Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

પૂરતા તાપના અભાવે કેસર કેરી મોટી થતી નથી, મહિના પછી બજારમાં આવશેઃ વિદેશ નિકાસ અંગે અનિશ્ચિતતા

ફળોના રાજાને વાદળછાયુ વાતાવરણ નડયુઃ કોરોના નિકાસ પર અસર કરશે

રાજકોટ, તા. ૨૮ :. દેશભરમાં એક તરફ કોરોનાએ ફફડાટ ફેલાવ્યો છે. લોકોને ઘરમાં પુરી દીધા છે. બીજી તરફ તાલાળા ગીર પંથકની પ્રખ્યાત કેસર કેરી ખાવાના દિવસો નજીક આવ્યા છે. આ વખતે કુદરતી વાતાવરણ કેસર કેરી માટે પ્રતિકૂળ હોવાથી બરાબર પાકતી નથી. ગયા વર્ષની સરખામણીએ ગીર પંથકનો પાક અડધા જેટલો થાય તેવો અત્યારનો અંદાજ છે. હવે પછીના દિવસોની કુદરતી પરિસ્થિતિ કેરીના પાક પર નિર્ણાયક અસર પાડશે.
અત્યારે કેરીના પાકને તાપમાનની જરૂર છે. અમુક જગ્યાએ વરસાદ થયો છે અને અમુક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ છે. ચૈત્ર મહિનામાં હોવો જોઈએ તેવો તડકો અત્યારે દેખાતો નથી. પુરતા તાપમાનના અભાવે કેરીનુ કેદ વધતુ નથી એટલે કે બરાબર પાકતી નથી. હવે પુરતો તડકો પડે તો કેરીના પાકને ફાયદો થઈ શકે તેમ જાણકારોનું કહેવુ છે. જો હાલની સ્થિતિ યથાવત રહે તો એપ્રિલ અંત અથવા મે મહિનાના પ્રારંભે કેરીની હરરાજી શરૂ થઈ જાય તેવા એંધાણ છે.

કેરીને અત્યારે વરસાદી જેવુ વાતાવરણ નડી રહ્યુ છે. ઉપરાંત કોરોનાના કારણે બગીચાઓમાં મજુરોની પણ અછત છે. જો લોકડાઉનની પરિસ્થિતિ લંબાઈ તો વિદેશમાં કેરીની નિકાસ કરવાનું લગભગ અશકય થઈ જશે.

કેરીના ઉત્પાદન સાથે સંકળાયેલા ખેડૂત અશ્વિનભાઈ અણદાણી (ગીર ગઢડા) કહે છે કે હવે પછીનું કુદરતી વાતાવરણ કેવુ રહે છે ? તેના પર કેરીના ઉત્પાદનના સમય અને પ્રમાણનો આધાર રહેશે. અત્યારે કેરીના કદમાં થવો જોઈએ તેવો વધારો થતો નથી. કુદરતી વાતાવરણ અનુકુળ થવાની આશા છે. કેરીની મુંગી હરરાજીના બદલે સરકારે યાર્ડોમાં જાહેર હરરાજી કરાવવી જોઈએ. ગયા વર્ષે ૧૦ કિલોનું બોકસ પ્રારંભે રૂ. ૧૦૦૦ આસપાસ મળતુ હતુ. આ વખતના ભાવનો આધાર કેરી બજારમાં આવે તે વખતની સ્થિતિ પર આધારીત રહેશે. સારી કેરી પાકવાની આશા રાખીએ છીએ.

(1:15 pm IST)