Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

આગામી લોકસભાની ચૂંટણી એ આરપારની લડાઇ અને ધર્મયુધ્ધ છે દેશભક્તો અને દેશદ્રોહીઓને પારખવાનો અવસર હવે પાકી ગયો છે

હિંમતનગરમાં ભાજપાના વિશાળ ‘‘વિજય સંકલ્પ સંમેલન’’માં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો

 

હિંમતનગરમાં ભાજપના વિજય સંકલ્પ સંમેલનને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે દેશ કોના હાથમાં સલામત છે એ આપણે સૌ જાણીએ છીએ: દેશને લૂંટવા ચોરોએ ભેગા થઇ મહાગઠબંધનની રચના કરી છે

  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે પ્રધાનમંત્રીએ આપેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાંથી કચરો સાફ થઇ રહ્યો છે, તે જ રીતે દેશદ્રોહીઓનો સફાયો કરી દેશમાંથી આતંકવાદ, ભ્રષ્ટાચાર અને ગરીબી નાબૂદ કરીએ 

-  હિંમતનગરમાં આયોજીત ભાજપાના વિશાળ ‘‘વિજય સંકલ્પ સંમેલન’’માં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રચંડ વિજયનો વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતુ કે, આગામી લોકસભાની ચૂંટણીઓ એ આરપારની લડાઇ છે, એક ધર્મયુધ્ધ છે. દેશ કોના હાથમાં સલામત છે એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. આપણે તો દેશભક્તિના રંગમાં રંગાયેલા લોકો છીએ એટલે દેશભક્તો અને દેશદ્રોહીઓને પારખવાનો અવસર હવે પાકી ગયો છે ત્યારે ફરીથી ‘અબકી બાર મોદી સરકાર’નો સંકલ્પને સાકાર કરવા સૌએ સંકલ્પબદ્ધ બનવું પડશે.

    છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતના પનોતાપુત્ર અને  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સુશાસન થકી વિશ્વમાં દરેક ભારતીયનું માથુ ગૌરવ સાથે ઉંચું છે ત્યારે શ્રી નરેન્દ્રભાઇ મોદીને હટાવવા માટે અને દેશને લુંટવા ચોરો ભેગા થયા છે અને મહાગઠબંધન રચીને દેશને ફરીથી ભ્રષ્ટાચારના ખપ્પરમાં હોમી દેવા સક્રિયા બન્યા છે ત્યારે, પ્રધાનમંત્રીશ્રીએ આપેલા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાંથી કચરો સાફ થઇ રહ્યો છે, તે જ રીતે દેશદ્રોહીઓનો સફાયો કરી દેશમાંથી આતંકવાદ, ભ્રષ્ટાચાર અને ગરીબી નાબૂદ કરીએ. આ આરપારની લડાઇમાં એક ઘા એ કચરા સાથે દેશદ્રોહીઓને પણ હટાવી દઇશું તો જ ભારતમાતા વિશ્વગુરૂ બનશે. 

     શ્રી રૂપાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે છેલ્લા ૫૦ વર્ષથી દેશમાં રાજ કર્યું અને માત્ર ને માત્ર પરિવારવાદ જ ચલાવ્યો છે. ગાંધી પરિવાર સિવાય કોઇ અન્ય વ્યક્તિ વડાપ્રધાન બને તે ગમતું નહોતું. ચા વેચવાવાળો સામાન્ય માનવી વડાપ્રધાન બન્યો એ કોંગ્રેસને આંખમાં કણાની જેમ ખૂંચે છે. કોંગ્રેસે છેલ્લા ઘણા વર્ષોમાં અનેક કૌભાંડો કર્યા જેમાં મીડાં ગણવામાં પણ તકલીફ પડે એટલી રકમો થકી હવા, પાતાળ, જમીન તમામ ક્ષેત્રોમાંથી આ જાદુગરોએ દેશને લુંટ્યો છે ત્યારે હવે સમય પાકી ગયો છે. ભારતીય જનતા પાર્ટીનું સુત્ર છે કે, ‘‘અયોધ્યામેં રામ, યુવાનો કો કામ, કિસાનો કો સહી દામ, હટાદો ભ્રષ્ટાચારી બદનામ’’ સુત્રને સાર્થક કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ બનીને ગજરાતના છવ્વીસે છવ્વીસ કમળ ખીલાવીને દિલ્હી મોકલીને પુન: નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન બનાવી સત્તાના સુત્રો સોંપીએ એ જ આપણી ફરજ છે. 

