Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

લંડન બ્રિજ પરના હુમલાખોરોને આતંકી કૃત્‍યમાં અગાઉ સજા પણ થઇ ચુકી છેઃ છતા ફરી લખણ ઝળકાવ્‍યા

લંડન, : લંડનના ઐતિહાસિક બ્રિજ પર ચાકુથી હુમલો કરી બે લોકોના મોત નીપજાવનાર આતંકવાદીની શુક્રવારે ઓળખ થઈ ગઈ છે. આ આતંકી ઉસ્માન ખાન બ્રિટિશ નાગરિક છે, તેને લંડન સ્ટોક એક્સચેન્જમાં બોમ્બ વિસ્ફોટનું કાવતરૂં ઘડવા, લંડનના તત્કાલીન મેયર બોરિસ જ્હોન્સન, યુકેની સંસદ પર મુંબઈ સ્ટાઈલનો હુમલો કરવા અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં તેના પરિવારની જમીન પર આતંકી છાવણી શરૂ કરવાના કાવતરાંઓ ઘડવા બદલ વર્ષ 2012માં સજા થઈ હતી.

વર્ષ 2012માં આતંકવાદના ગૂનાઓ બદલ સજા કરતી વખતે ન્યાયાધીશે તેને આતંકવાદમાં લાંબા સમયથી ગંભીર સંડોવણી સાથે લોકો માટે જોખમ ગણાવ્યો હતો. પેરોલ પર છૂટેલા ઉસ્માન ખાને શુક્રવારે લંડનના ઐતિહાસિક બ્રિજ નજીક ચાકુથી હુમલો કરી એક પુરૂષ અને એક મહિલા એમ બે વ્યક્તિને મારી નાંખ્યા હતા અને અન્ય ત્રણને ઈજાગ્રસ્ત કર્યા હતા.

જોકે, પોલીસ અિધકારીઓ દ્વારા તેને ઠાર મરાયો હતો. સ્કોટલેન્ડ યાર્ડના કાઉન્ટર ટેરરીઝમ પોલીસિંગના વડા આસિસ્ટન્ટ કમિશનર નિલ બાસુએ શનિવારે જણાવ્યું હતું કે, 'અમે 28 વર્ષીય ઉસ્માન ખાનની ઓળખની પુષ્ટી કરી લીધી છે. તે સ્ટેફોર્ડશાયર વિસ્તારમાં રહેતો હતો. પાકિસ્તાની મૂળના આ બ્રિટિશ નાગરિકને ઓથોરિટીવાળા ઓળખતા હતા.

વર્ષ 2010માં પોલીસે તેની ધરપકડ કરી હતી. તેને આતંકવાદના ગૂનાઓ બદલ વર્ષ 2012માં સજા થઈ હતી. તેને ડિસેમ્બર 2018માં લાઈસન્સ પર છોડવામાં આવ્યો હતો. જોકે, તેણે આ હુમલો કેવી રીતે કર્યો તેની હવે તપાસ કરાશે,' તેમ ભારતીય મૂળના ટોચના પોલીસ અિધકારીએ જણાવ્યુંહતું.

ઉસ્માન ખાન કિશોર હતો ત્યારે તેની માતા બીમાર હોવાથી તેણે આ સમય પાકિસ્તાનમાં પસાર કર્યો હતો. ત્યાંથી બ્રિટન આવીને તેણે ઈન્ટરનેટ પર કટ્ટરવાદનો પ્રચાર શરૂ કર્યો હતો. તે ઈસ્લામિક આતંકવાદ સાથે સંકળાયેલ હતો. તે આતંકી સંસૃથા અલ-કાયદા અને આઈએસ સાથે પણ સંડોવાયેલ હોવાનું મનાતું હતું.

તેણે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં તેના પરિવારની જમીન પર આતંકી છાવણી શરૂ કરવાનું, વર્ષ 2012માં લંડનના મેયરપદે રહેલા બોરીસ જ્હોન્સનની હત્યા અને યુકેની સંસદ પર મુંબઈ સ્ટાઈલમાં હુમલાનું કાવતરૂં ઘડયું હોવાનું મનાતું હતું. તેને સજા થઈ ત્યારે તે 20 વર્ષનો હતો.

જનતા પરથી જોખમ દૂર કરવા માટે ઉસ્માન ખાનને અનિશ્ચિત મુદત સુધી કેદની સજા થઈ હતી, પરંતુ પાછળથી એપ્રિલ 2013માં યુકે કોર્ટ ઓફ અપીલમાં આ જોગવાઈ દૂર કરી દેવાઈ હતી. ત્યાર બાદ તેને 16 વર્ષની કેદની સજા કરાઈ હતી,

જેમાં તેને પેરોલ પર છોડતા પહેલાં ઓછામાં ઓછી આઠ વર્ષની સખત કેદનો આદેશ હતો. તેને ગયા વર્ષે ડિસેમ્બરમાં લાયસન્સ અથવા પેરોલ પર છોડયો હતો અને ઈલેક્ટ્રોનિક ટેગ મારફત તેના પર નિરિક્ષણ રખાતું હોવાનો દાવો કરાયો હતો.

(1:28 pm IST)