Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

બીજેપી નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસ :આરોપી નીતિન અને રાહુલના જામીન હાઇકોર્ટે મંજુર કર્યા

છબીલ પટેલની અરજી પર ત્રણ સપ્તાહ બાદ સુનાવણી : રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો

અમદાવાદ : ભાજપના નેતા જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આરોપી નીતિન અને રાહુલના જામીન હાઇકોર્ટે મંજૂર કર્યા છે. જ્યારે ભાજપના નેતા છબીલ પટેલ ની જામીન અરજીની ત્રણ સપ્તાહ બાદ સુનાવણી થશે 

               છબીલ પટેલે જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરતા જસ્ટીસ વી.એમ. પંચોલીએ રાજ્ય સરકારને નોટિસ પાઠવી ખુલાસો માંગ્યો હતો. અગાઉ ભચાઉ સેસન્સ કોર્ટે ભાજપના નેતા છબીલ પટેલના જામીન ફગાવતા તેમણે જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી. જયંતિ ભાનુશાળીની હત્યાના કેસમાં વિદેશ ગયેલા છબીલ પટેલ અમદાવાદ એરપોર્ટ પહોંચતા CID ક્રાઈમ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઈમે અગાઉ આ કેસમાં હત્યામાં સંડોવાયેલા બે શાર્પ શૂટર, છબીલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી. જોકે મનિષા ગોસ્વામી નામની મહિલા કે જે આ કેસમાં મુખ્ય આરોપી છે તે હાલ પણ પોલીસની પહોંચ બહાર છે. ગત 24મી જાન્યુઆરીના રોજ પોલીસે જણાવ્યું હતું કે 7મી જાન્યુઆરીના રોજ સયાજીનગર એક્સપ્રેસ ટ્રેનના ફર્સ્ટ AC કોચમાં ભાનુશાળીની હત્યા કરવામાં આવી હતી. આ સમગ્ર હત્યાકાંડમાં મનિષા ગોસ્વામી અને પૂર્વ MLA છબીલ પટેલ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યા હતા.
                 અત્રે ઉલ્લેખનીય છે કે છબીલ પટેલ અને જ્યુંતિ ભાનુશાળી કચ્છની અબડાસા બેઠકથી ધારાસભ્ય રહી ચુક્યા છે. જ્યારે મનિષા નામની મહિલા આરોપીને ભાનુશાળીના ભાણેજ સાથે દુશ્મનાવટ હતી. જ્યંતિ ભાનુશાળી સાથે તેમના ભાણેજ પણ સયાજીનગર ટ્રેનમાં ભુજ થી અમદાવાદ જઈ રહ્યાં હતા. ત્યારે હવે છબીલ પટેલે જામીન મેળવવા હાઈકોર્ટમાં રિટ દાખલ કરી હતી.

(10:41 pm IST)