Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

કરજણ ડેમ ઓવરફ્લો : બે દરવાજા ખોલાયા : નીચાળવાળા વિસ્તારોને એલર્ટ કરાયા

બે મહિના પહેલા 35 ટકા પાણી હતું : સાગબારા અને ડેડિયાપાડામાં ભારે વરસાદથી નવા નીરની જબરી આવક

નર્મદા :નર્મદા જિલ્લા પણ તેમાં બાકાત નથી. નર્મદા જિલ્લામાં કરજણ ડેમમાં પાણીની આવક સતત વધી છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે હાલ કરજણ ડેમમાં પાણીની આવક 102849 ક્યુસેક જેટલી થઈ છે. તેમજ જળ સપાટી 108.79 મીટર પર પહોંચી ગઈ છે. આજે કરજણ ડેમના બે દરવાજા ખોલી 5000 ક્યુસેકથી 20000 ક્યુસેક જેટલું પાણી કરજણ નદીમાં છોડવામાં આવશે. જેથી કાંઠા વિસ્તારના લોકોને તંત્રએ સાવધ રહેવા સૂચન કર્યું છે

 . કરજણ ડેમના નીચણવાળા વિસ્તારમાં આવતા ગામો રાજપીપળા, ભદામ, ભચરવાડા, હજરપુરા, ધાનપોર, ધમણાછાને સાવધ કરાયા છે. ડેમનું પાણી અહીંથી પસાર થઈ નર્મદા નદીમાં જશે. આ સંજોગોમાં કરજણ ડેમના નીચાણવાળા, કરજણ નદી કિનારા, ઉપરવાસ કે આસપાસના રહેવાસીઓને પૂરના પાણીથી સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે.

નર્મદા જિલ્લામાં બે બંધ આવેલા છે. જેમાં નર્મદા બંધ ગુજરાતની જીવાદોરી છે. તો બીજો બંધ કરજણ બંધ છે, જે ભરૂચ અને નર્મદાના ખેડૂતોની જીવાદોરી સમાન છે. કરજણ ડેમમાં બે મહિના પહેલા 35 ટકા પાણી હતું. પરંતુ આ ચોમાસાની સીઝનમાં ડેમના  ઉપરવાસ એટલે કે સાગબારા અને ડેડીયાપાડામાં સારો કહી શકાય તેવો વરસાદ વરસ્યો છે. જેથી કરજણ ડેમમાં પાણીના નવા નીર આવવાથી હાલ ડેમની સપાટી 108. મીટર પર પહોંચતા ડેમમાં પાણીની આવક દેખાઈ રહી છે. હાલ આ કરજણ ડેમમાં 102849 ક્યુસેક જેટલી પાણીની આવક થઈ છે. ડેમનું રુલ લેવલ 108.69 મીટર છે. 

આ ડેમ એટલા એટલા માટે અગત્યનો છે કે, જ્યારે નર્મદા બંધમાંથી પાણી છોડવામાં નથી આવતું, ત્યારે આ ડેમમાંથી પાણી છોડી નર્મદા નદીને બે કાંઠે વહેતી કરવામાં આવે છે. ત્યારે ગત વર્ષની જેમ જ આ બંધ દ્વારા નર્મદા નદીમાં પણ પાણી છોડી શકાશે અને સિંચાઈ અને પીવાના પાણી માટે પણ આ બંધ ઉપયોગી થઇ પડશે. આજે પાણીના આવકના પગલે કરજણ ડેમના બે જળવિદ્યુત મથકો પણ ચાલુ કરવામાં આવ્યા છે.  

(12:47 pm IST)