    શ્રી રૂપાણી જણાવ્યુ હતુ કે, દેશ જ્યારે નિરાશામાં ડૂબી ગયો હતો, ત્યારે વર્ષ ૨૦૧૪માં નરેન્દ્રભાઇ મોદીએ આશા જગાવીને ‘અબકી બાર મોદી સરકાર’ સુત્ર થકી સત્તા સંભાળીને દેશહિત માટે, ગરીબ, વંચિત, શોષિત અને દલિત માટેની અનેકવિધ યોજનાઓ બનાવીને લાભો પૂરા પાડ્યા છે. તેમણે ઉમેર્યું હતુ કે, નામુમકિનને મુમકિન કરવું એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખાસીયત રહી છે એટલે જ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું હતું કે, હું પ્રધાનમંત્રી નહીં પણ પ્રધાનસેવક છું અને સાચા અર્થમાં દેશની જનતાની સેવા કરી છે અને કરતા રહ્યા છે. કોંગ્રેસે તો જૂઠ્ઠા વચનો આપ્યા એની સામે છેલ્લા પાંચ વર્ષમાં અનેક નક્કર સમસ્યાઓ આવી છે

   .‘આયુષમાન ભારત યોજના’ થકી વાર્ષિક રૂપિયા પાંચ લાખ સુધી ગરીબોને મફત સારવાર, પ્રધાનમત્રી આવાસ યોજના હેઠળ ઘર, ઉજ્વલા યોજના હેઠળ ગરીબ મહિલા-માતાઓને ગેસના ચૂલા, ઉજાલા યોજનામાં એલ.ઇ.ડી લાઇટ તથા ખેડૂતોને વાર્ષિક રૂપિયા છ હજાર લેખે સહાય સીધે સીધી તેમના ખાતામાં પણ ભાજપ સરકારે જ જમા કરાવી છે. આગામી ૧૦ વર્ષમાં રૂપિયા ૭૨ હજાર કરોડ ખેડૂતોને અપાશે એટલે કોંગ્રેસ ખેડૂતોને ખોટા વાયદાઓ આપી છેતરવાનું બંધ કરે. ખેડૂતોને વીજળી, પાણી તથા સમયસર ટેકાના ભાવે પાકની ખરીદી પણ કરી છે. ગુજરાતમાં પણ રૂપિયા ૭ હજાર કરોડથી વધુ ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવો આપ્યા છે.

   શ્રી રૂપાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, તાજેતરમાં પુલવામામાં થયેલા આતંકી હુમલામા દેશના શહિદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપતાં શ્રી નરેન્દ્રભાઇએ કહ્યું હતું કે, જે આક્રોશ શહિદના પરિવારના હ્રદયમાં તથા દેશની જનતાના હ્રદયમાં છે તે જ આક્રોશ મારા હ્રદયમાં છે, ત્યારે એરસ્ટ્રાઇકથી બદલો લઇ આતંકવાદીઓનો સફાયો કર્યો ત્યારે કોંગ્રેસ બેબાકળી બની ગઇ છે અને પુરાવાઓ માગવા નીકળી છે, કોંગ્રેસ પાકિસ્તાનની ભાષા બોલવા લાગી છે. આતંકવાદને સમર્થ આપવા નીકળેલા લોકો કાન ખોલીને સાંભળી લે કે, અમે તો કફન પહેરીને ફરનારા લોકો છીએ. આતંકવાદને નેસ્તનાબૂદ કરવો એ અમારી પ્રતિબદ્ધતા છે અને રહેશે. અયોધ્યામાં રામ મંદિર પણ અમે જ બનાવીશુ અને કાશ્મીરમાં ૩૭૦ની કલમ પણ અમે જ હટવશું. તે માટે દ્રઢ રાજક્ય ઇચ્છાશક્તિ જોઇએ. તે ભાજપાના પ્રત્યેક કાર્યકરોમાં છે જ, એટલે કોંગ્રેસે અમને સલાહ આપવાની સહેજ પણ જરૂર નથી. 

         શ્રી રૂપાણીએ અંતમાં જણાવ્યુ હતુ કે, આવનારા સમયમાં મતબેન્કની રાજનીતિ દૂર કરીને ‘‘સૌનો સાથ સૌનો વિકાસ’’ મંત્રને ચરિતાર્થ કરી ભારત માતાને જગત જનની બનાવવા માટે આપણે સૌએ સહીયારો પ્રયાસ કરવો પડશે. તેમણે કાર્યકર્તાઓને મેરા બુથ સબસે મજબૂત મંત્રને સાર્થક કરીને ખભે ખભા મીલાવીને કામે લાગી જવા અપીલ કરી હતી

 

(10:24 pm IST)