Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

GSTની ત્રીજી વર્ષગાંઠઃ હજુ ગાડી પાટે ચડી નથી

'વન નેશન...વન ટેક્ષ...વન રિટર્ન...વન રેટ'ની પરીકલ્પના હજુ સંપૂર્ણ સાકાર થઈ નથીઃ હજુ સરળ કર વ્યવસ્થા માટે રાહ જોવી પડશેઃ સીંગલ ફોર્મ ઈચ્છે છે વેપારીઓઃ પોર્ટલની ખામીઓ દૂર કરવા માંગઃ પેટ્રોલીયમ અને રીયલ્ટીને જીએસટીના દાયરામાં લાવવા જોઈએઃ ઈ-વે બીલની ઈન્ટર સ્ટેટ વેલ્યુ લિમીટ ૫૦,૦૦૦થી વધારી ૨ લાખ કરવી જોઈએઃ ઈન્પુટ ક્રેડીટ પરના નિયમો સમાપ્ત કરવા જોઈએઃ ૫ કરોડથી ઓછા ટર્નઓવરવાળાઓને વાર્ષિક રીટર્નમાંથી છૂટ મળવી જોઈએઃ જીએસટીના ૩ વર્ષ છતા કરચોરી રોકવાનું સરકાર માટે મુશ્કેલઃ વારંવાર રેટ બદલવાથી વેપારીઓ પરેશાન છેઃ ૩ વર્ષમાં ૩ નાણામંત્રી બદલાયા

નવી દિલ્હી તા. ૧ : ક્રાંતિકારી ટેકસ વ્યવસ્થાના ભાગરૂપે આજથી ૩ વર્ષ પહેલા સરકારે શરૂ કરેલા જીએસટી કર માળખાની આજે વર્ષગાંઠ છે. આ વ્યવસ્થા શરૂ થયાને ૩ વર્ષનો જેટલો સમય થયો છતાં તેમાં અનેક છીંડાઓ રહેલા છે. વેપારીઓનું વલણ હજુ યે દિલ માંગે મોર જેવું છે. જ્યારે ખાટલે મોટી ખોડ એ છે કે સરકારની આવક પણ ઘટતી જઇ રહી છે. જે પ્રકારે આ વ્યવસ્થા ચાલી રહી છે તે જોતા હજુ તેને સંપૂર્ણપણે લાગુ થવામાં વાર લાગશે અર્થાત્ ગાડી પાટે ચડતા હજુ સમય લાગશે.

દેશના સૌથી મોટા ટેક્ષ રિફોર્મ તરીકે આજે ત્રણ વર્ષ પુરા કરનાર જીએસટીએ દોઢ ડઝન જેટલા કરોનું સંયોજન કર્યું છે એટલું જ નહીં પણ પારદર્શકના કેશલેસ ચુકવણી અને ઇમ્પુટ ટેક્ષ ક્રેડીટનો વ્યાપ પણ વધાર્યો છે. જીએસટી ૧ જુલાઇ ર૦૧૭ ની મધરાતથી લાગુ કરાયો ત્યારે માનવામાં આવ્યું હતું કે તે લાગુ થવાથી એક સરળ અને સમાન કર પ્રણાલીની શરૂઆત થશે. પણ હજુ સુધી તે શકય નથી બની શકયું જો કે ત્રણ વર્ષમાં તેમાં જટીલતાઓ ઓછી થઇ છે પણ હજુ પણ તે ઘણી બુનિયાદી ખામીઓ ભોગવી રહી છે. રજીસ્ટર્ડ ધંધાર્થીઓની સંખ્યા ત્રણ વર્ષમાં બમણી થઇ ગઇ છે. પણ ટેક્ષની આવક નથી વધી. જીએસટીના ત્રીજા જન્મદિવસે ટ્રેડ, ઇન્ડસ્ટ્રી અને ટેક્ષ પ્રોફેશનલ્સ તરફથી સૌથી વધારે ફરીયાદો અને સૂચનો રિટર્ન પ્રક્રિયા બાબતે આવ્યા છે.

સીઆઇઆઇ દિલ્હીના ચેરમેન આદિત્ય બર્લિયાએ કહ્યું કે જીએસટીએ આપણી અર્થવ્યવસ્થા પર બહુ મોટી અસર કરી છે. પણ હવે સમય આવી ગયો છે કે ''વન નેશન વન ટેક્ષ,વન રીટર્ન અને વન રેટ''ની કલ્પના સાકાર થાય. તેમણે કહ્યું કે હજુ પણ સરલીકરણ માટે ઘણી ગુ઼ંજાશ છે. એસોચેમના સેક્રેટરી મહામંત્રી દીપક સુદે કહ્યું કે કોવિદ-૧૯ ના કારણે જીએસટી રેવન્યુ ૧ લાખથી ઘટીને અડધી થઇ ગઇ છે. તેમણે કહ્યું કે હવે પેટ્રોલીયમ અને રિયલ એસ્ટેટને પણ જીએસટીના દાયરામા લાવવામાં આવે. ફેડરેશન ઓફ ઓલ ઇન્ડીયા વ્યાપાર મંડળના મહામંત્રી વી.કે. બંસલે કહ્યું કે જીએસટીઆર-૩ બી માં રીવીઝન ન થઇ શકયું સૌથી મોટી ખામી છે વાર્ષિક રિટર્નમાં પણ ઘણી પ્રુટીઓ છે. જીએસટી પોર્ટલ ત્રણ વર્ષ પછી પણ બ્રેકડાઉનનો શિકાર બને છે. જો હજુ પણ સીસ્ટમ ટ્રાયલ મોડમાં હોય તો લેટ ફી ન્યાયોચિતનથી.

