Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

રાજયનો મૃત્યુઆંક ૭૦૦૦ ઉપર

ગુજરાતમાં ૬ દિ'માં ૧૦૦૦ દર્દીઓના મોત

૧૬ દી' માં ૨૦૦૦ના મોતઃ બીજી લહેરમાં ફેફસાના સંક્રમણની ફરિયાદો વધુ

નવી દિલ્હી, તા.૩૦: ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને તેની સાથે જ ગુરુવારના રોજ મૃત્યુઆંક પણ ૭૦૦૦નો આંકડો પાર કરી ચૂકયો છે. ભારતના રાજયોના મૃત્યુઆંકમાં ગુજરાત ૧૦માં ક્રમાંકે છે. આટલુ જ નહીં, ગુરુવારના રોજ ગુજરાતમાં રેકોર્ડ ૧૮૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજયમાં દૈનિક મૃત્યુદર ૧.૨૫ ટકા છે. મૃત્યુઆંકના વિશ્લેષણ પરથી જાણવા મળ્યું છે કે, પાછલા ૧૬ દિવસમાં ૨૦૦૦ લોકોએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે, જયારે પાછલા માત્ર છ જ દિવસમાં ૧૦૦૦ લોકોએ જીવ ગુમાવ્યા છે.

જો આ આંકડાઓ પર ધ્યાન આપવામાં આવે તો, ૨૨૭ દિવસમાં ગુજરાતનો મૃત્યુઆંક ૩૦૦૦થી ૫૦૦૦ સુધી પહોંચ્યો છે. જો કોરોનાની બન્ને લહેરની સરખામણી કરવામાં આવે તો ૨૦૨૦ના સરખામણીમાં ૨૦૨૧માં કોરોનામાં જીવ ગુમાવનાર લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જો ૨૨૭ દિવસમાં થયેલી આ ૨૦૦૦ મોતના આંકડાની વાત કરીએ તો, અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ શહેરોના ૫૭ ટકા જ દર્દીઓ છે, જયારે ઓછી વસ્તી ધરાવતા અન્ય જિલ્લાઓમાં પણ મૃત્યુદરમાં મોટો વધારો જોવા મળ્યો છે.

સૌથી વધારે મૃત્યુદર ધરાવતા જિલ્લાઓની વાત કરીએ તો તેમાં ગુજરાતના આ ચાર મોટા શહેરોનું નામ નથી. આ યાદીમાં મોરબી પ્રથમ ક્રમાંક પર છે. મોરબીમાં મૃત્યુદર ૬ ટકા છે, એટલે કે એપ્રિલ ૧૪ અને ૨૯ દરમિયાન પ્રત્યેક ૧૦૦ દર્દીમાં ૬ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. ત્યારપછી ડાંગ(૪.૭ ટકા) અને દેવભૂમિ દ્વારકા(૪.૪ ટકા)માં સૌથી વધારે મૃત્યુઆંક જોવા મળ્યો છે. જો મૃત્યુની સંખ્યાની વાત કરવામાં આવે તો સુરતમાં ૩૮૬, અમદાવાદમાં ૩૮૧ અને વડોદરામાં ૧૯૬ મૃત્યુ નોંધાયા છે.

શહેરના એક એપિડેમિઓલોજીસ્ટ જણાવે છે કે, વધારે વસતી ધરાવતા શહેરોમાં મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળ્યો છે. પાછલા ૨૦૦૦ મૃત્યુમાં અમદાવાદના ૮૦૨ દર્દીઓ હતા અને હવે તે ઘટીને ૩૮૧ છે. પરંતુ નાના જિલ્લાઓ જયાં વસ્તી પણ ઓછી છે ત્યાં કેસની સંખ્યા ઓછી હોવા છતાં મૃત્યુદર વધારે છે. અમદાવાદ જેવા શહેરોમાં કેસની સંખ્યા વધારે છે, પરંતુ તેની સરખામણીમાં મૃત્યુદર ઓછો છે.

કોરોનાના દર્દીઓના મૃત્યુદરમાં એકાએક વધારો થવા માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે. અમદાવાદના નિષ્ણાંતોનું કહેવું છે કે, કોરોનાની પાછલી લહેરની સરખામણીમાં આ વખતે ફેફસામાં ઈન્ફેકશનની ફરિયાદ વધારે જોવા મળી છે. આ સિવાય દર્દીને હોસ્પિટલમાં સમયસર દાખલ કરવામાં નથી આવતા, જેના કારણે જયારે તેમની સારવાર શરૂ થાય ત્યારે તે ગંભીર પરિસ્થિતિમાં પહોંચી ગયા હોય છે. જો દર્દી અન્ય કોઈ બીમારીથી પીડાઈ રહ્યો હોય તો વેન્ટિલેટર પર મુકયા પછી તેના બચવાની શકયતાઓ દ્યણી ઓછી થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરમાં યુવાન દર્દીઓના મૃત્યુની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે.

(10:26 am IST)