Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ઉંઝામાં ૫૧ શકિતપીઠોની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓના દર્શન થશે

ઉંઝાના આંગણે ૧૮મી ડિસેમ્બરથી હિન્દુ સંસ્કૃતિનો દિવ્ય અને શ્રેષ્ઠ યજ્ઞ : ભૂદેવો દ્વારા દુર્ગા સપ્તશતીના ૭૦૦ શ્લોકથી એક લાખ ચંડીપાઠનું પઠન : ૧૦ હજાર પાઠની શાસ્ત્રોકત વિધિથી ૧૦૮ યજ્ઞકુંડમાં દ્રવ્યો અને ઔષધીઓની વૈદિક મંત્રોચ્ચાર દ્વારા આહુતિ અપાશે : જગદ્દગુરૂ શંકરાચાર્ય સહિત દેશભરમાંથી સંતો - મહંતો આર્શીવચન પાઠવશે : ઉમિયા માતાજીની શોભાયાત્રા માટે ૫૧૦૦ કુંડા જવેરા ઉગાડાયા

ઉમિયા માતાજી સંસ્થાન-ઉંઝા દ્વારા આગામી તા. ૧૮ થી રર ડિસેમ્બર, ૨૦૧૯ દરમિયાન ઉંઝા ખાતે ૮૦૦ વિઘા જમીનમાં ૧૮મી શતાબ્દિ બાદ પ્રથમવાર યોજાનારા હિન્દુ સંસ્કૃતિના અતિ મહત્વના યજ્ઞો પૈકીના લક્ષચંડી મહાયજ્ઞમાં અનેક નવા વિક્રમો પ્રસ્થાપિત થશે. મહાભારતમાં થયેલ અશ્વમેઘ યજ્ઞ બાદ આ સૌથી મોટો યજ્ઞ છે. અત્યારે દેશ-વિદેશમાં યજ્ઞની કંકોત્રીના વધામણા થઈ રહ્યાં છે. કુલ ૪પ કમિટીઓ દ્વારા વિવિધ જવાબદારીઓ અદા થઈ રહી છે. ૨૦ હજારથી વધારે સ્વયંસેવકો યજ્ઞને સફળ બનાવવા રાત-દિવસ સખત મહેનત કરી રહ્યાં છે. ૧૨૪ દેશોમાંથી અંદાજે ૮૦ લાખ જેટલા શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારશે તેમ માનીને સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. અત્યારથી જ તૈયારીઓ નિહાળવા માટે હજારો લોકો રોજ ઉમિયાનગર (ઉંઝા) ની મુલાકાત લઈ રહ્યાં છે.

ઉંઝાના આંગણે ૫૧ શકિત પીઠના પ્રતિક મંદિરો સાથે ૮૧ ફૂટ ઉંચાઈની પવિત્ર યજ્ઞશાળા સાથે ૩૫૦૦ લોકો બેસી શકે તેવો વિશાળ મંડપ બનશે. ૫૧ શકિતપીઠોમાં ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓના દર્શન થશે. મૂર્તિઓની રચના માટે ઓરિસ્સાથી મૂર્તિકારો આવ્યાં છે. ઈકોફ્રેન્ડલી મૂર્તિઓ તૈયાર થઈ રહી છે વડોદરાથી આવેલ કાળી માટી, ભુસુ, વાંસ, સુતળી, ઘાસ તથા કાપડની મદદથી એવરેજ ૩ ફૂટ ઉંચી મૂર્તિ બનાવી રહ્યાં છે. જે થરમોકોલના રપ ફૂટ ઉંચા ડોમમાં ૧૭ થી રર ફૂટ ઉંચા દેવાલયોમાં સી આકારે ૧૭ની ૩ લાઈનમાં ગોઠવણી કરાશે. વચ્ચે ઉમિયા માતાજીની મૂર્તિ બિરાજમાન થશે. ૮૧ ફૂટ ઉંચી યજ્ઞશાળાની રચના માટે ૮૦ હજાર પાકી ઈટ, યજ્ઞકુંડ માટે રપ હજાર કાચી ઈટ, ૧૮૦૦ કિલો કાથી, ૯૫૦૦ નંગ વાંસ/બાંબુ અને ૧૬૦૦ ટન માટીનો ઉપયોગ થયેલ છે.

