Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ફૂડ પોઇઝનિંગ થયા પછી આ ગોળમટોળ ભાઈએ ફાસ્ટ-ફૂડ અને સોફ્ટ-ડ્રિન્કસ છોડી દીધાં અને ૯૭ કિલો વજન ઘટ્યું

ફ્લોરિડામાં રહેતા ફાસ્ટ ફૂડનું લિટરલી એડિકશન ધરાવતા ૩૯ વર્ષના ઝાક મૂરે વજન ઉતારવાના પ્રયાસમાં ફાસ્ટ ફૂડ અને કોલા ડ્રિન્કસ છોડ્યા પછી કસરત કર્યા વિના ૯૭ કિલો ઘટાડ્યું હતું. એક વાર ફૂડ પોઇઝનિંગથી બીમાર પડ્યા પછી બેરિયાટ્રિક સર્જરી માટે વજન ઉતારવાની પ્રક્રિયા માટે વજન ઉતારવાની પ્રક્રિયા શરૂ કરી હતી. દરરોજ મેકડોનલ્ડ્સ સહિત વિવિધ આઉટલેટ્સના અને ઘરમાં બનાવેલા ચરબી વધારનારા હાઈ કેલરી ખાધ પદાર્થોની સાથે રોજ ઝાક મૂર બે લિટરની ત્રણથી ચાર બોટલ કોલા એટલે કે લગભગ ૮ લિટર પી જતો હતો. એ નાસ્તામાં જ ત્રણ-ચાર ઈંડાં મફીન્સ સાથે બે લિટર કોલા પીતો હતો. લંચમાં એક આખો પીત્ઝા પોતાને માટે અને એક પીત્ઝા પરિવારના અન્ય સભ્યો માટે મગાવતો હતો. ડિનરમાં ફ્રેન્ચ ફ્રાઇઝ, હોટ ડોગ્સ અને હેમ્બર્ગ્સ ખાતો હતો. દિવસભર ફાસ્ટ ફૂડ ખાતા ઝાક મૂરને ફૂડ પોઇઝનિંગ (ઝાડા-ઊલટી) થયા પછી ડોકટરોએ સૂચવેલી પરેજીના ભાગરૂપે તે ઘરમાં રાંધેલાં શાકભાજી, સેલડ અને બીજી સાદી વાનગીઓ ખાતો હતો અને ફાસ્ટ ફૂડનો સંપૂર્ણ ત્યાગ કર્યો હતો. એક વાર ઝાક મૂર તેના પરિવાર સાથે પાન્ડા એકકસપ્રે રેસ્ટોરાંમાં જમ્યો હતો. ત્યાં જમ્યા પછી ફૂડ પોઇઝનિંગને કારણે ઝાક મૂર એટલો બીમાર પડ્યો કે મરતાં-મરતાં બચ્યો હતો. ફૂડ પોઇઝનિંગ થયા પછીના એક અઠવાડિયામાં ઝાક મૂરે ૨૭ કિલો કરતાં વધારે વજન ગુમાવ્યું હતું. તેણે મૃત્યુના ડરથી ખાવા-પીવામાં સંયમનો માર્ગ અપનાવ્યો હતો. એ પછી તેણે ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી કરાવી હતી. જોકે એ પહેલાં તેણે જાતે આહાર-વિહારની મર્યાદાઓ પાળીને વજન ઉતાર્યુ હતું. એ સર્જરી પછી ઝાકનું વજન ઘટીને ૬૯ કિલો થઈ ગયું હતું, આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન ઝાકે કસરત કર્યા વિના વજન ઉતાર્યુ હતું.

(2:54 pm IST)