Gujarati News

Gujarati News

News of Wednesday, 27th November 2019

પારસી દંપતી વચ્ચે તલાક મંજૂર થવાનો દેશનો પ્રથમ કિસ્સો

વ્યારા ખાતે રહેતી પારસી યુવતીનાં લગ્ન વર્ષ ૨૦૦૯માં સુરત ખાતે રહેતા પારસી યુવક સાથે થયા હતા

સુરત, તા.૨૭:  સુરતમાં કાર્યરત પારસી ડિસ્ટ્રીકટ એન્ડ મેટ્રોમોનિયલ કોર્ટે પારસી દંપતી વચ્ચેના વિવાદમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ભારતમાં પહેલીવાર પારસી એકટ અંતર્ગત પરિણીતા દ્વારા કરવામાં આવેલ છૂટાછેડાની અરજી કોર્ટે મંજૂર કરી હતી

વ્યારા ખાતે રહેતી પારસી યુવતીનાં લગ્ન વર્ષ ૨૦૦૯માં સુરત ખાતે રહેતા પારસી યુવક સાથે થયા હતા. લગ્ન પહેલા બન્ને વચ્ચે નક્કી થયું હતું કે જયાં સુધી બદલી ન થાય ત્યાં સુધી યુવતી વ્યારામાં એટલે કે પોતાના પિયરમાં રહીને નોકરી કરશે. ઉપરાંત પરિવાર નિયોજનને લઈને પણ શરત રાખવામાં આવી હતી. તેમ છતાં સાસરિયા દ્વારા પરિણીતાને દબાણ કરતા હતાં. સુરતમાં દ્યર ખરીદવા માટે વર્ષ ૨૦૧૦માં તેણી પાસેથી ટુકડે ટુકડે ૧૦ લાખ રૂપિયા પણ લીધા હતા. બદલી થયા બાદ પરિણીતા વર્ષ ૨૦૧૧માં સાસરે રહેવા આવી ત્યારે પણ તેને ત્રાસ આપવામાં આવતો હતો.

મહિલા ગર્ભવતી હતી ત્યારે જ ધમકીઓ આપવામાં આવતી હતી કે, પુત્ર જ થવો જોઇએ. પરંતુ પુત્રીનો જન્મ થયો હતો. જે બાદ ત્રાસ વધી ગયો હતો. જેનાથી ત્રસ્ત થઈને પરિણીતા વર્ષ ૨૦૧૭માં પિયર રહેવા જતી રહી અને પારસી એકટ અંતર્ગત એડવોકેટ શ્રીમતી પ્રીતિ જીગ્નેશ જોશી મારફત કોર્ટમાં છૂટાછેડા માટે અરજી દાખલ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન પારસી જયૂરી પણ હાજર રહી હતી. સુનાવણી બાદ પારસી ડિસ્ટ્રીકટ એન્ડ મેટ્રોમોનિયલ કોર્ટે અરજીમાં દર્શાવેલા આરોપોને ખરા માની અરજી મંજુર કરી હતી. એડવોકેટ જોશીએ આ અંગે જણાવ્યા મુજબ, 'આ  દેશનો સૌપ્રથમ કેસ છે જેમાં પારસી એકટ અંતર્ગત કોર્ટે છૂટાછેડાની અરજી મંજૂર કરી છે.'

ભારતમાં માત્ર સુરત અને પુણેમાં જ પારસી કોર્ટ આવેલી છે. જેમાં ૧૦૦ વર્ષ જૂના પારસી એકટ અંતર્ગત નોંધાયેલા કેસોની સુનાવણી થાય છે. ૩૪ વર્ષ અગાઉ સૈયદપુરામાં શહેનશાહો અતશ બહેરામમાં થયેલ અંજુમનમાં પારસી બ્યુરોના સભ્યોની નિમણુંક કરવામાં આવી હતી. ત્યાર બાદ સુરતમાં મેટ્રોમોનિયલ કોર્ટે શરૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત એક કોર્ટ પુણેમાં છે. દેશ-વિદેશના પારસી પરિવારોના વિવાદિત મામલા આ કોર્ટોમાં ઉકેલવામાં આવે છે. વડોદરા, વલસાડ, નવસારી, બીલીમોરા તથા મુંબઇના કેસો સુરતમાં  નિયુકત પ્રતિનિધિ કરે છે.

(12:32 pm IST)