Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

૧૮ હજારથી વધારે લોકોને બહાર જતાં અટકાવાયા છે

અટકાવાયેલા લોકોને રાહત કેમ્પોમાં ખસેડાયા છે : રાજયમાં શ્રમજીવીઓ, પરપ્રાંતિયો તેમજ ગરીબ પરિવારો માટે રહેવા-જમવાની વ્યવસ્થા માટે ૬૪ રાહત કેમ્પ શરૂ

અમદાવાદ,તા. ૨૭  :  રાજયમાં વકરતી જતી કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે ગભરાઇને પોતાના વતન અથવા તો રાજય બહાર જતાં શ્રમજીવી, ગરીબ અને પરપ્રાંતીય પરિવારોને સરકારે રાજય બહાર નહી નીકળવા અને હાલ જે સ્થળોએ છે ત્યાં જ રહેવા અનુરોધ કર્યો છે ત્યારે આજે રાજય પોલીસ તંત્રએ પણ કોરોના સંક્રમણ વધુ ના ફેલાય તેવા ઉમદા આશયથી રાજયની બહાર પગપાળા કે વાહનો સહિતના વિકલ્પ દ્વારા નીકળી રહેલા લોકોને અટકાવી દીધા છે. પોલીસ દ્વારા આવા ૧૮ હજાર જેટલા લોકોને પોલીસે જે તે સ્થળે જ અટકાવી દીધા છે અને તેઓને સરકાર અને તંત્ર દ્વારા શરૂ કરાયેલા ૬૪ જેટલા રાહત કેમ્પમાં આશરો અપાયો છે. તેમના માટે સરકાર અને તંત્ર દ્વારા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી રહેવા અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે એમ અત્રે રાજયના પોલીસ મહાનિર્દેશક(ડીજીપી) શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.

            તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉન દરમ્યાન આવા કોઇપણ લોકો રાજય બહાર નીકળવાનો પ્રયાસ ના કરે, કારણ કે, તેમના અને તેમના પરિવારના આરોગ્યના હિતમાં અને તેઓને કોરોના વાયરસનું સંક્રમણ ના થાય તે હેતુથી રાજય બહાર નીકળવા નહી દેવાય. પોલીસ આવા તમામ લોકોને અટકાવી રહી છે. આજે રાજયભરમાં ૨૨૭ વાહનો જપ્ત કરી કુલ ૧૮ હજારથી વધુ લોકોને રાજયની બહાર જતાં અટકાવી દેવાયા છે. આ તમામ લોકોને સરકાર અને તંત્ર દ્વારા શરૂ કરાયેલા ૬૪ જેટલા રાહત કેમ્પોમાં આશરો આપવામાં આવ્યો છે. ડીજીપીએ ઉમેર્યું કે, પગપાળા જતા લોકોને રાજય નહી છોડવા મારી ખાસ અપીલ અને વિનંતી છે. બીજીબાજુુ, અમદાવાદ શહેર સહિત રાજયભરમાં વગર કારણે ઘરની બહાર નીકળતાં અને કલમ-૧૪૪ અને ૧૮૮ના જાહેરનામાનો ભંગ કરવ બદલ  ૨૨૦૫ લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદો નોંધાઇ છે. ઘરમાં રહો સુરક્ષિત રહોનો સંદેશ આપતાં શિવાનંદ ઝાએ એ પણ સ્પષ્ટ કર્યું કે, કોરોના વાયરસની વકરતી સ્થિતિ વચ્ચે રાજયમાં ધાર્મિક સ્થાનો પર ભીડ નહી કરવા અને હાલના સંજોગોમાં ત્યાં નહી જવા અનુરોધ કરાયો હતો. ડીજીપીએ નાગરિકોને એ વાતની પણ કડક તાકીદ કરી કે, અમદાવાદ, સુરત અને વડોદરામાં પોલીસ દ્વારા ડ્રોનથી નજર રખાઇ રહી છે. ઘરોમાંથી બિનજરૂરી રીતે કે કોઇપણ કારણ વિના બહાર નીકળતા લોકો અને તત્વો પર પોલીસ ચાંપતી નજર રાખી રહીછે.

શિવાનંદ ઝાએ શું કહ્યું

વાહનો જપ્ત કરવાની કાર્યવાહી

અમદાવાદ, તા. ૨૭  : ૧૮૦૦૦થી વધારે લોકોને બહાર જતા રોકવામાં આવ્યા છે. કોરોના વાયરસને રોકવા માટે જોરદારીતે લડાઈ ચાલી રહી છે. સહકાર આપવા માટે રાજ્યના ડીજીપી દ્વારા તમામને કહેવામાં આવ્યું છે. એક પછી એક પગલાનો દોર ચાલી રહ્યો છે.

લોકોને બહાર જતા અટકાવાયા

૧૮૦૦૦

રાહત કેમ્પ શરૂ કરાયા

૬૪

વાહનો જપ્ત કરાયા

૨૨૭

લોકો સામે જાહેરનામા ભંગની ફરિયાદ

૨૨૫૫

(9:00 pm IST)