Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ગુજરાતમાં વધુ ૧૦,૦૦૦ પોલીસ જવાનોની ભરતી થશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે

અમદાવાદ/વડોદરા, તા.૧૭: રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રવિવારે જણાવ્યું કે રાજય સરકાર આગામી સમયમાં વધુ ૧૦ હજાર પોલીસ જવાનોની ભરતી કરશે. તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે.પ્રદિપસિંહ જાડેજા રવિવારે વડોદરામાં આવેલી પોલીસ ટ્રેનિંગ સ્કૂલના લોકરક્ષક દળના જવાનોની પાસિંગ-આઉટ પરેડની સમીક્ષા માટે પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, પાછલા ૧૦ વર્ષોમાં ગુજરાત સરકારે ૫૦ હજાર પોલીસકર્મીઓની ભરતી કરી છે. પરંતુ ગુજરાતને હજુ વધારે પોલીસકર્મીઓની જરૂર છે.

પ્રદિપસિંહે કહ્યું કે, યોગ્ય કર્મીઓ શામેલ થવાથી રાજયમાં પોલીસની દક્ષતા અને કાર્યપ્રણાલીમાં પાછલા કેટલાક વર્ષોમાં સુધારો થયો છે. તપાસની કાર્યપ્રણાલીમાં સુધારો કરવાના પ્રયાસો પણ હાલમાં ચાલી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ કારણે ગુનાખોરીના તપાસનો દર વધશે. અમારી ટ્રેનિંગ સ્કૂલો આધુનિક હથિયારો અને લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જ છે.

(11:49 am IST)