Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સુરતમાં ભારે વરસાદથી અનેક વિસ્તાર જળબંબોળ :બામરોલી સહીત અનેક ખાડીઓ ઓવરફ્લો : 163 લોકોને રેસ્ક્યુ કરાયા

વધુ 4 ઇંચ વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી-પાણી

સુરતઃ રાજ્યમાં છેલ્લાં ત્રણ-ચાર દિવસથી સતત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં 6 કલાકમાં 172 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લામાં પડ્યો છે. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા ચારે બાજુ પાણી-પાણી થઇ ગયું છે. ભારે વરસાદથી સુરત બમરોલી ખાડી ઓવરફ્લો થઇ ગઇ છે. આઝાદનગરમાં પણ પાણી ભરાઇ ગયા છે. હાલમાં ઉકાઈ ડેમની સપાટી પણ 331.99 ફૂટે પહોંચી ગઇ છે. ડેમમાં પણ પાણીની આવક 1,88,162 ક્યૂસેક મીટર થઇ ગઇ છે.

ભારે વરસાદને કારણે ડેમમાંથી હાલમાં 600 ક્યુસેક મીટર પાણી છોડવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાંથી તબક્કા વાર 1 લાખ ક્યુસેક પાણી છોડાશે. રાંદેર-કતારગામને જોડતો કોઝ-વે કમ વિયર ઓવરફ્લો થઇ ગયો છે. કોઝ-વેનું લેવલ પણ સવારનાં 10 વાગ્યે 7.54 મીટર થઇ ગયું હતું.

શહેરમાંથી પસાર થતી મીઠી ખાડી ઓવરફ્લો થતા આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. પર્વત પાટીયા અને લિંબાયતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી વહી રહ્યું છે. જ્યારે બમરોલી વિસ્તારમાં પણ ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે. આ સાથે સણીયા હેમદ વિસ્તારમાં કમર સુધીના પાણી ભરાયા છે. ફાયર વિભાગને સણીયા હેમદ વિસ્તારમાં આવેલા મંદિરમાં કેટલાક લોકો ફસાયા હોવાની જાણ થતા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પર્વત પાટીયાની માધવ બાગ સોસાયટીમાંથી 15 લોકો રેસ્ક્યુ કરાયું હતું, ત્યાં જ સણીયા હેમદ માંથી 9, ગાયત્રી નગર માંથી 4, કમરું નગર ખાતેથી 5 અને કાંગરુ સર્કલ પાસેના પોલારીશ માર્કેટ પાસેથી 75 લોકોનું રેસ્ક્યુ કરાયું હતું.

શહેરનાં નીચાણવાળાં વિસ્તારોમાં પાણી ભરાતા જે-જે વિસ્તારોમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે તેવાં આઠ વિસ્તારોનો સમાવેશ થાય છે. સુરત મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા નીચે મુજબનાં વિસ્તારોમાંથી લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યાં. જેમાં કુલ 163 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે. જે નીચે મુજબ છે.

પર્વત પાટીયા, માધવ બાગ – 15
સણીયા હેમદ – 9
ગાયત્રી નગર, ચોર્યાસી ડેરી – 9
કમરૂ નગર, મીઠી ખાડી – 15 લોકો
કાંગારૂ સર્કલ પાસે પોલારીશ માર્કેટ – 75 લોકો
ગણેશનગર – 10
હરીઓમ ઇન્ડસ્ટ્રીઝ – 20
પાદર ફળિયું, કુંભારીયા – 10 લોકોનાં રેસ્ક્યુ કરવામાં આવ્યાં છે.

શહેરમાં સૌથી વધુ વરસાદ સેન્ટ્રલ ઝોનમાં 44 મીમી પડ્યો છે. જ્યારે શહેરનાં રાંદેર, જહાંગીરપુરા, અડાજણ, પાલ, અઠવાલાઇન્સ, ઉધના, રીંગ રોડ અને વરાછામાં સારો એવો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ પડતાં નદીઓ ગાંડીતૂર બની ગઇ છે. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ વધારે પાણી ભરાઇ ગયા છે. જ્યારે ભારે વરસાદના પગલે ઘરોમાં પાણી ભરાયાં છે.

(5:41 pm IST)