Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

સુરતમાં પુરતા ડોક્યુમેન્ટ ન હોવાથી ગાડી ડીટેઇન કરતા મહિલા સહિત પરિવારે પોલીસને અપશબ્દો કહ્યાઃ પોલીસ ફરિયાદ

સુરત: ટ્રાફિક નિયમનનો નવો કાયદો આવ્યા બાદ પોલીસ અને વાહન ચાલકો વચ્ચે રીતસર ઘર્ષણના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટ્રાફિક પોલીસ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવી રહી છે ત્યારે વાહન ચાલકો પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરી રહયા છે. આ ઘટના સુરતના અઠવાલાઇન્સ સ્થિત ટ્રાફિક પોલીસ ચોકી નજીક બની હતી.

સુરત ટ્રાફિક રિજન ચારનો પોલીસ ઇસ્પેક્ટર સહિતનો સ્ટાફ આજ રોજ અઠવાલાઇન્સ સ્થિત ટ્રાફિક પોઇન્ટ પર ફરજ પર હાજર હતો. આ દરમિયાન હેલમેટ પહેર્યા વગર મોપેડ ચલાવતી મહિલાને પોલીસે અટકાવી લાયન્સસ સહિત ગાડીના કાગળોની માંગણી કરી હતી. જો કે મહિલા પાસે લાયસન્સ સહિત ગાડીના કોઈ પણ પુરાવા સાથે ન હતા. અ સંજોગોમાં પોલીસે વાહન ડિટેઇન કરી આરટીઓ મેમો આપી દીધો હતો. મહિલાએ પોતાના પુત્ર સહિત પરિવારને આ બાબતે જાણ કરતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

ઘટનાસ્થળે જ મહિલા અને તેના પરિવારે પોલીસ કર્મચારી પર અપશબ્દો બોલવા અંગેનો આરોપ મૂકી ભારે હોબાળો મચાવ્યો હતો. ફરજ પર હાજર કર્મચારીએ મહિલાને માર મારવાની વાત કરી હોવાનો આરોપ મૂકીને તેને જાહેરમાં ગંદી ગંદી ગાળો આપી હતી. મહિલાના પુત્ર સહિત સાથે આવેલ યુવકે જાહેરમાં જ પોલીસ કર્મચારી સાથે જીભાજોડ કરી હતી. આ ઘટનાની જાણ ઉમરા પોલીસ મથકમાં કરાતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવી હતી અને તમામને પોલીસ મથકે લઇ ગઇ હતી. ઉમરા પોલીસે ટ્રાફિક પીઆઈની ફરિયાદના આધારે ફરજમાં વિક્ષેપ અને અપશબ્દો બોલવા અંગેનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:52 pm IST)