Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

રેમડેસિવિયરના બે ડોઝ આપી હાથ અદ્ઘર કરતી હોસ્પિટલોઃ ચાર ડોઝની જવાબદારી દર્દીની!

કોરોનાના પેશન્ટને છ ડોઝ આપવા જરૂરી, પરંતુ ઉપરથી ઈન્જેકશન નથી મળતા તેવું કહી હોસ્પિટલો દર્દીના સગાંને રેમડેસિવિયર માટે દોડાવતી હોવાની ફરિયાદો : હાલ રેમડેસિવિયરની વિતરણ વ્યવસ્થા માત્ર સરકારના હસ્તક : ફાર્મા કંપનીઓમાંથી તમામ સ્ટોક સરકાર દ્વારા જ ઉઠાવાય છે : કોર્પોરેશર્નીના અધિકારીઓ પણ પૂરતો જથ્થો ના મળતા હોવાનું અંદરખાને કબૂલે છે

અમદાવાદ, તા.૩૦: કોરોનાના જે દર્દીઓને ઈન્ફેકશન વધી જાય તેમને રેમડેસિવિયર ઈન્જેકશન આપવામાં આવતા હોય છે. આ ઈન્જેકશનનો કોર્સ છ ડોઝનો હોય છે. હાલ આ ઈન્જેકશનની જબરજસ્ત માંગ છે, ત્યારે સરકાર જ ફાર્મા કંપનીઓ પાસેથી તેનો તમામ જથ્થો ખરીદીને વિતરણ કરે છે. ખાનગી હોસ્પિટલોને પણ સરકાર દ્વારા જ રેમડેસિવિયર પૂરા પડાય છે, પરંતુ પેશન્ટને બે ડોઝ અપાયા બાદ હોસ્પિટલો દ્વારા બાકીના ચાર ડોઝની વ્યવસ્થા કરવાનું દર્દીના સગાંને કહી દેવાતું હોવાનું બહાર આવી રહ્યું છે.

રેમડેસિવિયરની કાળાબજારીનું તાજેતરમાં જ મોટું રેકેટ ઝડપાયું છે. કેટલાક તત્વો રેમડેસિવિયરના નામે ડુપ્લિકેટ ઈન્જેકશનોના પણ હજારો રુપિયા પડાવીને દર્દીના જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. જોકે, હોસ્પિટલો માત્ર બે જ ડોઝ આપતી હોવાથી બાકીના ચાર ડોઝની વ્યવસ્થા કરવામાં દર્દીના સગાં પાસે આ ઈન્જેકશનના કાળા બજારમાં મો માંગ્યા દામ આપ્યા સિવાય છૂટકો નથી હોતો.

માત્ર અમદાવાદ જ નહીં, સુરતની હોસ્પિટલોમાં પણ દર્દીઓને રેમડેસિવિયરના તમામ ડોઝ આપવામાં નથી આવી રહ્યા. સુરત સ્થિત પોતાના એક કોરોનાગ્રસ્ત સંબંધીને એડમિટ કરાવવા અમદાવાદથી દોડી ગયેલા એક યુવકે નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે પ્રાઈવેટ હોસ્પિટલ દ્વારા પેશન્ટને એડમિટ કરાયા તે દિવસે બે ડોઝ અપાયા હતા. જોકે, દર્દીના સગાંને હોસ્પિટલને એવું કહ્યું હતું કે આ બે ડોઝ બહારથી વ્યવસ્થા કરી હોસ્પિટલને પરત આપવાના રહેશે, તેમજ બાકીના ચાર ડોઝ પણ તેમણે જાતે જ લાવવાના રહેશે.

અમદાવાદ શહેરના અમુક વિસ્તારોની હોસ્પિટલો તેમજ અમદાવાદ ગ્રામ્યની હોસ્પિટલોમાં પણ આવી જ સ્થિતિ પ્રવર્તી રહી છે. એક તરફ મોટાભાગના કેસમાં હોસ્પિટલમાં દાખલ કોવિડ પેશન્ટના આખા પરિવારને તેનો ચેપ લાગી ગયો હોય છે, ત્યારે બીજી તરફ તેમને રેમડેસિવિયરની વ્યવસ્થા માટે દોડધામ કરાવવા માટે મિત્રો કે સંબંધીઓ પર નિર્ભર રહેવું પડે છે.

હાલના નિયમો અનુસાર, રેમડેસિવિયર બનાવતી કંપનીઓ તેને બહાર વેચી નથી શકતી. બીજી તરફ, હોસ્પિટલો દાવો કરી રહી છે કે તેમને જરુરિયાત પ્રમાણે કોર્પોરેશન દ્વારા ઈન્જેકશન પૂરા પાડવામાં આવતા નથી. તો કોર્પોરેશનના અધિકારીઓ જણાવે છે કે ઉપરથી જ પૂરતો જથ્થો ના આવતો હોવાથી તેઓ ડિમાન્ડ અનુસાર સપ્લાય કરી શકે તેમ નથી. તેવામાં સવાલ એ છે કે, જો હોસ્પિટલોને ઈન્જેકશન ના મળતા હોય, સરકાર પાસે ના આવતા હોય તો કાળા બજારિયા કયાંથી તેની વ્યવસ્થા કરી લે છે?

(4:16 pm IST)