Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા છે

પ્રિ-મોન્સુન એક્શન પ્લાનને લઈને ઘણા પડકાર : અમ્યુકો તંત્ર દ્વારા બધી તૈયારીઓ અને સફાઇ કરી દેવાઇ હોવાના દાવા કરાયા છતાંય ચોમાસામાં ખબર પડી જશે

અમદાવાદ,તા.૧૬ :શહેરમાં દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાય નહી અને નાગરિકો મુશ્કેલીમાં મુકાય નહીં તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રિ-મોન્સૂન એકશન પ્લાન બનાવાય છે. પ્રિ-મોન્સૂન એકશન પ્લાનની પાછળ અંદાજે રૂ.૧૦ કરોડથી વધુનું આંધણ કરાય છે. પરંતુ તેમછતાં કેચપીટ અને મેનહોલની સફાઇ મહદંશે 'ઓનલાઇન' કરાતી હોઇ દર વર્ષે વરસાદી પાણીમાં આ પ્લાન ધોવાઇ જાય છે. આ વખતે શહેરના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન સહિતના નવા શાસકો સમક્ષ પ્રિ-મોન્સૂન એકશન પ્લાનને સફળ બનાવવાનો બહુ પડકાર સામે આવીને ઊભો છે. તાજેતરમાં જ પાલડી વોર્ડના બિજલબહેન પટેલ શહેરના નવા મેયરપદે આરુઢ થયા હતા કે જેમના વોર્ડમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા દર વર્ષે જોવા મળતી હોય છે. તો, તેમની સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે અમૂલ ભટ્ટે ફરજ સંભાળી લીધી છે. શહેરના આ નવા શાસકો આગામી ઓકટોબર ર૦ર૦ સુધી સત્તાના સૂત્રો સંભાળશે. નવા શાસકો સમક્ષ શહેરીજનોને કનડતી ભંગાર રોડની સમસ્યા, ગંદકી જેવી અન્ય સમસ્યાઓના નિરાકરણની સાથે સાથે પ્રિ-મોન્સૂન એકશન પ્લાનને ખરા અર્થમાં સફળ બનાવવાની કપરી જવાબદારી પણ છે. ગત ૧૬ મેએ અગાઉના મેયર ગૌતમ શાહે પ્રિ-મોન્સૂન એકશન પ્લાનની ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. શહેરમાં કુલ ૪ર,પ૧૧ કેચપીટ અને ૧,૪૩,૯ર૧ મેનહોલ હોઇ તેની સફાઇનો બીજો રાઉન્ડ પૂર્ણ કરાયો છે. તંત્ર દ્વારા વરસાદી પાણીના તત્કાળ નિકાલ માટે નવા ૬પ૮૦ કેચપીટ બનાવાયા હોઇ બંને રાઉન્ડ મળીને કુલ પ૭,૦૦૦થી વધુ કેચપીટની સફાઇ કરાઇ હોવાનો તંત્રનો દાવો છે. બીજી તરફ નવી સ્ટોર્મ વોટર લાઇન નાખવાના કામમાં વિલંબ થઇ રહ્યો છે. જો કે, અમ્યુકો સૂત્રોના મતે, ખુુદ નવનિયુકત મેયર બિજલબહેન પટેલના પાલડી વોર્ડના ધરણીધર ચાર રસ્તા, વિકાસ ગૃહ, અશોકનગર, ઓપેરા સોસાયટી જેવા વિસ્તાર વર્ષોથી વરસાદી પાણીથી જળબંબાકાર થતા હોવા છતાં તંત્ર દ્વારા સ્ટોર્મ વોટર લાઇન નાખવામાં ઢીલ કરાઇ છે. જેના કારણે આ ચોમાસામાં પણ રાબેતા મુજબ સમગ્ર વિસ્તારમાં વરસાદી પાણી હાહાકાર મચાવશે અને લોકોના ઘર-ઓફિસમાં વરસાદી પાણી ઘુસી જશે. પાલડી વોર્ડ સહિત પશ્ચિમ ઝોનમાં અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઇ જતાં હોઇ અમ્યુકો સત્તાવાળાઓમાં અત્યારથી આંતરિક ચિંતાના વાદળો ઘેરાયા છે. જો કે, તંત્ર દ્વારા બધી તૈયારીઓ કરી રખાઇ હોવાના દાવા થઇ રહ્યા છે, પરંતુ ચોમાસાના ભારેથી અતિભારે વરસાદમાં અમ્યુકોના દાવાનું સત્ય સામે આવી જશે.

(7:16 pm IST)