Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મે મહિનાના કેસ કરતા ૨.૭ ગણો વધારો

જુન મહિનામાં કોરોનાએ ઉપાડો લીધોઃ૪ લાખથી વધુ કેસ નોંધાયાઃ૧૨૦૦૦ના મોત

નવી દિલ્હી,તા.૧ : દેશમાં કોરોના વાયરસના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. ભારતમાં મંગળવારે ૧૭,૦૦૦ કરતા વધારે કેસ નોંધાયા છે, જે આંકડો ૧૭,૪૧૨ છે. દેશમાં કોરોના વાયરસના કારણે થતા મૃત્યુમાં પણ મોટો ઉછાળો નોંધાયો છે. દુનિયામાં ભારતમાં જૂન મહિના દરમિયાન નોંધાયેલા કેસ મામલે દુનિયામાં ત્રીજા નંબર પર આવીએ છીએ આ પહેલા અમેરિકા અને બ્રાઝીલ આવે છે.

કોરોના વાયરસના જૂન મહિના દરમિયાન ભારતમાં નોંધાયેલા કેસનો આંકડો ૪ લાખ પર પહોંચ્યો છે, જે દુનિયામાં ત્રીજા નંબરે સૌથી વધુ નોંધાયેલા કેસ છે. જયારે મૃત્યુઆંકમાં ભારત ચોથા નંબરે છે, આ પહેલા અમેરિકા, બ્રાઝીલ અને મેકિસકોનો સમાવેશ થાય છે. ભારતમાં જૂન મહિના દરમિયાન ૧૨,૦૦૦ કરતા વધારે લોકોએ કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે.

મંગળવારે નોંધાયેલા ૧૭,૦૦૦ કરતા વધુ કેસ સાથે નવા કેસનો આંકડો ૧૭,૪૧૨ થયો છે. આ સાથે દેશમાં કુલ કોરોના કેસનો આંકડો ૫,૮૫,૪૭૪ થયો છે. જૂન ૧૬માં દિવસે નોંધાયેલા ૨,૦૦૩ કેસ બાદ મંગળવારે સૌથી વધુ એક દિવસમાં કોરોનાના દર્દીઓ મૃત્યુ પામ્યા છે.

દિલ્હીમાં વધુ ૨,૧૯૯ કેસ સાથે કુલ કેસનો આંકડો ૮૭,૩૬૦ થયો છે જયારે ૬૨ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૨,૭૪૨ થયા છે. આસામમાં એક દિવસમાં સૌથી વધુ ૬૧૩ કેસ નોંધાયા છે, જયારે કુલ કેસનો આંકડો ૮,૦૦૦ને પાર થઈ ગયો છે.

સ્વાસ્થ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં ૪,૮૭૮ નવા કેસ નોંધાવાની સાથે કુલ કેસનો આંકડો ૧,૭૪,૭૬૧ થયો છે. જયારે વધુ ૨૪૫ના મોત સાથે કુલ મૃત્યુઆંક ૭૮૫૫ થયો છે. જયારે ગોવામાં નવા ૬૪ કેસ સાથે પોઝિટિવ કેસનો આંકડો ૧૩૧૫ કેસ થયા છે જેમાંથી એકિટવ કેસ ૭૧૬ છે અને ૩ના મોત થયા છે. ૫૯૬ કોરોનાના દર્દીઓ રાજયમાં સાજા થઈ ગયા છે.

આ તરફ રાજસ્થાનમાં વધુ ૩૫૪ કેસ અને ૮ના મોત નોંધાયા છે. જેની સાથે કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો ૧૮,૯૧૪ થયો છે જેમાંથી ૩૩૮૧ એકિટવ કેસ છે, રાજયમાં ૪૧૩ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં વધુ ૨૬૦ કેસ નોંધાયા છે. જેમાંથી જમ્મુ ડિવિઝનના ૩૨ અને કાશ્મીર ડિવિઝનના ૨૨૮ કેસ છે. રાજયમાં કુલ કેસનો આંકડો ૭૪૯૭ છે જેમાંથી એકિટવ કેસ ૨૬૭૪ છે અને ૪,૭૨૨ લોકો સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને રાજયમાં કુલ ૧૦૧ લોકોના મોત થઈ ગયા છે.

ગુજરાતની વાત કરીએ તો વધુ ૬૨૦ કેસ નોંધાયા છે જેની સાથે કુલ કેસનો આંકડો ૩૨,૪૪૬ થયો છે, જયારે વધુ ૨૦ મોત સાથે કુલ મૃત્યુઆંક ૧,૮૪૮ થયો છે. પશ્યિમ બંગાળમાં એક દિવસના સૌથી વધુ ૬૫૨ કેસ નોંધાયા જેની સાથે કુલ કેસનો આંકડો ૧૮,૫૫૯ થયો છે.

(10:06 am IST)