Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

અમદાવાદના ગોતા બ્રિજ નજીક ટ્રેલર ગેરેજમાં ઘુસી જતા નિંદ્રાધીન ગાર્ડનું મોત :ત્રણ દુકાનોને નુકશાન

અમદાવાદ: શહેરના ગોતા બ્રિજ નજીક ઝીણી કપચી ભરેલા ટ્રેલર વોશિંગના ગેરેજમાં ઘુસી જતા બહાર સૂતેલા સિકયોરિટી ગાર્ડનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અકસ્માતથી ટ્રેલરએ આસપાસની ત્રણ દુકાનોને નુકસાન કરી ૩૦થી ૪૦ ફૂટ જેટલું અંદર ઘૂસી ગયું હતું. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઇ ગયો હતો.

  એ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. આ અંગેની વિગત મુજબ એસજી હાઇવે પર ગોતા બ્રિજ નજીક પેટ્રોલ પંપની સામે સ્ટાર ઇકોગ્રીન એનર્જી સોલ્યુશન નામનું કાર વોશિંગનું ગેરેજ આવેલું છે. ગેરેજની બાજુમાં સ્ટાર કેફે અને ન્યૂ એગવર્લ્ડ નામની ફાસ્ટફૂડની દુકાન આવેલી છે.

 ગેરેજમાં ઓમપ્રકાશ બબ્બનભાઇ પાંડે (ઉં.વ.૪૮, રહે.ગોતા હાઉસિંગ બોર્ડ, ગોતા) સિકયોરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. ગઇ કાલે રાત્રે તેઓ ગેરેજની બહાર ખાટલામાં સૂતા હતા. દરમિયાનમાં વહેલી સવારે ગાંધીનગર તરફથી ગોતા બ્રિજ ઉતરી ઝીણી કપચી ભરેલું અેક ટ્રેલર બેફામ ગતિએ ગેરેજ તરફ આવ્યું હતું અને બહાર સૂતેલા ઓમપ્રકાશને ટક્કર મારી દરવાજો તોડી બાજુમાં આવેલી એગવર્લ્ડની દુકાનમાં ઘૂસી ગયું હતું.

  આ અકસ્માતમાં ઓમપ્રકાશને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રેલર બે દુકાનો તોડી સામે આવેલી દીવાલને અથડાયું હતું.

(1:31 pm IST)