Gujarati News

Gujarati News

News of Saturday, 23rd November 2019

મુંબઈ- અમદાવાદના પ્રવાસીઓ માટે આવી રહી છે તેજસ ટ્રેન

સૌથી ઝડપી હોવાની ખાસિયત ધરાવતી આ ટ્રેન ફકત બે સ્ટેશનોએ ઊભી રહેશે

મુંબઈ,તા.૨૩: મુંબઇ- અમદાવાદના રેલવે પ્રવાસીઓ માટે રેલવે દ્વારા એક ખૂબ મોટી રાહત થઈ છે. રેલવેની પર્યટન અને કેટરિંગ શાખા ભારતીય રેલવે ટૂરિઝમ એન્ડ કેટરિંગ કોર્પોરેશન (આઈઆરસીટીસી) આવતા વર્ષે લગભગ જાન્યુઆરીથી મુંબઈ અને અમદાવાદ વચ્ચે તેજસ એકસપ્રેસ શરૂ કરી શકે એવી શકયતા છે. આઈઆરસીટીસીએ દિલ્હી અને લખનઉ વચ્ચે પ્રાઇવેટ ટ્રેન તેજસ એકસપ્રેસ શરૂ કરી દીધી છે અને હવે આગામી વર્ષે મકરસંક્રાન્તિમાં ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના દિને તેજસ એકસપ્રેસ શરૂ કરવાની શકયતા દેખાઈ રહી છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી આ ટ્રેન સુરત અને વડોદરા મળી ફકત બે સ્ટેશનોએ હોલ્ટ કરશે જેથી રેલવે પ્રવાસીઓ ખૂબ ઓછા સમયમાં આ અંતર પૂરૃં કરી શકશે.

ભારતીય રેલવે પ્રાઇવેટ ટ્રેન ચલાવવામાં વધુ રસ દેખાડી રહી હોય એવું દેખાઈ રહ્યું છે. દેશની પહેલી કોર્પોરેટ ટ્રેન લખનઉ-દિલ્હી વચ્ચે તેજસ એકસપ્રેસ શરૂ થઈ છે જેને હાલમાં આઈઆરસીટીસી ચલાવી રહી છે. આગામી વર્ષની શરૂઆતમાં મુંબઈ-અમદાવાદ વચ્ચે દેશની બીજી પ્રાઇવેટ પ્લેયર ટ્રેન ચલાવવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે. મુંબઈ-અમદાવાદ વચ્ચે પ્રાઇવેટ પ્લેયર ઓપરેટેડ માર્ગ રહેશે જેને પહેલાં આઈઆરસીટીસી ચલાવશે અને ત્યાર બાદ પ્રાઇવેટ પ્લેયરોને સોંપવામાં આવશે. આ માર્ગ માટે ઝડપી ગતિએ કામ ચાલી રહ્યું હોવાનું પણ કહેવાય છે. પતંગ મહોત્સવ વખતે મુંબઈ સહિત ઘણાં શહેરથી લોકો અમદાવાદ જાય છે એને ધ્યાનમાં લઈને આ કામ થઈ રહ્યું છે.

ટ્રેનનો સમય શું રહેશે?

આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી બપોરે ૩:૪૦ વાગ્યે ઊપડશે અને ૯:૫૫ વાગ્યે અમદાવાદ પહોંચશેઃ એ જ રીતે આ ટ્રેન અમદાવાદથી સવારે ૬:૧૦ વાગ્યે ઊપડશે અને બપોરે ૧:૧૦ વાગ્યે મુંબઈ સેન્ટ્રલ આવી પહોંચશે. ટ્રેનમાં પ્રવાસીઓને સીસીટીવી કેમેરા, વાઈ-ફાઈ, એલસીડી સ્કીન, કોફી મશીન જેવી સુવિધા મળશે

(3:45 pm IST)