ન ભૂતો ન ભવિષ્યતિ

ભૂતકાળ તરફ નજર નાંખીએ તો કદાચ આવો લક્ષચંડી યજ્ઞ થયો હોય તેવું પ્રમાણ નથી. યજ્ઞની શરૂઆત પહેલા ૧ ડિસેમ્બર થી ૧૬ ડિસેમ્બર અવિરત ૧૬ દિવસ સુધી ૧૧૦૦ જેટલાં પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતીના ૭૦૦ શ્લોકથી એક લાખ ચંડી પાઠનું પઠન કરવામાં આવશે. ત્યારબાદ એક લાખ ચંડી પાઠનો દશમો ભાગ એવા ૧૦ હજાર પાઠની શાસ્ત્રોકત વિધિથી ૧૦૮ યજ્ઞકુંડમાં વિવિધ દ્રવ્યો અને ઔષધિઓની વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પવિત્ર આહુતિ આપવામાં આવશે. યજ્ઞમાં ૭૫ હજાર કિલો કાષ્ટ, ૩૨૦૦ કિલો ઘી, ૧૫ મેટ્રીક ટન છાણા અને હજારો કિલો તલ, ડાંગર જેવા વિવિધ દ્રવ્યો હોમાશે. યજ્ઞશાળામાં ચંડીપાઠના સતત ઉચ્ચારણ અને વૈદિક મંત્રોચ્ચારથી એતિહાસિક અને દેદિપ્યમાન વાતાવરણ ઉભું થનાર છે.

વિશાળ ધર્મસ્થ સ્થળ

ઉમિયા નગરમાં વિશાળ ધર્મસભા સ્થળ ઉભું કરાયું છે. જયાંથી જગદ્દગુરૂ શંકરાચાર્ય સહિત દેશના ખ્યાતનામ સંતો-મહંતો પોતાના આર્શીવચન અને અમૃતવાણીનો લાભ આપશે. જગદ્દગુરૂ સ્વરૂપાનંદ સરસ્વતીના હસ્તે આ ધર્મસભાનું સ્થાપન કરાશે.

જ્ઞાનકુટીર

ધર્મથી કર્મ તરફ પ્રયાણ કરવા માટે 'ગ્લોબલ ઈનોવેશન કોન્કલેવ' નું આયોજન કરવામાં આવ્યું છે. સનાતન ભારતીયગ સંસ્કૃતિમાંથી પ્રેરણા લેવા માટે 'જ્ઞાન કુટીર' ની રચના કરવામાં આવી છે. જેમાં વેદવ્યાસ કુટીર, આર્યભટ્ટ કુટીર તથા બલરામ કુટીરનો સમાવેશ થાય છે.

વિવિધ સુવિધાઓ

૩૦૦ વિઘા જમીનમાં યજ્ઞશાળા, બાળનગરી, સાંસ્કૃતિક કાર્યક્રમો, સાત્વિક ભોજન પ્રસાદ માટે ભોજનશાળા, વિવિધ થીમ આધારિત એકઝીબીશન, પાર્કિંગ, વી.આઈ.પી. પાર્કિંગ, મીડિયા અને માર્ગદર્શન સહાયતા કેનદ તથા તાત્કાલિક સારવાર માટે મેડીકલ સેન્ટર ઉભું કરવામાં આવેલ છે.

