Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

આંખ ઉઘાડનારો સર્વે

ઘરે કામમાં મદદ કરાવતા બાળકો મોટા થઈને વધુ સફળ બને છે

નવી દિલ્હી, તા. ૧૧ : જયારે તમે ડિનર પછી બાળકને ટેબલ સાફ કરવા જણાવો છો અથવા ગંદા કપડા મશીનમાં નાંખવા કહો છો તો તે કેવો જવાબ આપે છે? જો તેમને આ કમ બોરિંગ લાગતુ હોય અને તે કામ કરવામાં નખરા કરે તો તમારે તેમને ટપારવાની જરૂર છે. જે બાળકો ઘરનુ કામ કરે છે તે આગળ ચાલીને સફળ વ્યકિત બને છે.

હાઉ ટુ રેઝ એન એડલ્ટની લેખિકા જૂલીએ પોતાના રિસર્ચનો ડેટા શેર કર્યો છે. આ ડેટા મુજબ બાળક પાસે કામ કરાવવાથી તેમને લાગે છે કે કામ જીવનનો જરૂરી હિસ્સો છે. પેરેન્ટ્સ જયારે પોતે બધુ કામ કરી લે તો તેમના મનમાં એ વાત બેસી જાય છે કે કોઈ બીજુ કામ કરી લે છે અને તે એ ચીજ નથી શીખી શકતા કે દરેક ચીજમાં તેમણે પોતાનું કોન્ટ્રિબ્યુશન આપવુ જોઈએ.

જૂલીનું માનવુ છે કે જે બાળકો ઘરનુ કામ કરે તે વધુ સારા એમ્પલોયી બની શકે છે. તે બીજા સાથે વધુ સારો તાલમેલ રાખી કામ કરે છે અને બીજાની તકલીફો પણ સમજી શકે છે, તેમને કોઈ કામ એકલા કરવામાં ડર નથી લાગતો.

આથી પેરેન્ટિંગ દરમિયાન બાળકને બિલકુલ કામ ન કરાવવાની ભૂલ કરવી યોગ્ય નથી. જૂલીએ એવા વાલીઓની લાઈફ પર ખાસ ફોકસ કર્યું જે બાળકના જીવનમાં વધારે ઈન્વોલ્વ નથી થતા. જે મા-બાપ બાળકની નાની નાની બાબતોમાં દખલ કરે છે તેમના બાળકો એવુ વિચારતા થઈ જાય છે કે જયાં સુધી તેમને ડગલે અને પગલે તેમના મા-બાપ સાથ નહિ આપે, ત્યાં સુધી તે સફળ નહિ થઈ શકે.

દરેક મા-બાપની અંદર બાળકને પ્રોટેકટ કરવાની પ્રકૃતિ હોય છે પરંતુ બાળકને તેની હંમેશા જરૂર નથી. તેમણે જીવનના ઉતાર-ચડાવ સામે જાતે ઝઝૂમતા શીખવુ જ પડે છે. તેમને સુરક્ષા આપો, સારી ખાવા-પીવાની વ્યવસ્થા કરો, જીવનના પાઠ શીખવો, આ જ તમારી પહેલી જવાબદારી છે.(૩૭.૪)

(11:41 am IST)