Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજપીપળામા કોરોના વિરોધી રસીમાં ધુપ્પલ ચાલતું હોવાની શંકા : કોરોના વેક્ષીન લીધાં વિના સર્ટિફિકકેટ મળ્યા.!!

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ છબરડાઓને કારણે સતત ચર્ચા મા રહે છે, હાલ થયેલા એક ખુલાસામા એવી હકીકત સામે આવી છે. કે રાજપીપળા માછીવાડ મા રહેતા અને નિવૃત જીવન ગુજારતા વયો વૃદ્ધ દંપતી રતનભાઈ માછી અને તેમની પત્ની ભીખી બેન એ પોતે કોરોના વિરોધી કોઈ પણ જાત ની રસી લીધી ન હોવા છતાં તેમના નામ કોવિશિલ્ડ વેક્સીન નો પ્રથમ ડોઝ ગત તારીખ 26 માર્ચ 2021 ના લીધો હોવાના પ્રમાણપત્ર ઓનલાઈન થઈ ગયા હોવાનું બહાર આવ્યું છે.
આ સમગ્ર ધુપ્પલનો ઘટસ્ફોટ ત્યારે થયો કે જ્યારે તેમના પુત્ર દિનેશભાઈ રતનભાઈ માછી એ પોતે બે વખત કોરોના વેક્સીન લીધા બાદ પોતાનું સર્ટી ડાઉનલોડ કરવા જતાં તેમના માતા-પિતા નું પણ પ્રમાણપત્ર લાભાર્થીઓની સંખ્યા સાથે ડાઉનલોડ થયું હતું જે વાંચી ને તેઓ અચંબો પામી ગયાં હતાં કારણ કે પોતાના માતા પિતા એ રસી લિધીજ નથી એ હકીકત તેઓ પોતે જાણતા હતા.
રાજપીપળા શહેર ના માછીવાડ વિસ્તાર ની અન્ય એક મહિલા ના ઘરે પણ કોરોના વેક્સીન ના ડોઝ લીધાં હોવાના સર્ટીફિકેટ ટપાલ મારફત આવ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું છે, હવે આ બાબતે નર્મદા આરોગ્ય વિભાગ ના અધિકારીઓ ને પૂછતા તેઓ ગલ્લા તલ્લા કરતા જોવા મળ્યાં હતાં અને સંભવત માનવીય ભૂલ થઈ હોવાનું રાગ અલાપવા માંડયા હતાં અને ચેક કરાવી લઈશું જેવા રાબેતા મુજબ ના જવાબ આપ્યા હતાં.
આવાનારા દિવસો મા આવા બોગસ સર્ટી ના કેટલા કિસ્સા બહાર આવે છે એ જોવું રહ્યું, પણ નર્મદા આરોગ્ય વિભાગ ના અધિકારીઓ આ બાબત હજુ ગંભીરતા થી લેતા નથી તેમની વાત પરથી જોવા મળ્યું છે.
 આ બાબતે અમે અધિક નિવાસી કલેકટર વ્યાસ સાહેબ સાથે ચર્ચા કરતા તેમણે આ બાબત તપાસવા હું આરોગ્ય વિભાગને જાણ કરું છું તેમ જણાવ્યું હતું.

(10:33 pm IST)