પાણીની વ્યવસ્થા

લક્ષચંડી મહાયજ્ઞમાં આવનાર દર્શનાર્થીઓ માટે 'પગ ત્યાં પાણી'ની વ્યવસ્થાનો પ્રોજેકટ તેયાર કરાયો છે. જેમાં રોજ ૧.૫૦ લાખ કરોડ લિટર ધરોઈનું પાણી ફિલ્ટર કરી ઉપયોગમાં લેવાશે. મહોત્સવ કમિટિના ચેરમેન એમ.એસ. પટેલના માર્ગદર્શન હેઠળ ધરોઈ વિભાગ અને નગર પાલિકાના સહયોગથી ૮૦૦ વિઘામાં ૫૧ હજાર રનીંગ ફૂટ પાઈપ દ્વારા પીવાનું પાણી ૧૦૦૦ નળ (ચકલીઓ) દ્વારા ઉપયોગમાં લેવાશે, આ પાણીનો વેડફાટ ન થાય તે માટે રપ હજાર ફૂટ રનીંગ ગટરનું પણ આયોજન હાથ ધરાયું છે.

ઉમિયા માતાજીની શોભાયાત્રા માટે ૫૧૦૦ કુંડા, જવેરા વાવીને તેયાર કરવાની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે.

વિશાળ ભોજનશાળા

લક્ષચંડી યજ્ઞમાં માત્ર ૩૦ મિનિટમાં ૫૦ હજાર લોકો જમી શકે તે માટે ૮૩ વીઘામાં વિશાળ ભોજનશાળા બનાવવામાં આવી છે. જેમાં પાંચ હજારથી વધુ સ્વયંસેવકો ખડેપગે સેવા આપશે. આ પ્રસંગે ૨૦ લાખથી વધુ લાડુનો પ્રસાદ તૈયાર કરવામાં આવનાર છે. અહીં આવનાર દર્શનાર્થીઓ માટે એક લાખ લિટર દૂધની ચા બનાવવામાં આવનાર છે. શુદ્ધ ઘીના મગદાળનો પ્રસાદ બનાવવામાં આવશે. બે લાખ બોકસમાં પ્રસાદનું પેકીંગ થશે.

સામુહિક મહેંદી રસમ

માઈ ભકતોમાં ધર્મભાવના અને શ્રદ્ધા પ્રગટે તે માટે તા. ૧૫-૧૨-૨૦૧૯ ને રવિવારે ૨૦,૦૦૦ બહેનો સામુહિક રીતે લક્ષચંડીના પ્રતિકની મહેંદી મુકશે. આ માટે સર્જનાત્મક અને કલાત્મક અભિગમ ધરાવતી બહેનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. આ મહિલાઓ દ્વારા ધાર્મિક મહત્વ જળવાઈ રહે તે રીતે યજ્ઞનો લોગો અને 'મા અમે તેયાર છીએ'ના સૂત્ર મુજબ મહેંદી મુકાશે.

ઉંઝા નગરમાં ઘરે-ઘરે દિપ પ્રગટાવાશે તથા તોરણ બંધાશે.

માં ઉમિયાનો દિવ્ય સંદેશ

 મન, વચન અને કર્મથી માં ઉમિયા પ્રત્યે અનન્ય આસ્થા રાખીએ.

 દામ્પત્ય જીવનની શરૂઆત માં ઉમિયાના દર્શનથી કરીએ.

 કુરિવાજો અને વ્યસન મુકત સમાજ બનાવીએ.

 શ્રેષ્ઠી દાતાશ્રીઓનાં દાનથી સમાજનો સર્વાંગી વિકાસ કરીએ

 પારિવારીક ભાવના દ્વારા વૈશ્વિક સંગઠન બનાવીએ

 સમય સાથે વૈશ્વિક તાલમેલ કેળવીએ

 સામાજિક સમરસતા સાથે સદ્દભાવનાની સુસંસ્કારીતા પ્રગટાવીએ

 ધર્મથી કર્મ તરફ પ્રયાણ કરવા માટે કૃત નિશ્ચય બનીએ.

