Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

હિન્દુત્વની વિચારધારાની સાથે જ હોવાનો ઉદ્ધવ ઠાકરેનો ફરી દાવો

કોંગ્રેસ ધારાસભ્ય નાના પટોલે સર્વસંમતિથી વિધાનસભા અધ્યક્ષ :ભાજપે સ્પીકર પોસ્ટ માટે ઉમેદવારનું નામ પરત લીધું : સર્વસંમતિથી સ્પીકર પસંદ કરવાની મહારાષ્ટ્રમાં પરંપરા : દેવેન્દ્ર ફડનવીસની સાથે સારા સંબંધો રહેશે

મુંબઈ, તા. ૧ : કોંગ્રેસના ધારાસભ્ય નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. રાજ્ય વિધાનસભાની હજુ સુધી રહેલી પરંપરા મુજબ જ તેમની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી હતી. શિવસેના, એનસીપી અને કોંગ્રેસના નવા ગઠબંધન મહા વિકાસ અઘાડીએ તેમને સંયુક્તરીતે સ્પીકર પદના ઉમેદવાર બનાવ્યા હતા. આ પહેલા વિપક્ષી દળ ભાજપે સ્પીકર પોસ્ટ માટે પોતાના ઉમેદવાર કિશન કઠોરેનું નામ છેલ્લી ઘડીએ પાછુ લઇ લીધું હતું. પટોલેની ચૂંટણી કરવામાં આવ્યા બાદ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, નાના પટોલે એક કિસાન પરિવારમાં આવે છે. તેમણે કહ્યું હતું કે, તમામ સાથે ન્યાય કરશે તેવી તેમને આશા છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં અધ્યક્ષપદની ચૂંટણી બિનહરીફ કરવાની પરંપરા રહી છે.

              આ વખતે પણ પરંપરા જાળવી રાખવામાં આવી છે. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે રહ્યું હતું કે, ભાજપે વિધાનસભા સ્પીકર પદ માટે કિશન કઠોરેના નામનું સૂચન કર્યું હતું. જો કે, ચૂંટાયેલા ધારાસભ્યોના નિવેદન બાદ વલણ બદલી દેવામાં આવ્યું હતું. રાજ્યની ઉદ્ધવ સરકારમાં કેબિનેટ મંત્રી અને એનસીપીના નેતા છગન ભુજબળે કહ્યું હતું કે, પહેલા વિપક્ષે પણ સ્પીકર પોસ્ટ માટે ઉમેદવાર ઉભા રાખ્યા હતા પરંતુ ધારાસભ્યો તરફથી અનુરોધ કરવામાં આવ્યા બાદ નામ પાછુ ખેંચી લીધું હતું. મુખ્યમંત્રી ઉદ્ધવના નેતૃત્વમાં ગઠબંધનની સરકાર બની ચુકી છે.  નાના પટોલે ભાજપના પૂર્વ સાંસદ છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરીને સાંસદપદેથી રાજીનામુ આપ્યું હતું.

          ત્યારબાદ ભાજપ સાથે છેડો ફાડી લીધો હતો અને કોંગ્રેસમાં જોડાયા હતા. દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા બાદ ઉદ્ધવ ઠાકરેએ ફડનવીસ પ્રત્યે નરમ વલણના સંકેત આપ્યા છે. ફડનવીસ પર પ્રહાર કરતા કહ્યું છે કે, તેઓએ ક્યારે પણ કહ્યું નથી કે, પરત આવશે પરંતુ તેઓ અહીં ગૃહમાં આવ્યા છે. ફડનવીસ પાસેથી ઘણું શિખ્યુ છે જેથી તેમની સાથે મિત્રતા અકબંધ રહેશે. ઉદ્ધવે એમ પણ કહ્યું હતું કે, તેઓ હજુ પણ હિન્દુત્વની વિચારધારા સાથે છે. છેલ્લા પાંચ વર્ષમાં ક્યારે પણ સરકાર સાથે વિશ્વાસઘાત કર્યો નથી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, તેઓ સૌભાગ્યવાળા મુખ્યમંત્રી છે. કારણ કે જે લોકો તેમની વિરુદ્ધમાં હતા તે તેમની સાથે છે અને જે લોકો સાથે તેઓ હતા તે હવે વિપક્ષમાં છે. ઉદ્ધવે ફડનવીસ ઉપર પ્રહાર કર્યા હતા. ઉદ્ધવે કહ્યું હતું કે, ફડનવીસને તેઓ વિપક્ષના નેતા તરીકે કહેશે નહીં.

(7:34 pm IST)