે અને શાહ શેલાર તથા એમના પરિવારજનોને મળીને દિલાસો આપશે.

ત્યારબાદ બપોરે ૧ વાગ્યે બાન્દ્રામાં રંગશારદા ખાતે ભાજપના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ રાવસાહેબ દાનવે પાટીલને મળશે. દરમિયાન શિવસેનાએ ટોણો માર્યો છે કે ચૂંટણી હાર્યા એટલે અમે યાદ આવ્યા.(૨૧.૧૧)

(4:33 pm IST)