ભારતીય ઉદ્યોગ વ્યાપાર મંડળના હેમંત ગુપ્તાએ કહ્યું કે ઇ-વેબીલની ઇન્ટરેસ્ટ વેલ્યુ લીમીટ પ૦ હજારથી વધીને ર લાખ થવી જોઇએ. પ કરોડથી ઓછા ટર્ન ઓવર વાળાને વાર્ષિક રિટર્નમાં છુટ મળવી જોઇએ. ઇન્પુટ ક્રેડીટ પર લાગેલા પ્રતિબંધો સંપૂર્ણ પણે સમાપ્ત થવા જોઇએ જીએસટી કન્સલ્ટંટ રાકેશ ગુપ્તાએ જણાવ્યું કે સરકારે પણ ર૦૧૮માં સ્વીકાર્યું હતું કે રિવાઇઝડ રિટર્નની સુવિધા હોવી જોઇએ પણ હજુસુધી તે લાગુ ન થાય તે ચિંતાજનક છે. કોરોનાએ ઘણાએ ધંધો બંધ કરવા મજબુર કર્યાછે. તેમની પાસે ઘણો વેચાયા વગરનો માલ પડયો છે. જેની બજાર કિંમત ઘટી ગઇ છે. પણ કાયદાકીય લપના કારણે લોકો ખોટ બુક નથી કરી રહ્યા. સેફ એકઝીટની જોગવાઇ પણ હોવી જોઇએ.

જીએસટી કન્સલ્ટંટ સુધીર હાલાખંડીએ કહ્યું કે બે વર્ષના સમય ગાળામાં રીફંડ ન કરનાર એકસપોર્ટર્સ અથવા ઇઓયુ માટે વન ટાઇમ એમ્નેસ્ટી  સ્કીમ લાવવામાં આવે કોવિદ-૧૯ દરમ્યાન લેટકી લેટફી અનૈતિક છે.

જીએસટી લાગુ કરવાનો સરકારનો મુળ ઉદ્દેશ કરપ્રણાલી સરળ બનાવીને કરચોરી રોકવાનો હતો પણ હજુસુધી તેમાં સફળતા નથી મળી શકી હજુ પણ કરચોરીના મોટા કિસ્સાઓ આવે જ છે તેને રોકવા માટે ઇ-ઇન્વોઇસ લાગુ કરવાની તૈયારીઓ થઇ રહી છે ઉપરાંત જીએસટી લાગુ થયાને ત્રણ વર્ષ થયા પણ હજુ પણ તેના રેટ સ્લેબમાં અવાર નવાર ફેરફારો કરવામાં આવી રહ્યા છે. આના કારણે પણ વેપારીઓને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે.

સરકાર માટે ચિંતાની બાબતઃ જીએસટી કલેકશન સતત ઘટે છેઃ ૧ એપ્રિલથી ૨૫ જૂન સુધી ૮૬ દિવસની આવક માત્ર ૧.૫૬ લાખ કરોડ

નવી દિલ્હી, તા. ૧ :. લોકડાઉનને કારણે સરકારની આવક ઉપર જબરો પ્રહાર થયો છે. જેની અસર જીએસટી કલેકશન પર જોવા મળી છે. સરકારની આવક સતત ઘટી રહી છે. ૧લી એપ્રીલથી ૨૫ જૂન સુધીમાં સરકારની જીએસટીની આવક રૂ. ૧૫૬૮૪૬ કરોડ રહી છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે આમાથી ૧.૧૩ લાખ કરોડ ડોમેસ્ટીક સપ્લાયમાંથી મેળવાયેલ છે. જ્યારે ૧૧૮૩૩ કરોડ કોમ્પેનસેશન સેસ સ્વરૂપે મેળવવામાં આવેલ હોવાનું સૂત્રોએ જણાવેલ છે. જ્યારે રૂ. ૨૭૯૦૦ કરોડ સીજીએસટીમાંથી, રૂ. ૩૪૬૦૦ કરોડ એસજીએસટી સ્વરૂપે મેળવવામાં આવેલ છે.

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને સરકારે ફેબ્રુઆરી-ઓગષ્ટ ૨૦૨૦ માટે જીએસટીઆર૩બી ફાઈલ કરવાની મુદત લંબાવી છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેપાર-ધંધા શરૂ થયા હોવા છતા સરકારનું જીએસટી કલેકશન વધતુ નથી એ સરકાર માટે ચિંતાનો વિષય ગણી શકાય.

(10:48 am IST)