Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

લાંબી બીમારીને પગલે ગોલ્ડન બાબાનું થયેલું દુઃખદ અવસાન

૨૦ કિલોથી વધુ સોનાના ઘરેણા પહેરી રાખતા : ૨૦ કિલોથી વધુ સોનાના ઘરેણા પહેરી રાખતા

નવી દિલ્હી, તા. ૧ : હંમેશા ઢગલાબંધ સોનાના દાગીના પહેરી રાખતા ગોલ્ડન બાબાનું લાંબી બીમારીને પગલે નિધન થઈ ગયું. તેઓ ૫૯ વર્ષના હતા. ગોલ્ડન બાબાનું આસલી નામ સુધીરકુમાર મક્કડ હતું. મંગળવારે એમ્સ હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મીળ ગાઝિયાબાદના રહેવાસી હતા. લાંબા સમયથી તેમનું આરોગ્ય સારું નહતું અને બીમાર હતા. પૂર્વ દિલ્હીના ગાંધીનગરમાં ગોલ્ડન બાબાએ એક નાનુ આશ્રમ પણ બનાવ્યું હતું. તેઓ હરિદ્વારના અખાડા સાથે પણ સંકળાયેલા હતા. ૨૦ કિલોથી વધુ ધરેણા પહેરલા હોવાને કારણ તેમને ડર પણ સતાવતો હતો. તેથી પોતાની સુરક્ષા માટે ૨૦થી વધુ બોડીગાર્ડ્સ પણ રાખ્યા હતા. જે કાયમ તેમની સાથે રહેતા હતા. તેમને ડર હતો કે ઘરેણાને લીધે કોઈ તેમની હત્યા કરી દેશે. ગોલ્ડન બાબા સોનાને પોતાનો દેવતા માનતા હતા. પરંતુ ગુનાહિત ઈતિહાસને ભૂલવા માટે તેમણે પ્રાયશ્ચિત કરવા સંન્યાસ ધારણ કરવાનો નિર્ણય લીધો હતો.

               સોનું તેમના માટે દેવતા હતું તેથી હંમેશા અનેક કિલો ઘરેણા પહેરી રાખતા. જેમાં હાથોની આંગળીઓમાં પણ સોનાની વિંટીઓ રહેતી હતી. ગળામાં અને નેકલેસ-હાર પહેરતા. એટલું જ નહીં હાથમાં પણ બાજુબંધ પહેરી રાખતા. લોકોનું કહેવું છે કે ૧૯૭૨થી તેમને આ જ હાલતમાં જોવામાં આવતા હતા. એક વખત બાબાએ ખુલાસો કર્યો હતો કે તેમની પાસે ૨૧ સોનાની ચેઈન છે. જે તેમણે દિલ્હીના જાણીતા જ્વેલરી પાસે બનાવડાવી હતી. તેનું પ્રત્યેકનું વજન ૫૦૦થી વધુ છે. ઉપરાંત ૨૭ લાખથી વધુની કિંમતના ૨૧ લોકેટ્સ, બાજુબંધ અને લકઝરી ઘડિયાળોછે. ગોલ્ડન બાબાનો ગુનાહિત ઈતિહાસ પણ રહ્યો છે. બાબા બનતા પહેલા તેઓ દિલ્હીના હિસ્ટ્રીશીટર હતા. ત્યારે બિટ્ટુ લાઈટબાજના નામે ઓળખાતા હતા. તેમની સામે પૂર્વ દિલ્હીમાં અપહરણ, ખંડણી, બળજબરીથી વસુલી, મારપીટ, જાનથી મારી નાંખવાની ધમકી આપવાના ઘણા કેસ નોંધાયા. તેઓ આ વિસ્તારમાં રીઢા ગુનેાગર હતા. એક સમયે ગારમેન્ટ્સના ધંધામાં પણ સંડોવાયેલા હતા. પરંતુ પછી ગુનાઓથી પ્રાયશ્ચિત કરવાનું નક્કી કર્યું અને બાબા બની ગયા. બાબાની સંપત્તિ અંગે ઘણા વખતે સવાલો પણ ઊભા થયા હતા.

સોનું પહેરવાનો બાબાનો જુનો શોખ છે.

જ્યારે સોનું સસ્તુ હતું ત્યારે ઓછું પહેરતા હતા પરંતુ જેમ-જેમ સોનાનો ભાવ વધતો ગયો તેમ-તેમ બાબાના શરીર પર સોનાના ઘરેણાની સંખ્યા વધતી ગઈ. ગોલ્ડન બાબા તેને ભોલેનાથની કૃપા માનતા હતા. ૨૦૧૮ સુધી ગોલ્ડન બાબા પાસે ૨૦ કિલો સોનું હતું. ૨૦૧૮માં જ તેમણે ૪ કિલો સોનું ખરીદ્યું હતું. તેઓ જ્યાં જતાં લોકો તેમને જોવા માટે ઊમટી પડતા હતા.

ગોલ્ડન બાબા હરિદ્વારમાં જુના અખાડા સાથે સંકળાયેલા હતા. તેમને મહંત ગોલ્ડન બાબા તરીકે ઓળખવામાં આવતા. બે વર્ષ પહેલાં ૨૦૧૮માં તેઓ ૨૦ કિલો સોનાના ઘરેણા સાથે કાવડ લઈ હરિદ્વાર રવાના થયા હતા. જ્યારે ગત વર્ષે નાદુરસ્ત તબિયતને લીધે ૧૪ કિલો સોના સાથે યાત્રા કરી હતી. તેમનું કહેવું હતું કે કાવડ યાત્રા પર દર વર્ષે સવા કરોડથી વધુનો ખર્ચ થાય છે. ૨૦૧૮માં કાવડયાત્રાની તેમની સિલ્વર જ્યુબિલી હતી. તેઓ ગોલ્ડન પુરી મહારાજના નામે પણ પ્રસિદ્ધ હતા.

(7:49 pm IST)