Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

હાર્દિકની અનામત માંગને મોદી કેબીનેટના પ્રધાન રામદાસ આઠવલેનું સમર્થન : ભૂકંપ

નરેન્દ્રભાઇ સાથે હાર્દિક વાતચીત માટે તૈયાર હોય તો મધ્યસ્થી બનવા તૈયાર : કોંગ્રેસનો સાથ લેવાથી કંઇ નહિ વળે!

ગાંધીનગર તા. ૧ : છેલ્લા એક અઠવાડિયાથી ખેડુતો અને પાટીદાર અનામત મુદ્દે હાર્દિક પટેલે ગુજરાતની ભાજપ સરકાર સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે, એમાંયે બે દીવસ થી જળનો પણ ત્યાગ કર્યો છે, આજે નિર્જળા ઉપવાસનો ત્રીજો દિવસ છે ત્યારે મોદી સરકારના કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે એ હાર્દિકની અનામતની માંગને સમર્થન આપતાં રાજકીય ભૂકંપ સર્જાયો છે.

મોદી સરકારના કેન્દ્રિય પ્રધાન રામદાસ આઠવલેએ હાર્દિકને સમર્થન આપતા જણાવ્યું કે પાટીદાર સમાજને ૨૫ ટકા અનામત મળે તેવો કાયદો પાસ થવો જોઈએ. અમે આરક્ષણ આપવાની તરફેણમાં છીએ. હું પાટીદારોના સમર્થનમાં છુ. એટલું જ નહીં તેમણે જણાવ્યું હતુ કે,હાર્દિક પટેલ મોદી સરકાર સાથે વાતચીત કરવા તૈયાર હોય તો હું મધ્યસ્થી કરવા માટે તૈયાર છું.

જોકે શ્રી રામદાસ આઠવલેએ કહ્યું છે કે, કોંગ્રેસનું સમર્થન લેવાથી હાર્દિક આ લડતમાં કંઇ મેળવી નહિ શકે. તેમણે નરેન્દ્રભાઇ મોદીને મળી પોતાની રજૂઆત કરવી જોઇએ.

ઉલ્લેખનીય છે કે એકબાજુ ભાજપ ની રૂપાણી સરકાર પાટીદારો ને અનામત આપવાના મુદ્દે નનૈયો ભણી રહી છે,તો બીજી બાજુ મોદી સરકારના જ આ કેન્દ્રીય મંત્રી પાટીદારો ને અનામત આપવા મુદ્દે ખુલીને મેદાનમાં આવ્યા છે.એટલું જ નહીં રૂપાણી સરકારે હાર્દિક ના ઉપવાસ આંદોલન ને તોડી પાડવા મરણીયા પ્રયાસો કર્યા છે તો બીજી બાજુ મોદી સરકારના કેન્દ્રીય મંત્રીએ હાર્દિક પટેલના અનામત મુદ્દે ઉપવાસ નું સમર્થન કરતા રાજકીય માહોલ ગરમાય તેવી શકયતાઓ છે.(૨૧.૧૨)

(11:30 am IST)