Gujarati News

Gujarati News

News of Friday, 27th March 2020

પાન - મસાલા, બીડી - સિગારેટના બે-ત્રણ ગણા ભાવ લેતા નફાખોરો

કોરોના વાયરસના પગલે ૨૧ દિવસ સંપૂર્ણ લોકડાઉન હોવા છતાંય બંધ બારણે લૂંટાલૂંટ

અમદાવાદ તા. ૨૭ : કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ૨૧ દિવસ સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરાઈ છે. સાથે જ પાનના ગલ્લાંઓને પણ બંધ રાખવાનું ફરમાન  છે, પરંતુ પાન-માસાલા, પડીકી, બીડી અને સિગારેટના બંધાણીઓને તેની લત લાગી હોવાથી ગમે તે રીતે ખરીદી કરવા માગતા હોય છે. તેથી હાલ તકનો લાભ લઇ પાનના ગલ્લા વાળાઓ બંધ બારણે લૂંટાલૂંટ ચલાવીને દરેક વસ્તુના બેથી ત્રણ ગણાં ભાવ લઇને ખૂલ્લેઆમ લૂંટ ચલાવી રહ્યાં છે. સામાન્ય દિવસોમાં ૧૨ રૂપિયામાં વેચાતા મસાલા ૨૦થી રપ રૂપિયામાં વેચાઈ રહ્યાં છે. જયારે સિગારેટ ૧૨ રૂપિયામાં મળતી તે પણ ૨૦ રૂપિયા આપો તો પાછળના બારણેથી મળે છે. કાયદેસર રીતે તો પાનના ગલ્લા બંધ રાખવાનો હુકમ છે, પરતુ એક તરફ તેઓ બંધ બારણે ધંધો કરીને સરકારના ફરમાનનો ભંગ કરી રહ્યા છે અને બીજી તરફ લોકોને લૂંટીને નફાખોરી પણ કરી રહ્યા છે.

શહેરના વિવિધ વિસ્તારોમાં પાન મસાલા, સિગારેટ વગેરે વેચાઇ રહી છે અને તેના ડબલથી પણ વધુ ભાવ પણ લેવાઇ રહ્યાં છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ ૧૪૦ નંબરની તમાકુ જે સામાન્ય દિવસોમાં ૭૫૦ રૂપિયામાં વેચાતી હતી એનો ભાવ અત્યારે રૂ. ૨૨૦૦ થઇ ગયોછે. જો એમાં કેસર ફલેવર હોય તો એના ૧૫૦૦ રૂપિયાના બદલે ૪૫૦૦ રૂપિયા લેવાઇ રહ્યાં છે. એવી જ રીતે ૧૩૫નો મસાલો જે સૌથી વધુ ખવાય છે  એ સામાન્ય દિવસોમાં ૧૨ રૂ.માં મળતો હતો જેનો ભાવ અત્યારે રપ રૂપિયા સુધી પહોંચી ગયો છે. ૧૯૦નો મસાલો પણ ૩૦રૂપિયામાં વેચાઇ જયોછે. તાનસેનની પાંચ રૂપિયાની પડીકીના રૂ. ૧૦ અને ૧૦ વાળીના રૂ. ૨૦ થઇ ગયા છે. પડીકીના તમાકુ સાથેના સેટ જે રૂ. ૧૨ કે ૧૫માં મળતાં હતાં તેના ભાવ પણ હાલ રૂ. ૩૦ થઇ ગયાં છે. મસળીને ખવાતી રૂ. છની તમાકુની પડીકી ચાર-પાંચ ગણા એટલે કે રૂ. ર૦થી રૂ. રપમાં વેચાઈ રહી છે!

સિગારેટના શોખીનો પણ અત્યારે બેથી ત્રણ ગણો ભાવ આપીને ખરીદી કરી રહ્યાં છે. ગોલ્ડફલેકનું પેકેટ ૯૫ રૂ.ના બદલે ૧૬૦માં વેચાઇ રહ્યું છે. વિલ્સ ૧૦૦ના બદલે ૨૦૦માં અને ૨૦ સિગારેટ ધરાવતા પેકેટસ જેના રૂ. ૩૦૦ હતા તે અત્યારે રૂ. ૫૦૦થી ૭૦૮૦માં વેચાઇ રહ્યાં છે. ૧૦ સિગારેટ વાળા પેકેટ્સ રૂ. ૧૫૦ને બદલે રૂ. ૨૫૦થી ૩૦૦માં વેચાય છે.

(1:14 pm IST)