Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

જનઔષધિ કેન્દ્રના સંચાલકે જીવના જોખમે કોરોનાગ્રસ્ત દવા લેવા આવેલો દર્દી બેભાન થઈ જતા CPR પદ્ઘતિથી પ્રાથમિક સારવાર આપી જીવ બચાવ્યો

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં માનવતા મહેકી ઉઠી : સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ કયારેય ન સાજું થઇ શકતઃ બાલકૃષ્ણ ગજ્જર

વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં માનવતા મહેકી ઉઠી છે. અહીંના જનઔષધિ કેન્દ્રના સંચાલકે જીવના જોખમે કોરોનાગ્રસ્તનો જીવ બચાવ્યો હતો. દવા લેવા આવેલો દર્દી બેભાન થઈ ગયો હતો ત્યારે બેભાન દર્દીને CPR પદ્ઘતિથી પ્રાથમિક સારવાર આપી સંચાલકે જીવ બચાવ્યો છે.

કોરોનાગ્રસ્ત દર્દીનો જીવ બચાવતા સંચાલક પણ કોરોનાગ્રસ્ત થયા હતા એટલું જ નહીં પણ અન્ય બે મેડિકલ કર્મચારીઓ પણ કોરોનાગ્રસ્ત થયા હતા. સંચાલક બે કર્મીઓ સાથે હોમઆઈસોલેશન હેઠળ છે. દવા લેવા આવેલા દર્દીનો ટેસ્ટ કરતા કોરોનાગ્રસ્ત જણાયો હતો.

વડોદરાની દવાની દુકાનમાં ખરીદી કરવા આવેલો ૫૦ વર્ષીય ગ્રાહક ઢળી પડ્યા બાદ વેપારી બાલકૃષ્ણ ગજ્જરે પળભરનો વિલંબ કર્યા વિના સીપીઆર પદ્ઘતિથી પ્રાથમિક સારવાર આપતાં તેનો જીવ બચી ગયો હતો. બાદમાં ગ્રાહકનો કોરોના ટેસ્ટ કરાતાં પોઝિટિવ આવ્યો હતો, જેને પગલે વેપારીએ ટેસ્ટ કરાવતાં તેમને પણ સંક્રમણ લાગી ગયું હતું.

જોકે વેપારીએ કહ્યું હતું કે સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ કયારેય ન સાજું થઇ શકત. ભલે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પણ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.

(3:32 pm IST)