Gujarati News

Gujarati News

News of Wednesday, 29th May 2019

હવે રાજયસભાની બે સીટને લઇ રાજકીય ઘમાસાણ શરૂ

તોડવા-જોડવાની રાજકીય કૂટનીતિ શરૂ થઇ : સંખ્યાબળના આધારે કોંગ્રેસને રાજયસભાની એક બેઠક મળતી હોઇ તેને બચાવવા માટેનો પૂરે પૂરા પ્રયાસો કરાશે

અમદાવાદ, તા.૨૮ : રાજ્યસભાની બેઠકને લઈને રાજકીય ઘમાસાણ શરૂ થઇ ગયુ છે. રાજ્યસભાની ૨ બેઠકને લઈને રાજનીતિ તેજ થઇ ગઇ છે. લોકસભાની ચૂંટણી જીત્યા બાદ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની બેઠક ખાલી પડશે તેથી બંને બેઠક પાછી મેળવવા ભાજપને ૧૧ મતની જરૂર છે. આ માટે ભાજપ દ્વારા કોંગ્રેસના ૧૧ ધારાસભ્યોના મત ઓછા કરવા પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. આ અંતર્ગત રાજ્યનાં વિધાનસભા અધ્યક્ષની ચેમ્બરમાં બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, જીતુ વાઘાણી, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને પ્રદીપસિંહ હાજર રહ્યા હતાં. એકબાજુ, ભાજપે રાજયસભાની બંને બેઠકો કબ્જે કરવા કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાના રાજકીય કૂટનીતિ શરૂ કરી છે તો બીજીબાજુ, સંખ્યાબળના આધારે કોંગ્રેસને રાજયસભાની એક બેઠક મળતી હોઇ તેને બચાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરવામાં કોંગ્રેસ પણ જોતરાયું છે. રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપમાં ગતિવિધી તેજ થઇ ગઇ છે. ભાજપે બંને બેઠકો જીતવા માટે રાજકીય ઓપરેશન શરૂ કરી દીધુ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો મળ્યા હતાં. નીતિન પટેલને કોંગ્રેસના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિજ મકવાણા અને મહુધાના ધારાસભ્ય ઈન્દ્રજીત ઠાકોર પણ મળ્યા છે. જોકે, બંન્ને નેતાઓએ નીતિન પટેલને મળ્યા બાદ ભાજપમાં જોડાવવા અંગે ઈન્કાર કર્યો હતો. નોંધનીય છે કે, છેલ્લા બે દિવસમાં કોંગ્રેસના ૪ ધારાસભ્યો નીતિન પટેલને મળ્યા છે. જો ગુજરાતની બે રાજ્યસભા બેઠકોનું ગણિત સમજીએ તો, ભાજપના બે નેતાઓ લોકસભા ચૂંટણી જીત્યા હોવાથી રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપે તો ખાલી બેઠકો સામે ભાજપના બે અને કોંગ્રેસના બે ઉમેદવારો ઊતરે તો તેવી સ્થિતિમાં ભાજપના સભ્યોને બે ઉમેદવાર પૈકી એકની સામે એકડો ઘૂંટવા પડે, જ્યારે બાકીના ધારાસભ્યોને બીજા ઉમેદવાર માટે બગડો ઘૂંટવો પડે તેમ છે. પેટાચૂંટણી બાદ વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ ૧૦૫ થયું છે જ્યારે કોંગ્રેસ ૭૨ ધારાસભ્યો ધરાવે છે તેવી સ્થિતિમાં ચાર ધારાસભ્યો લોકસભામાં ચૂંટાતા તેમના રાજીનામાથી ભાજપના ધારાસભ્યો ઘટીને ફરીથી ૯૯ થશે. અત્રે મહત્ત્વનું છે કે, કોંગ્રેસના સાથી એવા બીટીપીના બે અને એનસીપીના એક ધારાસભ્ય છે, લોકસભાની ચૂંટણીમાં ભલે અત્યારે આ બે નાના પક્ષો સાથે ગઠબંધન થયું નથી. છેલ્લે રાજ્યસભાની ચૂંટણીમાં બીટીપીના કારણે કોંગ્રેસને જીત મળી હતી. ઉલ્લેખનીય છે કે, લોકસભામાં ચૂંટાતા અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની રાજ્યસભાની બે બેઠક ખાલી પડી છે અને બંને બેઠકો ભાજપને પાછી મેળવવી હોય તો કોંગ્રેસના ૧૧ ધારાસભ્યોના મત ઓછા કરવા પડે. આથી રાજ્યમાં હવે રાજકીય નિષ્ણાતો દ્વારા રાજનીતિ પોતાની ચરમસીમાએ પહોંચશે તેવી શકયતા છે.

(9:31 pm IST)
  • તામિલનાડુના કાંચીપુરમમાં (કાંચી) આજે બરફના કરા સાથે મુશળધાર વરસાદ પડ્યો access_time 6:09 pm IST

  • મોદી પ્રધાનમંડળમાં ગુજરાતને વધુ મહત્વ મળે તેવા નિર્દેશો : નરેન્દ્રભાઇ મોદીના નવા પ્રધાનમંડળમાં ગુજરાતમાંથી અમિતભાઇ શાહ, મનસુખભાઇ માંડવીયા, પરબતભાઇ પટેલ, પરસોતમભાઇ રૂપાલા, જસવંત ભાભોર સહિત ૪ થી ૫ સાંસદોને સ્થાન મળે તેવી ચર્ચા ચાલે છે. જોકે નરેન્દ્રભાઇ અંતિમ નિર્ણય શુ લ્યે છે તે અટકળ છે access_time 12:47 pm IST

  • સુરતના અગ્નિકાંડનો મામલો પહોંચ્યો સુપ્રિમકોર્ટેઃ ૨૨ વિદ્યાર્થીઓના મોત બાદ જાહેરહીતની અરજી દાખલઃ દેશભરમાં ટયુશન કલાસીસ મુદે નિયમ બનાવવાની માગઃ સુપ્રિમ કોર્ટે કહયું કેન્દ્ર સરકારને નિર્દેશ આપે તેવી માગ access_time 4:06 pm IST