Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

દિવડા પ્રગટાવવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની અપીલને બહાર પણ સમર્થન

કોરાના નાબૂદીની પ્રાર્થના કરવામાં આવી : વિશ્વમાં અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિત ઘણા દેશોમાં તમામ ભારતીયો દ્વારા દિપ પ્રાગટય કરાયા

અમદાવાદ,તા. ૬ : અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પણ વડાપ્રધાન મોદીની દિવડા પ્રગટાવવાની અપીલને ભારે સમર્થન જોવા મળ્યું હતું. અમેરિકા, બ્રિટન, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં ભારતીય લોકોએ દિપ પ્રાગટય કરી ભારતીય સંસ્કૃતિનો પરચો આપ્યો હતો, જેને લીધે વૈશ્વિક ફલક પર ફરી એકવાર ભારતીય સંસ્કૃતિની ઝલક અને પરંપરાના દ્રશ્યો જોવા મળ્યા હતાા. તો, ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સમાં ગુજરાતી પરિવાર ડિમ્પલ વૈષ્ણવ, પરાશર વૈષ્ણવ અને ઇશાન વૈષ્ણવ દ્વારા પોતાના ઘરમાં અને બરામદામાં ભારે ભાવ સાથે દિવડા પ્રગટાવી મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવ્યો હતો. ભારતની સાથે સાથે વિદેશમાં પણ ભારતીય નાગરિકોએ માત્ર ભારત જ નહી પરંતુ વિશ્વભરમાંથી કોરોના મહામારીની નાબૂદી માટે પ્રાર્થના કરી હતી.

          ઉલ્લેખનીય છે કે, દિપ સે દિપ જલાઓના માધ્યમથી સમગ્ર દેશમાંથી કોરોના વાયરસને નાબૂદ કરવાની પ્રતિબદ્ધતા સાથે દેશવાસીઓએ વડાપ્રધાન મોદીના આહવાનને પ્રચંડ સમર્થન આપ્યું હતું. તમામ વિસ્તારોમાં અબાલ વૃદ્ધ, ગરીબ તવંગર સહિતના લોકોએ દિવડા, મીણબતી અને મોબાઈલની ફલેશ લાઈટથી મહામારીને દૂર કરવાનો સંકલ્પ પાર પાડી બતાવ્યો હતો. મુખ્યમંત્રી રૂપાણીના વતન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તમામ વિસ્તારો પ્રકાશમય બન્યા હતા. વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળ શેરી-ગલીઓમાં ઘરે-ઘરે દિપમાલા જગાવી ભારતીય સંસ્કૃતિમાં દિપ જયોતને અપાયેલા માહત્મ્યને ઉજાગર કર્યું હતું. ભારતની જેમ જ વિદેશમાં પણ વડાપ્રધાન મોદીની દિપ પ્રાગટયની અપીલને જબરદસ્ત સમર્થન મળ્યું હતું. અમેરિકા, બ્રિટન, લંડન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ સહિતના દેશોમાં ભારતીય લોકોએ ઘેર-ઘેર દિપ પ્રાગટય કરી ભારતીય સંસ્કૃતિનો પરચો આપ્યો હતો, ભારતીય પરિવારોની આ પરંપરામાં કેટલાક વિદેશી નાગરિકો પણ જોડાયા હતા.

(9:32 pm IST)