Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

અમદાવાદ :સોલા સિવિલમાં તમામ બેડ ફૂલ થતાં કોરોનાના નવા દર્દીઓને દાખલ કરવાનું બંધ કરાયું

ઓક્સિજન, વેન્ટલેટર અને આઈસોલેશનના તમામ બેડ ફૂલ થઇ ગયા : એકપણ બેડ ખાલી નથી

અમદાવાદ : શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. જેમાં. ઓક્સિજનની કમી થવાના કેસોમાં સૌથી વધુ સામે આવી રહ્યા છે. જેને કારણે શહેરમાં ઓક્સિજન બેડની ખુબ જ તંગી જોવા મળી રહી છે. જો કે, હવે સોલા સિવિલ હોસ્પિટલમાં પણ એક પણ બેડ ખાલી નથી.

સોલા સિવિલમાં એકપણ બેડ ખાલી ના હોવાથી કોરોનાના દર્દીઓને દાખલ કરવાનું બંધ કરવામાં આવ્યું છે. સોલા સિવિલમાં ઓક્સિજન, વેન્ટલેટર અને આઈસોલેશનના તમામ બેડ ફૂલ થઇ ગયા છે. આઇસીયુના 50 બેડ છે. જે તમામ ભરેલા છે. તેમજ ઓક્સિજનના 270 બેડ છે જે બેડ પણ ભરાઈ ગયેલા છે. આ ઉપરાંત નોર્મલ બેડ 170 છે તે પણ ફૂલ છે. આમ સોલા હોસ્પિટલમાં 430 બેડ છે, જે તમામ બેડ ફૂલ છે. જેથી નવા દર્દીઓ ત્યાં દાખલ થઈ શકે તેમ નથી.

સોલા સિવિલ હોસ્પિટલ દ્વારા બેડ અંગેની માહિતી બહાર બોર્ડ પર લખીને ડિસ્પ્લે કરવામાં આવી છે. જે અનુસાર હાલ હોસ્પિટલમાં કોઈ બેડ ખાલી નથી.

 અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજયમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધતા જોવા મળી રહ્યા છે. જેના કારણે અમદાવાદ સહિત ઘણા શહેરોમાં હોસ્પિટલો ફુલ થઈ ગઈ છે. હોસ્પિટલો ફુલ થઈ જવાના કારણે હાલ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ સુરત શહેરની સિવિલ હોસ્પિટલ ફુલ થઈ જતા એમબ્યુલન્સમાં આવેલા એક કોરોના દર્દીને ગેટ પરથી જ પાછો મોકલવામાં આવ્યો હતો.

(6:25 pm IST)