Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન જિલ્લા સ્તર પર તૈયાર થશે

જિલ્લાસ્તર પર મોકડ્રીલ માટેનું પણ આયોજન : અતિવૃષ્ટિ, પુર કે વાવાઝોડાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા વહિવટીતંત્રને સજ્જ કરવા માટે ઘનિષ્ટ પગલાઓ

અમદાવાદ,તા.૨૯ : અતિવૃષ્ટિ, પૂર કે વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યમાં છેક ગ્રામીણસ્તર સુધીનું વહીવટીતંત્ર સુસજ્જ રહેશે. ગ્રામ્યકક્ષાના કર્મચારીઓ, વહીવટીતંત્રના પ્રતિનિધિઓને આપત્તિવ્યવસ્થાપન માટે તાલીમ અપાશે. ભૂતકાળના અનુભવોને આધારે આગોતરા પગલાં લઇને દરેક જિલ્લામાં ડિઝાસ્ટર પ્લાન તૈયાર રાખવાની તાકીદ કરવામાં આવી છે. તમામ જિલ્લાઓમાં આપત્તિ સામેની સજાગતા ચકાસવા મોકડ્રીલ પણ હાથ ધરવાનું સૂચન કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડાઓ તથા મહાનગરપાલિકા વિસ્તારના પોલીસ કમિશનરો સાથે ખાસ વિડિયો કોન્ફરન્સ યોજીને ચોમાસા પૂર્વે કરવાની તૈયારીઓ માટે ઉચ્ચ કક્ષાએથી સૂચનો કરવામાં આવ્યા હતા. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ એ.એમ.તિવારી, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ મહાનિર્દેશક જહા, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ સંજય પ્રસાદ અને વિકાસ કમિશનર નલિન ઠાકરે તમામ જિલ્લાઓના વહીવટી તંત્ર સાથે વાત કરીને આપત્તિ વ્યવસ્થાપન માટેની પૂર્વ તૈયારીઓ અંગે વિસ્તૃત સૂચનાઓ આપી હતી. અતિવૃષ્ટિ, પૂર, વાવાઝોડાંની સંભાવના વખતે લેવાતા આગોતરા પગલાં, આપત્તિ દરમિયાનનું વ્યવસ્થાપન અને કુદરતી આપત્તિ પછીની વહીવટી તંત્રની કામગીરી વિશે શું શું તૈયારીઓ કરવી જોઇએ એ અંગે વિચાર-વિમર્શ કરાયો હતો. મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે ગ્રામીણ કક્ષાના કર્મચારી-પ્રતિનિધિને  આપત્તિ વ્યવસ્થાપન માટેની તાલીમ  આપવા પર ભાર મૂક્યો હતો. તેમણે આપત્તિની અસરકારકતાની સંભાવનાને યોગ્ય રીતે મૂલવવા વિશેષ ભાર મૂક્યો હતો. ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તિવારીએ જિલ્લા અને ગ્રામ્ય સ્તરે સ્વયંસેવકોની સહાય લેવા, હોમગાર્ડઝ-ગ્રામરક્ષક દળને પણ તાલીમબદ્ધ કરવા અનુરોધ કર્યો હતો.ટ્ઠ

(9:13 pm IST)