Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

બોરસદ તાલુકાના વિરસદ ગામે કોંગો ફીવરના કારણે યુવકનું મોત

આણંદ: જિલ્લાના બોરસદ તાલુકાના વિરસદ ગામે ગઈકાલે એક ૨૦ વર્ષીય યુવકનું શંકાસ્પદ કોંગો ફીવરના કારણે મોત નીપજ્યું હોવાની ઘટનાને લઈ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા પશુપાલન વિભાગની ટીમમાં નાસભાગ મચી જવા પામી હતી. વિરસદ ગામે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે વિરસદ ગામે અન્ય કોઈ શંકાસ્પદ કોંગો ફીવરના દર્દીઓ મળ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.પશુઓમાંથી માણસમાં સંક્રમણ કરતી ક્રીમીયન કોંગો ફીવરનો કેસ બોરસદ તાલુકાના વિરસદ પંથકમાં દેખા દેતા આરોગ્ય વિભાગ તથા વેટરનરી વિભાગમાં હડકંપ મચી જવા પામ્યો હતો. બોરસદ તાલુકાના વિરસદ ગામે રહેતા એક ૨૦ વર્ષીય યુવકને છેલ્લા કેટલાક દિવસથી સતત તાવ અને માથાના દુ:ખાવો રહેતા સ્થાનિક સ્તરે પ્રાથમિક સારવાર મેળવ્યા બાદ તેને વધુ સારવાર અર્થે કરમસદ ખાતેની શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તબીબી પરીક્ષણમાં શંકાસ્પદ ક્રીમીયન કોંગો ફીવર હોવાનું જણાતા સારવાર શરૂ કરાઈ હતીજો કે મંગળવારના રોજ યુવકનું મૃત્યુ નીપજતાં આરોગ્ય વિભાગ તથા પશુપાલન વિભાગની ટીમો હરકતમાં આવી હતી. વિરસદ ગામમાં આરોગ્ય વિભાગની ટીમે તુરંત સર્વેની કામગીરી કરી વિવિધ પરિવારોની તપાસ હાથ ધરાઈ હતી. વિરસદ ગામના વિવિધ વિસ્તારોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જો કે હજી સુધી અન્ય કોઈ શંકાસ્પદ કોંગો ફીવરના દર્દીઓ મળ્યા હોવાના અહેવાલ સાંપડયા છે. જિલ્લા પશુપાલન વિભાગના તબીબ ર્ડા.સ્નેહલ પટેલના જણાવ્યા મુજબ ગઈકાલે શંકાસ્પદ કોંગો ફીવરનો કેસ પ્રકાશમાં આવ્યા બાદ વિરસદ ગામ તેમજ આસપાસના વિસ્તારના બધા પશુઓને ઈતરડી નાશક ઈંજેક્શનો મુકવામાં આવ્યા છે. લગભગ ૧૪૦૦ જેટલા પશુઓને ઈતરડી નાશક ઈંજેક્શનો મુકી આજરોજ ગામમાં કેમ્પ યોજી ગ્રામજનોને કોંગો ફીવર અંગે જાગૃત કરવામાં આવ્યા હોવા ઉપરાંત પશુઓના બ્લડ સેમ્પલ લઈ લેબમાં ટેસ્ટીંગ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

(5:19 pm IST)