લક્ષચંડી મહાયજ્ઞનની વિશિષ્ટતાઓઃ-

 ૧૬ યજમાનો દ્વારા પાંચ દિવસ ચાલનાર લક્ષચંડી મહાયજ્ઞ

 ૧૧૦૦ દૈનિક પાટલા યજમાન, પાંચ દિવસના કુલ ૫૫૦૦ પાટલા અને ૧૦૮ યજ્ઞકુંડ સાથેની ૮૧ ફૂટ ઉંચી યજ્ઞશાળા

 ૮૦૦ વીઘા જમીનમાં 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવો લક્ષચંડી મહાયજ્ઞ

 ૩૫૦૦ વ્યકિતઓ સાથે બેસી શકે એટલી વિશાળ ૮૧ ફૂટ ઉંચાઈની યજ્ઞશાળા.

 ઉમિયા બાગ (ઉંઝા) ખાતે ૧-૧૨-૨૦૧૯ થી તા. ૧૬-૧૨-૨૦૧૯ સુધી અવિરત ૧૬ દિવસ ૧૧૦૦ પ્રકાંડ પંડિત બ્રાહ્મણો દ્વારા દુર્ગા સપ્તશતીના ૭૦૦ શ્લોકોના એક એવા એક લાખ ચંડીપાઠના પઠનનો પ્રારંભ

 જગદ્દગૂરૂ શંકરાચાર્ય અને હિન્દુ ધર્મગુરૂઓની પાવન ઉપસ્થિતિમાં ધર્મસભાઓનું આયોજન.

 રાષ્ટ્રીય અને રાજસ્વી સમાજશ્રેષ્ઠીઓની ઉપસ્થિતિ

 દેશ-વિદેશમાંથી અંદાજે ૬૦ લાખથી વધુ-શ્રધ્ધાળુઓ માં ઉમિયાના દિવ્યદર્શન કરશે.

 ૫૦૦ એકર જેટલી વિશાળ જગ્યામાં 'મા ઉમિયા નગર'નું નિર્માણ

 ૫૧૦૦ બહેનો દ્વારા જવારા મહોત્સવથી ચંડીપાઠનો પ્રારંભ

 દર્શનાર્થીઓ માટે પરિક્રમા માર્ગ અને સ્ટેડિયમ જેવા પેવેલિયન સીટીંગની વ્યવસ્થા

 એક જ જગ્યાએથી ૫૧ શકિતપીઠોના દર્શનનો લ્હાવો.

 વિશ્વભરમાં વસતા ૧૦ લાખથી વધુ પરિવારોને 'માં નું તેડું''

 કાર્યક્રમની સફળતા માટે ૨૦ હજારથી વધુ સ્વયંસેવકો.

 ૭ લાખ ચો.ફૂટમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઈન્ડસ્ટ્રીયલ, કોમર્શીયલ અને એજયુકેશન એકઝીબીશન.

 બ્રાન્ડેડ ફૂડ કોર્ટ અને એમ્યુઝમેન્ટ પાર્ક (બાળનગરી)

 ન્યુ ઈન્ડીયા પેવેલિયન (સરકારશ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓ)

 વિવિધતાસભર સાંસ્કૃતિક કાર્યક્રમો

 યજ્ઞની ભવ્યતાનું હેલીકોપ્ટર દ્વારા વિહંગાવલોકન અને નિજ મંદિર પર પુષ્પવર્ષા.

 તમામ દર્શનાર્થીઓ માટે ભોજન-પ્રસાદની વ્યવસ્થા

 વિશાળ પાર્કીંગની વ્યવસ્થા

 યજ્ઞના મુખ્ય આચાર્યઃ શાસ્ત્રી રાજેશ, અનંતદેવ શુકલ (મુંબઈવાળા પરિવાર) મુડેટી-ઈડર.

 શિક્ષણ, કેરીયર ગાઈડન્સ, રોજગાર જેવા વિષયો પર તજજ્ઞ દ્વારા સેમીનાર

 બેટી બચાવો, બેટી પઢાઓથી એક પગલું આગળ વધીને, 'બેટી કો આગે બઢાઓ' નો સંકલ્પ.

