Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અમદાવાદ સહિત રાજ્યમાં ઇદેમિલાદની ઉજવણી થઈ

મસ્જિદોમાં ઇદની ખાસ નમાઝ અદા કરવામાં આવીઃ શહેરની ૮૦થી વધારે મસ્જિદોમાં અલ્લાહની ઇબાદતના અનોખા દ્રશ્યો : મુસ્લિમ બિરાદરોમાં ઉત્સાહનો માહોલ

અમદાવાદ,તા.૧૬: શુક્રવારે ચાંદ દેખાતા ચાંદ કમીટી દ્વારા શનિવારે ઇદની સત્તાવાર જાહેરાત કરાઇ હતી, જેને પગલે આજે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઇદની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરની ૮૦થી વધુ મસ્જિદોમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઇદ-ઉલ-ફિત્ર નિમિતે ઇદની ખાસ નમાઝ પઢવામાં આવી હતી. ઇદની નમાઝ પઢયા બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ભેટીને ઇદમુબારક કહી તહેવારની શુભેચ્છા પાઠવી હતી. મસ્જિદોમાં ઇદના તહેવારને લઇ સમાજમાં શાંતિ, સદ્ભાવ અને પરસ્પર ભાઇચારાની ભાવના વધુ મજબૂત બને અને સૌના જીવનમાં સુખ, સમૃધ્ધિ અને શાંતિની વૃધ્ધિ થાય તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોએ પણ રાજયના મુસ્લિમ સમાજને ઇદ-ઉલ-ફિત્રની શુભકામનાઓ પાઠવી હતી. રમઝાન મહિનો પૂરો થયા બાદ ઇદની ઉજવણી કરવામાં આવતી હોય છે. ગઇકાલે  ચાંદ દેખાયા બાદ શનિવારે ઇદની ઉજવણી અંગેની જાહેરાત કરાઇ હતી. જેના અનુસંધાનમાં મુુસ્લિમ બિરાદરોમાં ગઇકાલ રાતથી જ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળતો હતો અને બજારોમાં ભારે ભીડ જોવા મળતી હતી. આજે વહેલી સવારથી મુસ્લિમ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદર ભાઇઓ-બહેનો અને બાળકો તૈયાર થઇ એકબીજાને ઇદના તહેવારની શુભેચ્છાઓ પાઠવી હતી. તો, શીર ખુરમા ખવડાવી એકબીજાને સંબંધોની મીઠાશ જીવનમાં બરકરાર રાખવાની અનોખી રીતરસમ પણ અદા કરી હતી. બીજીબાજુ, શહેરની ૮૦થી વધુ મસ્જિદોમાં ઇદની ખાસ નમાઝ અદા કરવામાં આવી હતી. તો, શહેરની જામા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરો ખૂબ મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ઇદની નમાઝ પઢી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.  ઈદ-ઉલ-ફિત્રના પ્રસંગે શુક્રવારે દેશભરના મુખ્યબજારોમાં રોનક અને ખરીદી કરનારાઓની ચહલપહલ જોવા મળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રમજાન મહિનાની ૨૭મી રાત્રિને કુરાનનું નુઝુલ એટલે કે અવતરણ થયું હતું. હિજરી કેલેન્ડર અનુસાર ઈદ વર્ષમાં બે વખત આવે છે એક ઈદને ઈદ-ઉલ-ફિત્ર અને બીજી ઈદને ઈદ-ઉલ-જુહા કહેવાય છે. આજે ઉત્સાહ અને ઉમંગ સાથે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. ઈદ-ઉલ-ફિત્રને માત્ર ઈદ કે મીઠી ઈદ પણ કહેવામાં આવે છે.

(10:15 pm IST)