Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

મહિલા દર્દી સાથે કામલીલા કરનાર તબીબ અંતે ઝડપાયો

મહિલા દર્દીઓ સાથે કામલીલાની મોજ માણતો : અનેક મહિલા સાથે સારવારના બહાને દુષ્કર્મ આચરવાનો આક્ષેપ ધરાવનાર તબીબ હાલમાં ફરાર હતો : ઉંડી તપાસ

અમદાવાદ,તા.૧૬ : વડોદરાના અનગઢ ગામમાં સેક્સ મેનિયાક ડોકટર પ્રતીક જોષી દ્વારા અનેક મહિલાઓ સાથે સારવારના બહાને દુષ્કર્મ આચરવાના કેસમાં છેલ્લા કેટલાય દિવસોથી નાસતા ફરતા લંપટ ડોકટર પ્રતીક જોષીને પોલીસે આખરે ઝડપી લીધો છે. આરોપી ડોકટર ઝડપાતાં જ ગામલોકોના ટોળેટોળા પોલીસમથકે ઉમટયા હતા. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ડોકટરે મહિલા દર્દીઓ સાથે પોતાની કામલીલાના કરતૂતોની કબૂલાત કરી હતી પરંતુ સાથે સાથે તેના કમ્પાઉન્ડર દિલીપ ગોહિલ અને ગામના ઉપસરપંચ દ્વારા તેને અવારનવાર બ્લેકમેઇલ કરી તેનો મોટો તોડ કરાતો હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ કર્યો હતો. જેને પગલે પોલીસે હવે આ સમગ્ર પ્રકરણમાં આગળની તપાસ કાર્યવાહી શરૃ કરી છે. ડોકટર દ્વારા તેને ફસાવવામાં આવ્યો હોવાનો લૂલો બચાવ પણ પોલીસ સમક્ષ રજૂ કરાયો હતો પરંતુ પોલીસ હવે તેની પૂછપરછના આધારે સમગ્ર પ્રકરણમાં મૂળ સુધી પહોંચવા માંગે છે. થોડા દિવસ પહેલાં જ નંદેસરી પોલીસે આરોપી કમ્પાઉન્ડર દિલીપ ગોહિલની ધરપકડ કર્યા બાદ હાથ ધરેલી પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં આરોપી કમ્પાઉન્ડરે સેક્સ મેનિયાક ડોકટરના ૧૩૫ જેટલા વીડિયો ઉતાર્યા હતા, જેમાંથી કેટલાક તેણે ડિલીટ પણ કર્યા હતા અને કેટલાક વીડિયો તેણે તેના મિત્રવર્તુળમાં પણ મોકલ્યા હતા. પોલીસે આ સિવાય એક પેન ડ્રાઇવમાંથી પણ ૨૫ જેટલા અન્ય વીડિયો જપ્ત કર્યા હતા. તો પોલીસની તપાસમાં, દુષ્કર્મ બાદ વીડિયો ઉતારવાના કેસમાં ગામના જ કેટલાક લોકો કામલીલાનો વીડિયો બતાવી ડૉક્ટર પ્રતિક જોષીને બ્લેકમેઇલ કરતા હોવાનું પણ બહાર આવ્યુ હતું. જેમાં અનગઢ ગામના ઉપ સરપંચની પણ તેમાં ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. પોલીસની તપાસ દરમ્યાન ડો.પ્રતીક જોષીના ક્લિનિકમાંથી નશીલા ઇન્જેક્શન અને ગર્ભ નિરોધક દવાઓ મળી આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી.  જો કે, આ ચકચારીકાંડ બાદ ડોકટર ભૂગર્ભમાં ઉતરી ગયો હોઇ પોલીસને તેને પકડવા માટે બે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ આગળ ધપાવ્યો હતો. ગામના ઉપસરપંચે ડોકટરનો રૃ.પાંચ લાખનો તોડ કર્યો હોવાનો ખુલાસો પણ કમ્પાઉન્ડર દિલીપ ગોહિલે પોલીસ સમક્ષ કર્યો હતો. પોલીસે ચકચારભર્યા એવા આ કેસમાં વધુ ધરપકડો કરવાની દિશામાં તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરના ગોત્રી રોડ ઉપર આવેલી ક્રિષ્ણા ટાઉનશીપમાં રહેતો બી.એચ.એમ.એસ. ડો. પ્રતિક જોષી વડોદરા નજીક આવેલા અનગઢ ગામમાં પ્રેક્ટિસ કરતો હતો. આ ડૉક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવતો હતો અને બાદમાં તેઓ સાથે પોતાના ક્લિનિકમાં જ સેક્સલીલા માણતો હતો. આ ડૉક્ટરે અનગઢ ગામની ૪૦ જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાની વાત બહાર આવી હતી. જેમાંથી ૭થી વધુ મહિલા દર્દીઓ સાથેના ૨૫ વીડિયો વાયરલ થયા હતા. જો કે, પોલીસ તપાસમાં ડોકટરના દુષ્કર્મનો ભોગ બનેલી મહિલાઓનો આંક તેનાથી પણ ઉપર જાય તેવી સંભાવના છે. પોલીસે કેસની સંવેદનશીલતા ધ્યાને લઇ હવે સેક્સ મેનીયાક ડોકટરની પૂછપરછ હાથ ધરી ઝીણવટભરી તપાસ આદરી છે.

 

(8:11 pm IST)