Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

લૂંટ પ્રકરણ સદર્ભે પોલીસે બે આરોપીના જાહેર કરેલ સ્કેચ

૬૫ લાખના સોનાની લૂંટ મુદ્દે પોલીસ હરકતમાં : બે લૂંટારાઓએ વેપારીનું એકટીવા રોકી ૬૫ લાખનું સોનું લૂંટી લીધું હતું : પોલીસને હજુય મહત્વની કડી મળી નહી

અમદાવાદ, તા.૨૩ : અમદાવાદ શહેરના અંજલિ બ્રીજ પર તાજેતરમાં મુંબઈના વેપારી પાસેથી રૂ.૬૫ લાખના સોનાની લૂંટ મામલે પોલીસે આજે બે આરોપીઓના સ્કેચ જાહેર કર્યા છે. બસમાં મુંબઈથી આવેલા વેપારીને પોલીસકર્મીઓએ નારોલ શાસ્ત્રીબ્રીજ પોલીસ ચોકીમાં લઇ જઈ રૂ.૨૫ હજાર રૂપિયાનો તોડ કર્યો હતો. વેપારી એકટીવા પર અંજલિ બ્રીજ પરથી જતા હતા ત્યારે બે શખ્સ ચેકીંગના બહાને ૬૫ લાખનું સોનુ લૂંટી શખ્સો ફરાર થઈ ગયા હતા. ખરેખર પોલીસે લૂંટ કરી છે કે પોલીસના નામે લૂંટ કરવામાં આવી છે તેની પોલીસે તપાસ શરૂ કરી છે. હજુ સુધી તો, પોલીસને સમગ્ર પ્રકરણમાં કોઇ મહત્વની કડી હાથ લાગી નથી. અંગેની વિગત એવી છે કે, મુંબઈમાં રહેતા નવીનભાઈ સિંધવી ગુરુવારે સોનું લઈને બસમાં અમદાવાદ આવતા હતા. નારોલ શાસ્ત્રી બ્રીજ પાસે બસ રોકી પોલીસે તપાસ કરી હતી. પોલીસે તપાસ કરતા નવીનભાઈ પાસે મોટા પ્રમાણમાં સોનું મળી આવ્યું હતું.

                  જેના પુરાવા પણ પોલીસને આપ્યા હતા. નવીનભાઈના જણાવ્યા મુજબ, ચેકપોસ્ટ પર હાજર એક કોન્સ્ટેબલ અને ચાર કે પાંચ હોમગાર્ડ જવાનોએ તેમની પાસે લાખ રૂપિયા માંગ્યા હતાં. બાદમાં બે લાખની માંગણી કરી રૂ.૨૫ હજાર રૂપિયા લઈને વેપારીને જવા દીધા હતા. બાદમાં અંજલિ બ્રીજ પર અમદાવાદના વેપારી સાથે ચેકીંના બહાને બે લોકોએ એક્ટિવ રોકી ૬૫ લાખનું સોનું લૂંટી લીધું હતું. જે પોલીસકર્મીઓ પર પૈસા લઇ જવા દીધાનો આક્ષેપ થઈ રહ્યો છે તેની તપાસ પોલીસ કરી રહી છે. લૂંટની દિશામાં તપાસ મામલે બે શકમંદોના સ્કેચ જાહેર કર્યા છે. નારોલ શાસ્ત્રીબ્રીજ પાસેના સીસીટીવી પણ બંધ હોવાથી અને અંજલિ બ્રીજ ઉપર કોઈ સીસીટીવી હોવાથી પોલીસ પણ અંધારામાં ફાંફા મારી રહી છે. પોલીસે સ્કેચ જાહેર કરી પબ્લીકમાં કોઇ કડી કે દિશાનિર્દેશ મળે તેવી આશા લગાવી રહી છે અને સાથે સાથે ઉપરોકત પોલીસ કર્મચારીઓ કે જેઓ વેપારીનો તોડ કરવાના ગુનામાં સંડોવાયેલા છે, તેની પણ તપાસ કરી રહી છે કે જેથી તેઓની પૂછપરછના આધારે કોઇ મહત્વની કડી હાથ લાગે. હાલ તો બનાવને લઇ શહેરના વેપારીઆલમમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

(8:34 pm IST)