Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ઉત્તરપ્રદેશમાં આવતીકાલ અને બિહારમાં ૩ જુલાઈ સુધી ચોમાસુ સક્રીયઃ દિલ્હીમાં વરસાદની શકયતા નહિવત

મુંબઈ સહિત કોંકણ, ગોવા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશમાં પણ આગાહી

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ચોમાસુ સક્રીય છે. બે દિવસ ભારે વરસાદની સંભાવના છે. જયારે દેશના અન્ય રાજયોમાં નોંધપાત્ર વરસાદ થયો નથી. રાજસ્થાન, દિલ્હી, હરીયાણા, પંજાબ અને એનસીઆરમાં પણ સામાન્ય વરસાદ થયો છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશના પૂર્વ અને પશ્ચિમ ભાગોમાં ૨ જુલાઈ સુધી હળવાથી ભારે ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પૂર્વ ઉતર પ્રદેશમાં વરસાદની શકયતા વધુ છે.

જયારે બિહારમાં ૩ જુલાઈ સુધી ચોમાસુ સક્રિય રહેશે. સમગ્ર રાજયમાં ત્રણ દિવસ માટે એલર્ટ જારી કરવામાં આવેલ છે બે દિવસ ભારે વરસાદનો દોર જારી રહેશે.

જો કે દિલ્હીમાં ત્રણ- ચાર દિવસ વરસાદની શકયતા નથી. યુ.પી.ના મેદાની વિસ્તારોમાં સંભાવના છે. તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડશે. મુંબઈ સહિત કોંકણ, ગોવા ક્ષેત્રમાં સારો વરસાદ પડી શકે છે.

બીજી તરફ રાજસ્થાન સહિત અનેક પ્રદેશોમાં લોકો ગરમીથી ત્રાહીમામ છે. જો કે હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ અને બિહારમાં કેટલાક જિલ્લાઓમાં વરસાદ પડશે. હવામાન વિભાગે જણાવ્યું કે હરિયાણાના કોસલી, મહેન્દ્રગઢ, નારનૌલ, રાજસ્થાનના વિરાટનગર, અલવર, ઉત્તરપ્રદેશના સહારનપુર, ઉતરાખંડના રૂડકી, એમ.પી.ના રાજગઢ અને બિહારના મુઝફરપુર જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડશે.

જયારે પંજાબમાં અપેક્ષા કરતાં ત્રણ દિવસ અગાઉ ચોમાસાનું આગમન થઈ ગયું હતું. પરંતુ ધારણા કરતાં ઓછો વરસાદ પડયો છે.

વાતાવરણમાં સુકુ રહેલ છે જો કે ૩ જુલાઈથી ધુળ ભરી આંધીયુકત પવન સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

(3:51 pm IST)