Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પાટણ જિલ્લાના ચાણસ્મામાં ૧૩ દિવસનું સ્વંયભૂઃ લોકડાઉનઃ બપોરે ૧ વાગ્યા પછી બજાર બંધ રહેશે

પાલિકા અને વેપારી સંગઠનોએ લીધો નિર્ણયઃ આવશ્યક સેવા સિવાયની દુકાનો ખુલશે તો રૂ.૧ હજારનો દંડ ફટકારાશે

(જયંતીભાઇ ઠક્કર દ્વારા) પાટણ, તા.૭: જિલ્લાના ચાણસ્મામાં ૧૩ દિવસનું સ્વંયભૂ લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જેના કારણે બપોરે ૧ વાગ્યા બાદ ચાણસ્માની બજારો બંધ રહેશે. આવશ્યક સેવા સિવાયની દુકાનો ખુલશે તો રૂ.૧ હજારનો દંડ ફટકારવાનો નિર્ણય પણ લેવાયો છે. જાણવા મળી રહ્યું છે કે, ચાણાસ્મામાં પાલિકા અને વેપારી સંગઠનોએ મળીને આ નિર્ણય કર્યો છે.

આ વિશે જાણવા મળી રહ્યું છે કે પાટણ શહેર બાદ ચાણસ્માના બજારો ૧૩ દિવસ સ્વયંભૂ બંધ રાખવા નિર્ણય લેવાઈ ગયો છે. કોરોના સંક્રમણની ચેન તોડવા આ નિર્ણય લેવાયો છે. હાલ ચાણસ્મા તાલુકામાં કોરોના વાયરસના નોંધપાત્ર રીતે કેસ વધ્યા છે. ત્યારે આવતી કાલ ૮ એપ્રિલથી ૨૦ એપ્રિલ સુધી બપોરે ૧ વાગ્યા પછી સ્વયંભૂ બજારો બંધ રાખવા નિર્ણય લેવાયો છે. ચાણસ્મા પાલિકા અને તમામ વેપારી એસોસિએશન સંગઠન સમિતિ દ્વારા સર્વાનુમતે નિર્ણય લેવાયો છે. ચાણસ્મા શહેરમાં મેડિકલની જરૂરિયાત સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રહેશે. તેમ છતાં કોઈ ધંધા રોજગાર ચાલુ રાખશે તો એક હજાર દંડની જોગવાઈ પણ કરાઈ છે.

(3:42 pm IST)