Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

અમદાવાદમાં કોરોના મહામારીમાં સ્થિતિ બગડતા કેલિકટથી ૩૦ તબીબોની ટીમનું આગમન

અમદાવાદ: અમદાવાદમાં હવે કોરોનાની સ્થિતિ વધુ બદતર બની રહી છે. હોસ્પિટલમાં બેડથી લઈને ઈન્જેક્શન અને અન્ય મેડિકલ સુવિધાઓની સાથે તબીબોની પણ અછત પડી રહી છે. ત્યારે હવે આ મદદ પણ મળી રહી છે. અમદાવાદમાં કેલિકટથી ડોકટરોની ટીમ ગુરુવારે આવી પહોંચી છે. નેવીના 2 સ્પેશ્યલ પ્લેન મારફતે ડોક્ટરોની ટીમ અમદાવાદ આવી પહોંચી છે. ત્યારે ગઈકાલે તબીબોની ટીમ આવવાને લઈને એરપોર્ટ પર ખાસ વ્યવસ્થા કરાઈ હતી.

ધન્વન્તરી હોસ્પિટલમાં તબીબોની ટીમ કામે લાગે તેવી શક્યતા

અમદાવાદને કોરોનાના કહેરથી બચાવવા ઈમરજન્સી સેવા અંતર્ગત કેલિકટથી 30 તબીબોની ટીમ ગઈકાલે સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર આવી પહોંચી હતી. અમદાવાદની સ્થિતિને જોતા હાલ કેલિકટથી 30 જેટલા સભ્યોની ટીમ આવી ચૂકી છે. આ ટીમને જીએમડીસી ગ્રાઉન્ડ પર બનાવાયેલી 900 બેડની ધન્વન્તરી હોસ્પિટલમાં લઈ જવાશે તેવી શક્યતા દેખાઈ રહી છે. કારણ કે, આ હોસ્પિટલ શરૂ થઈને એક અઠવાડિયુ વીતી ગયું છે. પરંતુ અહી મેડિકલ સ્ટાફની અછત છે.

ઈમરજન્સીના ભાગરૂપે ટીમ કેલિકટથી મોકલાઈ

કેલિકટના એઝિમાલા નેવલ એકેડમી તરફથી ઈમરજન્સીના ભાગરૂપે 30 તબીબોની ટીમ અમદાવાદના કોવિડ સેન્ટર માટે ફાળવવામાં આવી છે. સ્ટેટ હેલ્થ ઓથોરિટી સાથે કો-ઓર્ડિનેટ કરીને આ મેડિકલ સુવિધા ઉભી કરવામા આવી છે તેવુ જાણવા મળ્યું છે.

(4:29 pm IST)