Gujarati News

Gujarati News

News of Saturday, 28th March 2020

સંચાલક મહામંડળના પ્રમુખે તમામ સ્કુલોને પત્ર લખી ઋણ ચુકવવા અપીલ કરી

ગુજરાતની ગ્રાન્ટેડ-ખાનગી સ્કુલોને પરીક્ષાનો જંગી ખર્ચ બચ્યો હોવાથી બે માસની ફી પરત આપવા સલાહ

અમદાવાદ તા.ર૮ : ગુજરાત રાજય શાળા સંચાલક મહામંડળના પ્રમુખે રાજ્યની તમામ ગ્રાન્ટેડ અને ખાનગી સ્કુલોના ટ્રસ્ટીઓને પત્ર લખી કોરોના વાયરસના કહેર વચ્ચે તેમનું ઋણ ચુકવવા માટે અપીલ કરી છે. પ્રમુખે તમામ સ્કુલ સંચાલકોને એપ્રિલ અને મે માસની વિદ્યાર્થીઓની ફી પરત કરવા માટે સૂચન કર્યુ છે. સરકાર દ્વારા અન્ય તમામ વર્ગના લોકો માટે સહાય કરવામાં આવી રહી છે. ત્યારે સંચાલકો પોતાની સ્કુલમાં અભ્યાસ કરતા 'પોતાના' જ બાળકો માટે સામાન્ય ફી પરત કરે તો વાલીઓને ખાસ્સી રાહત થઇ શકે છે અને સંચાલકો આ રીતે સમાજને પોતાનું ઋણ પણ અદા કરી શકશે.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે પોતાના એસો.માં આવતી તમામ સ્કુલો ઉપરાંત અન્ ગ્રાન્ટેડ સ્કુલો તેમજ ખાનગી સ્કુલોના સંચાલકોને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં ફીને લઇને તેમણે તમામને એક સુચન કર્યું છે. અને તેનો અમલ કરવા માટે ટ્રસ્ટીઓ ઠરાવ કરે તે માટે પણ જણાવ્યું છે. હાલમાં કોરોના વાયરસની મહામારીના પગલે ભારત સરકાર અને ગુજરાત સરકાર પોતાનાથી બનતી તમામ પ્રકારની મદદ લોકોને કરી રહી છે અને આ મદદમાં શિક્ષકોએ પણ પોતાનો એક દિવસનો પગાર સરકારના રાહત ફંડમાં આપી પોતાની ફરજ નિભાવી છે. ત્યારે સંચાલકો આ મુદ્દે આગળ આવે તે માટે તેમણે આહવાન કર્યું છે.

તેમણે સ્કુલોના સંચાલકો અને ટ્રસ્ટીઓને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, કપરી સ્થિતિમાં તમામ ગ્રન્ટેડ અને ખાનગી સ્કુલો તેમના વિદ્યાર્થીઓને એપ્રિલ અને મે માસ એમ બે મહિનાની ફી પરત આપવા માટે વિચારણા કરે, પ્રત્યેક સ્કુલો આ મુદ્દે પોતાની રીતે નિર્ણય લઇ વિદ્યાર્થીઓના હિતમાં ફી પરત કરે તો વાલીઓને કપરા સમયમાં ખૂબ જ રાહત મળી રહે. આ વિદ્યાર્થીઓ આપણા જ વિદ્યાર્થીઓ છે અને આગળ જઇને આપણી જ સ્કુલમાં ઉચ્ચ અભ્યાસ કરનાર છે ત્યારે તેમને બે માસની ફી પરત આપવામાં આવે તો તેમને મદદ મળી રહેશે અને સ્કુલ સંચાલકો પણ પોતાનું દેશ પ્રત્યેનું ઋણ ચુકવી શકશે. આ નિર્ણય માટે ફકત ટ્રસ્ટ મીટીંગમાં એજન્ડામાં આ બાબતનો સમાવેશ કરી નિર્ણય લીધા બાદ તેનો અમલ કરવાનો છે. ભાસ્કર પટેલે પત્રમાં પોતાનો વિચાર રજુ કરી ટ્રસ્ટીઓ તે અંગે નિર્ણય લે તે માટે વિનંતી કરી છે.

પરીક્ષા ખર્ચ બચ્યો હોવાથી ફી પરત આપી શકાય

પત્રમાં ભાસ્કર પટેલે વિવિધ પાસાઓ રજુ કર્યા હતા. જેમાં સૌથી મહત્ત્વના પાસા તરીકે પરીક્ષા ખર્ચ દર્શાવ્યો છે. દરવર્ષે સ્કુલો દ્વારા લેવામાં આવતી વાર્ષિક પરીક્ષા પાછળ જંગી ખર્ચ થતો હોય છે અને આ ખર્ચ સ્કુલો દ્વારા વિદ્યાર્થીઓ પાસે લેવામાં આવતી ફીમાંથી કરવામાં આવે છે. જો કે, આ વખતે માસ પ્રમોશનના લીધે સ્કુલોને પરીક્ષા ખર્ચ થયો ન હોઇ બે માસની ફી આપવામાં આવે તો સ્કુલોને નુકસાન જશે નહીં અને તેમનું ઋણ પણ અદા થશે તેમ જણાવ્યું છે.

(11:46 am IST)