Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

કોરોના વાયરસનો ડર ૭૫ પોલીસકર્મીઓનું સામૂહિક મુંડન

આગ્રા, તા.૬: કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આગ્રાની ફતેહપુર સીકરી પોલીસે અનોખી તરકીબ અજમાવી છે. રવિવારે આ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર સહિત ૭૫ પોલીસકર્મીઓએ સામૂહિક મુંડન કરાવ્યું હતું અને જયારે તેઓ રોડ પરથી નીકળ્યા તો લોકડાઉનના કારણે ઘરમાં બંધ રહેલા લોકો તેમને જોઈને હેરાન રહી ગયા હતા.

પોલીસ સ્ટેશનના ઈન-ચાર્જ ઈન્સ્પેકટર ભૂપેન્દ્ર સિંહ બાલિયાને જણાવ્યું કે, અમે જોયું કે કેટલાક લોકો મોં પર માસ્ક પહેરવાની સાથે માથું પણ ઢાંકી રહ્યા છે. ડોકટરોએ જણાવ્યું કે, કોરોના વાયરસ વાળમાં પણ ચોંટી શકે છે. જયાંથી તે શ્વાસ દ્વારા શરીરમાં જઈ શકે છે, તેથી અમે મુંડનનો નિર્ણય લીધો. પોલીસ સ્ટેશનના તમામ કર્મીઓ આ માટે સંમત હતા તેથી જ તમામ ૭૫ કર્મીઓએ મુંડન કરાવ્યું છે. મુંડન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું.

મુંડન કરાવનારામાં ઈન્સપેકટર ઈનચાર્જ સિવાય, ઈન્સ્પેકટર (ક્રાઈમ) અમિત કુમાર, ૯ સબ-ઈન્સપેકટર, ૧૫ ચીફ કોન્સ્ટેબલ તેમજ ૪૯ કોન્સ્ટેબલ પણ સામેલ હતા. તમામ પોલીસકર્મીઓ મુંડન કરાવ્યા બાદ પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. આટલા બધા પોલીસકર્મીઓને આવી રીતે જોતા લોકો પણ ચોંકી ગયા હતા. ઈન્સપેકટરનું કહેવું છે કે, મુંડન પોલીસ પ્રોટોકોલનું ઉલ્લંદ્યન નથી. લાંબા વાળ રાખવા તે શિસ્ત વિરુદ્ઘ છે, મુંડન કરાવવું તે શિસ્તની વિરુદ્ઘમાં નથી.(૨૩.૯)

(10:29 am IST)