Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

કાલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થશે : ૪ એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે

ઉમેદવારીપત્ર ખેંચવાની અંતિમ તારીખ ૮મી એપ્રિલ

અમદાવાદ તા. ૨૭ : આવતીકાલે ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ઘ થશે. આ જાહેરનામું પ્રસિદ્વ થતાંની સાથે જ ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રીગણેશ થઇ જશે. ચોથી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. જેની ૫મી એપ્રિલના રોજ ચકાસણી થશે. તેમજ ૮મી એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્ર ખેંચી શકાશે. રાજયભરમાં ૨૩મી એપ્રિલના રોજ એકસાથે મતદાન થશે. તેથી ગુરુવારે એકસાથે આખા રાજયમાં ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ઘ થશે.

રાજયના કેટલીક સીટ પરથી ભાજપ-કોંગ્રેસ કયાા ઉમેદવારો ચૂંટણી લડશે તેનું સસ્પેન્સ હજુ પણ યથાવત છે. કેટલીક બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત હજુ સુધી કરાઇ નથી. એકાદ-બે દિવસમાં ઉમેદવારના નામની જાહેરાત થશે તેવી સંભાવના છે. ત્યારે ૨૮મીને ગુરૂવારે રાજયભરમાં જાહેરનામું પ્રસિદ્ઘ થશે. આ સાથે જ ઉમેદવારો ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભરી શકશે. ૨૮મી માર્ચથી ચોથી એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર ભરી શકાશે. ત્યારબાદ ૮મી એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર પરત ખેંચી શકાશે. ૮મી બાદ ઉમેદવારોએ પોતાની સામે નોંધાયેલા પોલીસકેસની માહિતી જાણીતા અખબાર અને ન્યૂઝ ચેનલમાં આપવાની રહેશે.

ગુરૂવારે જાહેરનામું પ્રસિદ્ઘ થશે એટલે સ્ટેટેસ્ટિક ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાશે. રોકડની હેરફેર કરનારાઓ પર આ ટીમ વોચ રાખશે. જેને પગલે ૫૦ હજારથી વધુના રોકડ સાથે કોઈ વ્યકિત પકડાશે તો તેણે બિલ કે કોઈ અન્ય પ્રકારના પુરાવા રજૂ કરવા પડશે. તેમજ ૧૦ લાખથી વધુની રોકડ સાથે પકડાશે તો ઈન્કમટેકસ ડિપાર્ટમેન્ટને જાણ કરાશે. આ સાથે જ ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થશે.

લોકસભા માટે ઉમેદવારીપત્ર ૨૮મીથી મળશે. દરમિયાન દાવેદારો મુખ્ય ચૂંટણી અધિકારી, સિટીપ્રાંત તથા ચૂંટણીશાખામાંથી ચૂંટણીના ફોર્મ મેળવી શકશે. તેમજ ફોર્મમાં જરૂરી વિગત તથા ડોકયુમેન્ટ એટેચ કરીને પરત ભરી પણ શકશે.

(10:23 am IST)