 જળશક્રિત અભિયાનને 'જન અભિયાન' બનાવવાનો સંકલ્પ

 આંગણવાડીઓને દત્ત્।ક લેવાનું મહા અભિયાન.

 હિન્દુ ધર્મના જગતગુરૂ શંકરાચાર્ય અને ધર્મગુરૂઓના દર્શનનો લાભ.

આમંત્રણઃ-

આસ્થાની અભિવ્યકિતના આ ધન્ય અવસરમાં, હિન્દુ સંસ્કૃતિના આ દિવ્ય અને શ્રોષ્ઠ યજ્ઞમાં, આ ધન્ય ઘડીના સાક્ષી બનવા દેશના તમામ શાતિ-જાતિના લોકોને સહપરિવાર પધારવા માટે અંતરના ઉંડાણથી આમંત્રણ છે.

૨ હજાર વાંસ અને ૬ હજાર મીટર કંતાનથી તૈયાર કરેલ ગબ્બરમાંથી મા ઉમાનું પ્રાગટ્ય થશે

૨૦૦૦ વાંસ તથા ૮૦૦૦ મીટર કંતાનથી તેયાર કરાયેલ ગબ્બરમાંથી માં ઉમાનું પ્રાગટ્ય થશે. ૧૦૦ * ૫૦ મીટરના ગબ્બરની વિશાળ રચના કરવામાં આવી છે. જેમાં ૬૦૦ લીટર પીઓપી, ૨૫૦૦ લાકડા, ૫૦૦ કિલો કાથી તથા ૧૦૦ લિ. કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અમદાવાદના ૩૦ કારીગરોએ ૪૦ દિવસની મહેનત બાદ ગબ્બરની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી છે. ગબ્બરની વચ્ચેથી ૩૦ ફૂટ ઉંચી અને ૫*૫ ફૂટ પહોળાઈની લીફ્ટ ઉપર માં ઉમિયાની પ્રતિમા બહાર નીકળશે. જાણે માં ઉમિયાનું પ્રાગટ્ય થતું હોય તેવો અદ્દભૂત ભાવ પ્રગટ થશે. રોજ સાંસ્કૃતિક કાર્યક્રમ સમયે માં ઉમાનું પ્રાગટ્ય થશે. ગબ્બર ઉપર રોજ ૧૦ મિનિટ રપ બાળાઓ ગરબા કરશે.

દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમો : માના ગરબા રજૂ થશે : ૩૦૦ બાળાઓ તાલીમ લ્યે છે

આ પાંચ દિવસીય લક્ષચંડી મહાયજ્ઞમાં ઉમિયાનગર ખાતે રોજ રાત્રે યોજાનાર સાંસ્કૃતિક કાર્યક્રમમાં માં ઉમિયાની થીમ આધારિત ૪૫ મિનિટના મલ્ટી મીડિયા શોમાં ગરબો રજૂ થશે. આ માટે અમદાવાદ તથા વડોદરાના કોરિયોગ્રાફરો પાસેથી ૩૦૦ બાળાઓ ૧૫ દિવસથી તાલીમ લઈ રહી છે. જેની રજુઆત ડીઝીટલ લાઈટ અને અલ્ટ્રા સાઉન્ડ સાથે ૧૨૦ * ૭૮ ફૂટના વિશાળ સ્ટેજ ઉપર સામુહિક ગરબા રજૂ થશે. જે એક સાથે ૨૫ હજાર લોકો નિહાળી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

લેખન - સંકલન

પ્રો. ડો. જે. એમ. પનારા

કેમ્પસ ડાયરેકટર, ફિલ્ડ માર્શલ તથા ગોવાણી કન્યા છાત્રાલય તથા કન્વીનર ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ મીડિયા સમિતિ રાજકોટ, મો.૯૪૨૬૯ ૪૨૫૦૩

(1:16 pm IST)